Tuesday, 1 April 2014

ફૂલ (FOOL) નહીં ને ફૂલ ( FOOL) ની પાંખડી

                  ફૂલ( Fool) નહીં ને ફૂલ (Fool) ની પાંખડી
                                                                   લેખક- ડૉ.મૌલેશ મારૂ
                                                                                                                 
સવાલ નથી કે બજેટ  ફેબ્રુઆરી ના અંતિમ દિવસે કેમ બહાર પડે છે ? પરંતુ સવાલ છે કેમૂર્ખદિનબજેટ પછી એક મહિના બાદ કેમ  આવે છે ? ભારત ની પ્રજા એટલી બધી મૂર્ખ છે કે તેને એક મહિના બાદ ખબર પડે કે આમાં તો મૂર્ખ બન્યા ! કરવેરા તો આપણે ભર્યા કરીશું અને પેટ્રોલ ,ડીઝલ ,ગેસ ,કેરોસીન અને આવી ઘણી બધી વસ્તુ માં ભાવ વધારો પણ ભરીશું અને તે પણ હસતા મોઢે ! જોકે અહીં એક સૂચન કરવાનું મન થાય છે , મેં ક્યાંક સાંભળ્યું છે કે બંસરી ના મહાન કલાકાર પન્નાલાલ ઘોષ ની બંસરી ના છિદ્ર એટલાં દૂર દૂર  હતાં કે આંગળીઓ ને વ્યવસ્થિત ગોઠવવા માટે તેમણે બે આંગળી વચ્ચેના સાંધા માં ઓપરેશન કરાવી અને જગ્યા વધારેલ . બજેટ પછી હોઠ પર હાસ્ય ટકાવી રાખવા આપણે પણ હોઠ ના સાંધા માં ઓપરેશન કરાવી નાખવું જોઈએ અને મને ખાતરી છે કે ભારત સરકાર આવા ઓપરેશન માટે સબસિડી પણ જરૂર આપશે ., અલગ વાત છે કે આવી સબસિડી માટે આધા કાર્ડ ઉપરાંત બીજું પણ કોઈ કાર્ડ કઢાવવું પડે ! આમેય આપણે સરકાર શ્રી ના ગમે તે પ્રકાર ના આદેશો નું પાલન કરવા ટેવાઈ ગયા છીએ ! ટૂંક માં ગમે તે પ્રકારના બજેટ ને આપણે સ્વીકારી શું? બહુ તો થોડી રાડારાડ કરીશું અને રેલી કાઢીશું,આવું બજેટ બહાર પડવાની ઇચ્છા વાળા કોઈ નેતા ની વાત માં આવી જઈને તેને આંદોલન માં મદદ પણ કરીશું ! ત્યાં માર્ચ મહિનો પૂરો થશે -એપ્રિલ આવશે એટલે બધી તરફ થી મૂર્ખાઈ નો એહસાસ થશે , તેમાં હોળી ધુળેટી પણ રંગ પૂરશે , આપણે નવા બજેટ અને ભાવ વધારાથી ટેવાઈ જઈ શું , નવી ચૂંટણી ની રાહ જોઈશું અને વળી પાછું નવી ઘોડી નવો દાવ “ !!
એક રીતે જોઈએ તો અંગ્રેજ ની ઘણી મૌલિક શોધ ની જેમ  મૂર્ખદિન પણ મૌલિક શોધ છે. કારણ મૂર્ખ બનવું , બનાવવું  મૂર્ખાઈ નું પ્રદર્શન કરવું એક કુદરતી વૃત્તિ છે અને એટલે વર્ષ નો એક દિવસ કામ માટે નક્કી કરવો બહુ ડહાપણ ભરેલી વાત છે .
કોઈ વ્યક્તિ ની બનાવટ કરવી તેને મૂર્ખ બનાવ્યો કહેવાય ? એપ્રિલફૂલ નો અર્થ આથી વિશેષ હોય તેમ લાગતું નથી . અમારે ત્યાં ભોજન માટે પધારો એવું આમંત્રણ આપીને, ખરે સમયે યજમાન ઘેર હોય તો મહેમાન એપ્રિલફૂલ બન્યા કહેવાય. વ્યવહાર રોજ ના ક્રમ કરતાં ઊંધો થયો કહેવાય, કારણ સામાન્ય દિવસો માં ભોજન નું આમંત્રણ આપી ને યજમાન બહાર ચાલ્યા જાયતો પોતે મૂર્ખ માં ખપે. મને યાદ છે કે નાનપણ માં અમે આવા પ્રકારની બનાવટ જુદી રીતે કરતા , પણ મૂર્ખ કહેવાને બદલે અમે તેમના પર લકડ પકડીઓ દાવ ચડાવતા. કોઈ મિત્ર ને ઓચિંતાં નું કહી કે જો તારા માથા માં પીછું ખરેખર બનાવટ હોય એટલે જેવો તેનો હાથ માથા માં જાય કે તરતજ અમે બૂમ પાડી લકડ પકડીઓ દાવ અને મારી મીલ્લા મીલ્લા નો અર્થ તો બધા જાણતાજ હશે ,કે હમણાં તે આરામ માં છે ,એટલે મીલ્લા છોડે પછી રમત શરુ થાય . પ્રકાર ની રમત કે મશ્કરી એપ્રિલફૂલ નો એક પ્રકાર છે . પ્રકાર માં મૂર્ખ બનાવનાર ને માનસિક સંતોષ થાય છે , આવી રીતે મૂર્ખ બનાવી ને સામી વ્યક્તિ પરનો આપણો ગુસ્સો પણ શાંત પડી શકાય. મને યાદ છે કે મારા એક મુરબ્બી મિત્ર સૌરાષ્ટ્ર રાજ્ય ના સમય માં સચિવાલય માં નોકરી કરતા , તેઓ પોતે ખૂબ હોશિયાર , તેમના સાહેબો કરતા પણ કાયદાનું તથા અન્ય ઓફિસ ના કાર્ય નું તેમનું જ્ઞાન પણ વધુ અને છતાં તેમના સાહેબ કહે  તેમ કરવું પડે , આથી મનમાં ખૂબ ગુસ્સો આવે ,ઓફિસ માં તો કઈ બોલે નહિ પણ ઘેર આવીને મારી સાથે ચર્ચા કરે ,હું તેમને પૂછું કે હવે તમે શું કરશો ? તો કહે હમણાં તો કઈ નહિ કરું પણ નિવૃત્ત થવાના દિવસે સાહેબ ની ચૅમ્બર માં જઈ અને થોડી વાર તેમના કાન સામે રહીશ ,અને પછી તેમને કહીશ કે સાહેબ ! તમારા જોઈ કાન પર જીવડું ચોટ્યું છે , તેઓ તેમના કાન ને અડે કે તરતજ મોટે થી બૂમ પાડીશ કે એપ્રિલફૂલ ! ટૂંકમાં પ્રકાર ની નિર્દોષ મશ્કરી  ઘણા સંજોગોમાં જીવન જીવવા માટેનું બળ પૂરું પાડી શકે છે ,અને મન ને હળવું ફૂલ બનાવી દે છે .
નિર્દોષ મશ્કરી નો શું અર્થ થાય ? દરેક વસ્તુ ના અર્થ કરવાની કે સમજવા ની જરૂર નહિ ,થોડું સ્વીકારતા પણ શીખવું જોઈએ ! દૈનિકપત્ર માં ઘણી વખત લગ્ન વિષયક જાહેરાત માં જોવા મળે છે કે ,પરણવા ઇચ્છુક વ્યક્તિ નિર્દોષ છૂટાછેડા લીધેલ છે ! અહીં નિર્દોષ  છૂટાછેડા એટલે શું ? તે મને ક્યારેય સમજાયું નથી . મિત્રો ને પૂછતાં તેઓ પણ ગલ્લા તલ્લા કરે છે .ટૂંક માં નિર્દોષ મશ્કરી લેખક  ની લખવાની સ્વતંત્રતા નો ભોગ બનેલ શબ્દ છે તેમ માની ને આગળ વધીએ . અહીં પ્રશ્ન  થાય કે લેખક કહ્યા એટલે ,બધા અધિકાર પ્રાપ્ત થઇ ગયા ? મૂર્ખાઈ ના પ્રકાર પાડી દેવાના ? તો પછી મૂર્ખાઈ ને રંગ પણ આપીદ્યો ને ? રંગ પરથી હોળી યાદ આવે  મૂર્ખાઈ ની રંગીનતા એટલે હોળી ! હોળી ને દિવસે ગમે તેના પર રંગ છાંટી ને કે ગમે તે પ્રકાર ની મશ્કરી કરીને ,” હોલી હૈ એમ કહી દેવાનું એટલે પત્યું . જોકે આપણે તોબે બસ “ (બેબસ!) ાં  માનનારા રહ્યા એટલે હોળી અને તેમાં કોઈ કસર હોય તો તે પૂરી કરવા ધુળેટી પણ ખરી .
આપણને ગમે કે ના ગમે પરંતુ મૂર્ખાઈનો અર્થ તો કરવો જોઈએ ભલે ને મૂર્ખ માં ખપીએ !જોકે અર્થ નો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે મૂર્ખાઈ સાપેક્ષ છે એક ની એક વાત એક વ્યક્તિ ને ડહાપણ ભરેલી લાગતી હોય તેજ વાત બીજાને મૂર્ખાઈ ભરેલી પણ લાગે ઉદાહરણ તરીકે મારું લગ્ન જીવન મારા માટે બહુ ઉમદા છે પરંતુ એક  વખત મારી પત્ની ને પૂછ્યું કે : તું મને શા માટે પ્રેમ કરે છે? તો જવાબ મળ્યો કે : હું મૂર્ખ છું એટલે . તેના જવાબ થી ગુસ્સામાં આવી મેં તેને પૂછ્યું કે તો પછી છૂટાછેડા શા માટે લેતી નથી? જવાબ મળ્યો કે :મૂર્ખ છું એટલે તેના જવાબ થી એકદમ આનંદ માં આવી ગયો અને લાગણીશીલ અવાજ થી સિનેમા કે નાટક ના સંવાદ ની જેમ મારાથી બોલાઈ જવાયું  મૂર્ખ મૂર્ખ ,મૂર્ખ ---
 નાટક કે સરકસ ની ટીકીટ ખરીદી ને જોવા કરતાં તેના મફત પાસ મળે તો જોવા જવાનો કેટલો આનંદ આવે છે ? એજ રીતે ઉતરાણ માં પતંગ ચડાવવાની , અને બીજાના પતંગ સાથે પેચ લડાવવાની ખૂબ મઝા આવે છે , પરંતુ સૌથી વધુ  મઝા તો કોઈનો પતંગ કપાય ત્યારે ---કાયપો છે તેવી જોરદાર ચીસ પાડવામાં આવે છે આપણો અનુભવ છે . એવી રીતે કોઈને મૂર્ખ બનાવવા કરતાં ,કોઈ મૂર્ખ બને કે ના બને પણ એપ્રિલ ફૂલ  એપ્રિલ ફૂલ એમ ચીસાચીસ કરવાની વધુ મજા આવે છે , ટૂંક માં કાર્ય કરવા કરતાં તેના પરિણામ ને માણવાની વધુ મજા આવે છે .ફળ ની આશા રાખ્યા વગર કાર્ય (કર્મ ) કરવાની સલાહ ,ગીતા માં આપી છે પણ ,કાર્ય કરીને તેના ફળ ની પ્રાપ્તિ નો આનંદ ખરેખર અવર્ણનીય છે., તેમાં પણ કાર્ય કર્યા વગર જો ફળ ની પ્રાપ્તિ થાય તો તો કહેવું શું ? જગ્યા ચિત્રકૂટ યાદ આવે ,પેલા કવિ કહ્યું છે ને કે ,
                        चित्रकूट के घाट पर भयि संतन की भीर।
                                           तुलसीदास चंदन घिसें तिलक देत रघुबीर॥
                                                       
જોકે તુલસીદાસ તો પુણ્યશાળી અને નસીબદાર કે ,સાક્ષાત્ ભગવાન રામચંદ્ર તેમના હાથે ઘસેલ ચંદન નું તિલક કરાવે ! પરંતુ આપણામાથી  મોટા ભાગના લોકો તો કોઈક ના માટે ચંદન ઘસતા હોય છે આપણા  રોજબરોજ ના જીવન માં પણ વાત જોવા મળે છે ,કોઈ સંસ્થા ના સરસ મજા ના  કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ શ્રી વક્તવ્ય આપે અને જાણે સંસ્થા ની બધી પ્રવૃત્તિ તેઓ સ્વયં કરતા હોય તેવો આભાસ મહેમાન ને કરાવી આપે , ત્યારે પ્રવૃત્તિ ના મૂળ માં રહેલા સંસ્થાના કર્મચારીઓ મનમાં સમસમી ને ભાષણ સાંભળતા રહે ,એટલુંજ નહિ પરંતુ બધા કર્મચારી માંથી ,પ્રમુખ શ્રી ની નજીક હોય તેવા એક કર્મચારી ને પણ સ્ટેજ પર આવવા નો મોકો મળે , આભાર વિધિ કરવા માટે ! અને આભાર વિધિ માં તેણે કહેવું પડે કે બધી પ્રવૃત્તિ માનનીય પ્રમુખ શ્રી ના માર્ગદર્શન ને લીધે શક્ય બની છે ! મોટા રાજકીય નેતા અને અધિકારીઓ પણ ઘણી વખત , કોઈક નું લખેલું ભાષણ વાંચતા હોય છે . અને મારી જાણ મુજબ  સરકાર માં પણ પ્રકાર ના કાર્ય માટે ખાસ અધિકારી અને તેની કચેરી ના કર્મચારીઓ  કાર્ય કરે છે .ઘણી વખત કોઈ પ્રકાર ની જરૂરિયાત વગર પણ અધિકારી ને ખુશ કરવા માટે તથા ખોટો લાભ મેળવવા માટે પણ કેટલાક કર્મચારી , તેમને ગમતું કામ કરતા હોય છે , તેમના ઘર નું પણ કામ કરી આપતા હોય છે ટૂંક માં ખુશામત નું ચંદન ઘસતા હોય છે . મૂળ વાત તો છે કે ચંદન કોઈક ઘસે અને તિલક આપણે કરીએ !! કેવી શુભ ઘડી!! , અને આવા કોઈ સમયે કદાચ લખાયું હશે કેસ્વર્ગ અહીં છે, અહીં છે, અહીં છે!!
         
 જોકે દરેક વ્યક્તિ ને ખુશામત પ્રિય હોય એવું જરૂરી નથી. ખુશામત પ્રિય   હોય તેવી વ્યક્તિઓનું  વ્યક્તિત્વ અલગ પ્રકારનું હોય છે ,તેનું સચોટ  ઉદાહરણ કવિ હૃદયી રાજવી કલાપી નું છે ,ખોટી ખુશામત અને પ્રશંસા થી થાકી ને , રાજા હોવા છતાં મન થી સંપૂર્ણ કવિ એવા શ્રી કલાપી થી લખાયું હશે કે ;
                         તમારા રાજ્યદ્વારો ના ખૂની ભપકા નથી ગમતા;
                          મતલબ ની મુરવ્વત ત્યાં , ખુશામત ના ખઝાના જ્યાં!
કેવા સંજોગોમાં લખાયું હશે ?“ખૂની ભપકાશબ્દ કયા ઉત્સવ માટે ઉપયોગ માં લીધો હશે? કવિ શ્રી કલાપી નું અવસાન , જુન ૧૯૦૦ માં થયું , પહેલા એટલે કે  આજથી લગભગ ૧૧૫ વર્ષ પહેલા લખાયેલું કાવ્ય આજે પણ આપણ ને સ્પર્શી જાય છે . કવિ શ્રી કલાપી જેવા ઉત્સવ અને ખુશામત થી દૂર ભાગતા  હોય તેવા મહાનુભાવ ખૂબજ અલ્પ સંખ્યા માં મળે .
            હું માંનું છું કે આજના યુગમાં , આપણા રોજ બરોજ ના જીવન માં ,ખૂબ તણાવ અનુભવવા પડે છે .સવાર થી ઊઠી ને રાત્રી સુધી કામ કરવું પડે છે .પોતાના કુટુંબી , સંબંધીઓ સાથે ગાળવા માટે નો સમય રાત્રે મળે છે. હકીકત માં સાંજના આઠ વાગ્યા પછી દિવસ શરુ થાય છે, તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આવા તણાવ ભર્યા જીવન માં એકબીજાની નિર્દોષ મશ્કરી કરી અને આનંદ મેળવવો જીવન જીવવાની જડીબુટ્ટી છે ,મૂર્ખાઈ નહીં. હકીકત માં આવા નાના નાના પ્રસંગ અને બનાવ ઘણી વખત જીવનભર નું ભાથું બની જાય છે , એક રીતે વિચારી તો આપણું જીવન પણ કોઈક ની મૂર્ખાઈનું પરિણામ નથી ? લાખો વર્ષ પહેલાં આદમ અને ઈવે, ભગવાન ના આદેશ નું પાલન ના કર્યું અને બગીચામાં થી ફળ ખાધું ,જેના પરિણામ સ્વરૂપે માનવ જીવન અસ્તિત્વ માં આવ્યું .તેમની મૂર્ખાઈ નું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ,હકીકત માં માણી રહ્યા છીએ તેમ કહીએ તો ચાલે. ટૂંક માં આપણું જીવન , નાની નાની નિર્દોષ મશ્કરી, નાના મોટા પ્રસંગો ,ઉત્સવ થી ટકી રહ્યું છે , એટલે આપણે બજેટ વગેરે મોટી બાબતો  ની ચિંતા છોડી દેવી , અને દરેક દુઃખ નું ઓસડ સમય છે એમ માની ને સમય ની રાહ જોવી વધુ સારો રસ્તો છે , અને છતાં કોઈનો સ્વભાવ વધુ સંવેદનશીલ હોય તો આપણા દેશી તહેવાર હોળી અને પરદેશી તહેવાર પહેલી એપ્રિલ ની રાહ જોવી , અને આપણે મૂર્ખ બન્યા તે માટે આપણી જાત ને होली है”  અને એપ્રિલફૂલ કહેવું. અને પોતાની જાત પર હસવું એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે ?

            ---------------------- X ----------------------                                

4