નવચેતન માર્ચ ૨૦૧૪
એક નૂર
આદમી
લેખક :-ડૉ.મૌલેશ મારૂ
થોડા સમય પહેલાં એક રસપ્રદ પ્રસંગ વાંચવા મળ્યો. એક પાદરી પાસે ,એક યુગલ લગ્ન કરાવવા માટે ગયું, પાદરી એ વિધિ કરાવી , પરંતુ વર-વધૂ ના પહેરવેશ એકદમ સરખા , ઉપરાંત વર ને લાંબાં
થોડા સમય પહેલાં એક રસપ્રદ પ્રસંગ વાંચવા મળ્યો. એક પાદરી પાસે ,એક યુગલ લગ્ન કરાવવા માટે ગયું, પાદરી એ વિધિ કરાવી , પરંતુ વર-વધૂ ના પહેરવેશ એકદમ સરખા , ઉપરાંત વર ને લાંબાં
જુલફાં તો વહુ ને બોબ્ડ હેર ,હાથ મેળવવા
વખતે ,પાદરી ને વર કોણ અને કન્યા કોણ તે જાણવા માં મૂંઝવણ ઊભી
થઈ, તેથી તેણે કહ્યું કે હવે તમારા માંથી જે વર હોય તે વહુ ના
હાથ પર ચુંબન કરે, ત્યાર બાદ આપણે આગળ ની વિધિ શરુ કરીએ.
એ પાદરી જેવી
મુશ્કેલી મને પણ મારાં એક વિદ્યાર્થી ભાઈ બહેન ને ઓળખવામાં પડેલી. એક વાર મારી એક વિદ્યાર્થિની
મને રસ્તા માં મળી અને મને નમસ્તે કર્યા,ત્યાર બાદ બીજા દિવસે ,કોલેજ માં તેને કહ્યું ,મિસ મહેતા કાલે સાંજે ફરવા નીકળ્યા
હતાં? તે મૂંઝાઈ ને મારી સામે થોડી વાર જોઈ રહી ,પછી થોડું મલકાઈ ને કહે, ‘નહીં સાહેબ , એ તો મારો નાનો
ભાઈ તમને કાલે મળેલો.’ ત્યાર બાદ કોઈ ની પણ સાથે તેની આગલી મુલાકાત ની વાત જ ન ઉચ્ચારવી
તેવી પ્રતિજ્ઞા મેં લઈ લીધી છે .
આમ પણ રસ્તા માં કોઈ મળે ત્યારે ઘણી વાર વિચિત્ર
પરિસ્થિતિ થઇ જાય છે,ભૌતિકશાસ્ત્ર ના સૂત્રો જોઈ ને તેના વડે રજૂ કરવામાં આવેલ પ્રક્રિયા મારા મન માં બેસી જાય છે
,એજ રીતે વિદ્યાર્થી એ લીધેલ અવલોકન પર થી મને પ્રયોગ માં તેણે ક્યાં ભૂલ કરી છે તે તરત જ સમજ માં આવી જાય છે ,પરંતુ ઘણી વખત જોયા
પછી વ્યક્તિ નો ચહેરો તો યાદ રહે છે
, પરંતુ વ્યક્તિ નું નામ યાદ
રહેતું નથી . ઘણી વખત તો થોડી વાતચીત કર્યા
પછી પેલો માણસ પણ સમજી જાય કે ક્યાંક લોચો છે , એટલે પૂછે
કે “ મને ઓળખ્યો?”
ત્યારે તેની સાથે
જન્મ જન્માંતર ની ઓળખાણ હોય તેવું હાસ્ય મોઢા પર લાવીને જવાબ આપું,”અરે હોય
કાંઈ, તમને ન ઓળખું એવું બને કદી ?” એમ
મભમ કહીને તેને આડી અવળી વાતો એ ચડાવવાનો પ્રયત્ન કરું , પણ ઘણા
માણસો ની ધૃષ્ટતા ની સીમા નથી હોતી તેઓ વાત કાપીને આગળ પૂછે – હું કોણ ?
અને ત્યારે ખૂબ
ક્ષોભ સાથે શરમ થી કહેવું પડે છે કે – “સોરી હો! તમારું નામ ભૂલાઈ જવાયું.” આથી ઘણા માણસો સાથે મારે સામાન્ય વાતચીત ના સંબંધો
પણ તૂટી ગયા છે . જોકે હવે તો મેં એકદમ હિંમત કેળવી લીધી છે ,એટલે
આવા સંજોગો માં પહેલે ધડાકે જ કહી દઉં છું
કે, “માફ કરજો ,તમને ઓળખ્યા નહીં.” આમ સ્પષ્ટ વાત કરવા છતાં સામી
વ્યક્તિ ને દુઃખ લાગે છે ,પણ મને મેં કંઈ ચોરી કરી છે
,કે હું ગુનેગાર છું એવો ક્ષોભ રહેતો નથી .જોકે દરેક માણસ નો ચહેરો અને
નામ પોતાને યાદ રહે છે તેવો ગર્વ કરનાર ,ઘણા માણસો પણ મને ખોટા
નામે જ ઓળખે છે .એક વ્યક્તિ મને મળે ત્યારે
, “કાં બુચભાઈ કેમ છો
? એમ જ પૂછે છે તો વળી એક વ્યક્તિ મને “ મહેતા ભાઈ” થી જ ઓળખે છે . જોકે
હું તો તેમની ભૂલ સુધારવા ને બદલે “બુચ” કે “મહેતા” ની જેમ વર્તી તેમના ગર્વ નો ભંગ
થવા દેતો નથી .
અત્યાર સુધી એક
વાત નું સુખ હતું કે ચહેરો જોયા પછી નામ જ યાદ કરવાનું રહેતું પરંતુ હવે તો દૂર થી
દેખાતી વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ તે પહેલા નક્કી કરવું પડે છે અને તેનું કારણ પહેરવેશ
માં જોવા મળતો ફેરફાર છે .હું જ્યારે કોઈ ની પાસે થી એમ સાંભળું છું કે’ દિવસે દિવસે
દેશ નું વાતાવરણ તંગ થતું જાય છે’, ત્યારે મને આજ ના યુવક ,યુવતી ના કપડાં અને પહેરવેશ જ
યાદ આવે છે . હમણાં એકવાર ,બજાર માં જવા નીકળ્યો ,ત્યાં રોજ ની ટેવ મુજબ ગલી ને નાકાથી મને પાછો બોલાવી ને મારાં શ્રીમતી એ એક
કાપડ ની કટકી આપી અને કહ્યું ,” લ્યો આને મૅચિંગ થાય તેવું ટેરીકોટન અરધો મીટર લેતા
આવજો .મેં પૂછ્યું –“કેમ? ઢીંગલી બનાવવાનો ધંધો શરુ કરવો છે
? તો કહે તમે પણ શું વાત વાત માં મશ્કરી કરો છો ? કોઈ ધંધો શરુ નથી કરવો ,આતો આપણી બેબી માટે સ્કર્ટ બનાવવું
છે . લગ્ન પછી મારી ઘણી બધી સ્વતંત્રતા ની જેમ ચર્ચા કરવાની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ
છે ,તેથી ચર્ચા કર્યા વગર હું અરધો મીટર કાપડ લઈ આવ્યો તેનું
સ્કર્ટ પણ બની ગયું અને મારાં શ્રીમતી તથા આડોશ-પડોશ ના મોટા ભાગ ના બહેનો માને છે
કે તેનું ફીટીંગ બરાબર છે .પરંતુ હું તો જ્યારે પણ બેબી ને સ્કર્ટ પહેરેલી જોઉ છું
ત્યારે મને તો સમજાતું નથી કે બેબી એ સ્કર્ટ પહેર્યું છે કે સ્કર્ટે બેબી ને પકડી રાખી
છે? કપડું પહેરવાને બદલે જાણે શરીર પર સ્કર્ટ નું ટેટુ ચીતર્યુ હોય તેવું લાગે
છે .પરંતુ આ અંગે જાહેર માં ટીકા કરવાથી બુઝુર્ગ માં ખપી જવાનો ભય લાગે છે .તેથી બધાની
સાથે સાથે હા એ હા જ ભણવી પડે છે .
મારા દરજી ને
પણ મને આધુનિક બનાવવાની ખુબજ ઇચ્છા હોય છે . તેનું એ નિઃસ્વાર્થીપણું,પહેલાં
તો હું સમજી શકતો નહીં પણ પછી મને ખ્યાલ આવ્યો
કે ,જો હું આધુનિક બનું તો મારા લાવેલ કાપડ માંથી ખૂબજ બચાવ થઇ
શકે અને પોતાના પુત્ર ની ચડ્ડી બની જાય. જોકે હું તો પેન્ટના બટન પણ પ્લાસ્ટિક ના સહન ન કરી શકું ,મારે તો સુતરાઉ (દોરી) ના બટન જોઈએ .આમ છતાં એક વખત મને પૂછ્યા વગર જ મારા
માટે નેરોકટ પેન્ટ સીવી નાખ્યું . પેન્ટ ના માપ ની ચકાસણી કરવા ટ્રાયલ રૂમ માં મારી
દશા જોવા જેવી થઇ ગઈ, પેન્ટ ને પહેરવાને બદલે તેની સાથે કુસ્તી
લડતો હોઉં તેવો દેખાવ થઇ ગયો, અને માપ લીધા વગર જ રૂમ માંથી બહાર
નીકળ્યો. દરજી કહે –“કેમ સાહેબ છે ને એકદમ આધુનિક સિલાઈ ?” મારામાં
રહેલો પ્રોફેસર નો આત્મા જાગી ઊઠ્યો , મેં તેને આદિમાનવ વૃક્ષ
ના પાંદડા શરીરે વીંટાળતો ત્યાંથી શરૂઆત કરી ને,કપડાં પહેરવાની
પધ્ધતિ કેવી રીતે અસ્તિત્વ માં આવી તે વિષે નાનકડું ભાષણ આપ્યું . એક સારા ગ્રાહક તરીકે મારું સન્માન કરતો હોવાથી તે કંટાળાજનક મુખમુદ્રા
કરી ને મારી સામે તાકી રહ્યો ,એટલે મેં ભાષણ ટૂંકાવતાં કહ્યું,
“ટૂંક માં કપડાં શરીર ના અંગ ના રક્ષણ માટે છે, અંગ ને ઢાંકવા માટે છે .તેં સીવેલું આ પેન્ટ કપડા ના આદર્શમાં કોઈ પણ રીતે
બંધ બેસતું નથી ,અંગ ને ઢાંકવા ને બદલે તેનું સંપૂર્ણ પ્રદર્શન
કરે છે અને આબરૂ નું જાહેર માં લીલામ કરે છે” ખૂબજ કચવાઈ ને દુઃખ ભર્યા અવાજ માં તેણે કહ્યું – “સાહેબ, તમે કદી
આધુનિક નહિ બની શકો.”
અત્યારના કપડાની
આધુનિકતા તો
,મને લાગે છે કે જેને તે પહેર્યા પછી ઉતારવા સિવાય બીજા કોઈપણ કામ ની
ચિંતા નથી તેને જ પોષાઈ શકે છે, જોકે એવી આધુનિકતા તો કદાચ મને પણ પોષાઈ શકે, પરંતુ પહેરવેશ
ની બાબત માં હું ચોક્કસ માનું છું કે, કપડા ટૂંકા કે પહોળાં એ
ચર્ચા એક બાજુએ રહેવા દઈએ તો પણ,કપડા પહેરનાર વ્યક્તિ પોતાના
હાથ–પગ જેટલા ઊંચા નીચા કરવા હોય તેટલા આરામ પૂર્વક કરી શકે તો જ તે કપડાં યોગ્ય કહેવાય.
પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે માણસ ને પોતાની ઇચ્છા કરતાં કપડાં ની ઇચ્છા તરફ વધુ
ધ્યાન આપવું પડે છે .અહીં વધુ પહોળાં કપડા ની તરફેણ સહેજ સંકોચ પૂર્વક કરું છું
,કારણ કે હું પ્રારંભ માં પેન્ટ નું મોળિયું લગભગ ૨૩ નું રખાવતો અને
મારો બુશકોટ પણ લગભગ ઝબ્બા જેટલી પહોળાઈ નો
રખાવતો, મારાં આટલાં પહોળાં કપડાં માટે મારા મિત્રો ઘણી વખત મશ્કરી માં કહેતા કે, “આમાં તો,દાણચોરી નો સમાન લઈ જાવ તોપણ ખબર ન પડે”. જોકે
આવી કોઈ વાત સાંભળ્યા વગર હું મારી રીતે પહોળાં કપડાં પહેરીને ,આર્ય સંસ્કૃતિ નું પાલન હું જ કરું
છું તેવા ગર્વ સાથે ,જમીન થી એક વેંત અધ્ધર ચાલતો .આજ પ્રકાર
ના કપડા પહેરી ને હું મારી ભાવિ પત્ની ને મળવા તથા પસંદ કરવા ગયેલો. સદનસીબે મારી ત્યાર ની ફિઆન્સી અને હાલ ની પત્ની એટલી સમજુ
કે મારી સાથે સગાઈ કરવાની હા પાડી, પરંતુ મેં તેને પહેલો પત્ર
લખ્યો, ત્યારે તેના જવાબ માં તેણે લખ્યું ( માફ કરશો શબ્દશઃ નહિ લખું ) “તમને ગુજરાતી
માં લખતાં આવડે છે તે જાણી ને આનંદ થયો
,બાકી તમારો પહેરવેશ જોઇને એમ જ થયેલું કે તમે સંસ્કૃત માં પત્ર લખશો
.અથવા ગુજરાતી માં પણ ભદ્રંભદ્ર જેવી ભાષા માં –અગ્નિરથ વિરામસ્થાન – જેવા શબ્દો નો
ઉપયોગ તો જરૂર કરશો”. ત્યાર બાદ નક્કી કર્યું કે ,કપડાની પહોળાઈ
માં થોડુંક તો સમાધાન કરવું જ પડશે .
જોકે કપડા ક્યારે
અને કેવી રીતે માણસ ને મુશ્કેલી માં મુકી દેશે તે નક્કી હોતું નથી ,આ બાબત
માં મારા એક મિત્ર ને બહુ કપરો અનુભવ થયેલો છે .એકવાર તેમના દૂર ના સગા એક મુરબ્બી
ઘણા વર્ષો બાદ તેમને મળવા આવ્યા,મુરબ્બી ની ઉમર પણ ખાસ્સી વધારે
એટલે આંખો ની દ્રષ્ટિ જરા નબળી , અને પાછો બન્ને આંખમાં મોતિયો પણ ખરો એટલે કોઈ વસ્તુ સ્પષ્ટ જોઈ શકે નહીં
,જોકે મોટી ઉમર ના માણસ ના સામાન્ય સ્વભાવ મુજબ તેઓ શ્રી તો એમ જ માને
કે તેમની દ્રષ્ટિ સંપૂર્ણ છે, થોડી વાર આડી અવળી વાતો કરી અને ઓચિંતા
ના મારા મિત્ર ને પૂછ્યું કે પંદર વર્ષ પહેલા
હું તારે ત્યાં આવ્યો ત્યારે રોજ તું તારા પુત્ર ને ખિસ્સામાં વસ્તુઓ ના ડૂચા ભરવા
માટે ઠપકો આપતો હતો ,મિત્ર કહે –“હા બરાબર યાદ છે” . મુરબ્બી
એ મુરબ્બીવટ દેખાડતાં કહ્યું કે, “છોકરાંઓ
ને ધમકાવવાથી હમેશાં અવળી અસર થાય છે.... જો આ ઉંમરે પણ તેની એ ટેવ ગઈ નથી” ,એમ
કહીને મિત્ર ની પાસે બેઠેલ વ્યક્તિ તરફ તેમણે આંગળી ચીંધી. મારા મિત્ર એ વાત ને એકદમ રોળીટોળી
નાખવી પડી કારણ કે તેમની પાસે બેઠેલ વ્યક્તિ તેમનો પુત્ર નહિ, પણ પુત્રી હતી.
માણસ ના વ્યક્તિત્વ
માં કપડાં નો મોટો ફાળો છે તે જરા પણ અવગણી શકાય તેવી વાત નથી ,કોઈ કવિ
એ સાચું જ કહ્યું છે
એક નૂર આદમી
હજાર નૂર
કપડાં
લાખ નૂર
ટાપટીપ
કરોડ નૂર નખરાં.
માણસ ના શરીર
નું મૂલ્ય જો એક એકમ ગણીએ તો ,કપડાં તેનું મૂલ્ય હજારગણું વધારી દે છે .
જોકે કપડાં થી પણ વિશેષ મહત્વ “ટાપટીપ” અને “નખરાં” નું છે .પરંતુ અત્યારે ચર્ચા કપડાં
પૂરતી સીમિત રાખીએ .
કપડાં કે જેના
વિષે આપણે ખૂબ ઓછો વિચાર કરીએ છીએ ,પણ ઉપયોગ વિશેષ પ્રમાણ માં કરીએ
છીએ તે આપણા વ્યક્તિત્વ નું ખૂબજ અગત્યનું પાસું છે . માણસ પોતાના શરીર ની ક્ષતિ ઢાંકવા
માટે તેનો ઉપયોગ કરે છે ,સ્થૂળ કે પાતળા માણસો પોતાનું શરીર સપ્રમાણ
દેખાય તેવા પ્રકારનાં કપડાં પહેરે છે .દરેક યુગ માં કપડાં ની ફેશન બદલાતી જાય છે . શરીર પર ચુસ્ત
રહે તેવાં નેરો પધ્ધતિ ના કપડા નું ચલણ ખૂબજ ચાલે છે . અલબત્ત જુદા જુદા સમય માં સ્ત્રીઓએ
સમય અને વાતાવરણ ને અનુરૂપ કપડા પહેરવાની પદ્ધતિ માં સમાધાન પણ કરવું પડે છે . રજવાડી
સમય માં શાસક ની કુદ્રષ્ટિ થી બચવા માટે શરીર નું એક પણ અંગ ના દેખાય તેવાં વસ્ત્ર
પહેરવાં પડતાં . જોકે આજકાલ ની યુવતી ઓ કોઈ પણ પ્રકાર ની જરૂર દેખાતી ના હોવા છતાં
આખા શરીર ને સંપૂર્ણ ઢાંકી ને નીકળે છે તે વાત સમજ માં આવતી નથી. કદાચ ત્વચા નું વાતાવરણ
ના પ્રદૂષણ થી રક્ષા કરવાનો હેતુ પણ હોય !
હેતુ જે હોય તે પણ મને ગુજરાત ના ,પેલા સંનિષ્ઠ કવિ અને સંચાલક શ્રી ના શબ્દો યાદ આવે છે
કે, ‘ગુજરાત ની બહેનો આ રીતે શરીર ઢાંકી ને ફરશે તો પછી ગુજરાતી કવિતા નું શું થશે
?’
વસ્ત્રો નું મહત્વ
એ આજ ના યુગ ની વાત છે એવું નથી , ભગવાન શ્રીકૃષ્ણ એ પણ ગીતા માં વસ્ત્રો નું
મહત્વ બતાવ્યું છે , તેમણે કહ્યું છે કે ,
वासांसि जीर्णानि
यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही ||
જેવી રીતે શરીર પર ના
વસ્ત્ર જીર્ણ થાય છે
, ત્યારે મનુષ્ય નવાં વસ્ત્ર ધારણ કરે છે ,તેજ
રીતે જ્યારે મનુષ્ય નું શરીર જીર્ણ થાય છે
ત્યારે તેને આત્મા પણ જુના નો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે અહીં ભગવાન
શ્રીકૃષ્ણ એ મનુષ્ય ના શરીર ને તેના આત્મા ના વસ્ત્ર તરીકે ગણાવ્યું છે ,અહીં
આત્મા –પરમાત્મા ની અધ્યાત્મિક ચર્ચા કરવાની ઇચ્છા નથી ,પરંતુ
એક વાત તો નક્કી છે કે દરેક મનુષ્ય એવી તો જરૂર ઇચ્છા રાખે કે તેનો આત્મા જ્યારે પણ નવું શરીર ધારણ કરે ત્યારે ચુસ્ત
શરીર ની પસંદગી જરૂર કરે, કારણ ચુસ્ત શરીર પર જ ચુસ્ત કપડાં પહેરી
ને નીકળીએ તો લોકો કહે ને કે –વાહ શું વ્યક્તિત્વ છે !
------------------------------- X
-------------------------------
4