Thursday 12 June 2014

હવે - - - હું પણ હાસ્ય લેખક !!??

                             હવે- - -હું પણ હાસ્ય લેખક !!??
                                                   લેખક ડૉ.મૌલેશ મારૂ
              ગુજરાતી ના વિદ્વાન હાસ્ય લેખકો ના સાહિત્ય નો અભ્યાસ કર્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટે લેખ લખવા ઉપરાંત બીજી પણ કેટલીક જરૂરિયાત છે, જેમાં એક અગત્ય ની બાબત શારીરિક દેખાવ  જે સામાન્ય કરતાં થોડો વિચિત્ર હોવો જોઈએ અને એ વિષય પર એક લેખ હોવો જરૂરી છે , અલબત્ત તમારી શારીરિક નબળાઈ છતાં તમે બુદ્ધિપૂર્વક સબળ વ્યક્તિ ને કેવી રીતે હંફાવી દીધો તેવો એકાદ લેખ પણ ચોક્કસ લખી શકાય , સ્વ.જ્યોતીન્દ્રભાઈ દવે નો લેખ “મારી વ્યાયામ સાધના” આ વાત નું સચોટ ઉદાહરણ છે ,તેમાં તેમણે કુસ્તી શીખવતા ઉસ્તાદ ને હંફાવી ને કહ્યું છે કે “તું શરીર ના દાવપેચ જાણે  છે તો હું બુદ્ધિ ના દાવપેચ જાણું છું” તે દર્શાવે છે કે સશક્ત શરીર પર જ્યારે બુદ્ધિ હાવી થઇ જાય છે ત્યારે હાસ્યરસ ઉદભવી શકે છે. તમને થયેલો એકાદ રોગ અને તેમાં તમને ડોક્ટર સિવાય અન્ય લોકોએ આપેલી સલાહ અને સૂચવેલ દવા થી તમારી સ્થિતિ કેવી હાસ્યાસ્પદ અને દયનીય  થઇ તે પણ એક અગત્ય નો જ  નહીં પણ ફરજિયાત વિષય પણ છે , તેના પર એક લેખ લખવો જ જોઈએ. જોકે એક ભયસ્થાન પણ યાદ રાખવા જેવું છે ,તમને સમાજ  એક વાર  હાસ્ય લેખક તરીકે સ્વીકારી લે ત્યાર પછી તમે કદાચ તમારા અનુભવ પરથી કોઈ રોગ ની સચોટ દવા લોકોને બતાવો તો તેને પણ લોકો કદાચ ગંભીરતા થી ન જોતાં તમને પૂછે કે આ હાસ્ય લેખ તો નથી ને ? અને તમારે એ ઘટના પર પણ એક લેખ  લખવો પડે અને સ્પષ્ટતા પણ કરવી પડે કે આ તો હાસ્ય લેખ જ છે!! ટૂંકમાં  આ પ્રકાર ના અભ્યાસ પરથી મેં પણ નક્કી કર્યું કે મારે આ પ્રકાર નો એક લેખ જરૂર લખવો . નાના નાના રોગો કે જેમાં મોટા હાસ્યકારો ને ઘરગથ્થુ દવા ના ઘણા સલાહ સૂચન મળ્યાં હોય તેવા રોગો માં મારા મિત્રો અને સંબંધી ઓ, કોઈપણ સંજોગોમાં ઘરગથ્થુ દવા ના કરતાં ડોક્ટરની દવા લેવા નું સૂચન કરે છે , ત્યારે હું એકદમ દુઃખી થઇ જાઉં છું  , એમ લાગે છે કે  હાસ્ય લેખક થવા ની એક તક ગુમાવી રહ્યો છું. તેમાં મને ઓચિંતા ની એક તક મળી ગઈ , મારા તબીબી સારવાર અંગે નો વીમો ઉતારવા માટે લોહી નું પરીક્ષણ કરતાં ,ડાયાબિટીસ ની અસર જોવા મળી , અને મને હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટે ,જરૂરી વિષય મળી ગયો. ડાયાબિટીસ એવું દર્દ છે કે તેનું નિદાન ચોક્કસ રીતે થઈ શકે છે ,પરંતુ તે સમ્પૂર્ણ મટી જાય તેવો ઉકેલ કોઈપણ તબીબી શાખા માં નથી એમ હું માનું છું. અને એટલે તેમાં વ્યક્તિગત પ્રયોગ અને સલાહસૂચન નો બહોળો અવકાશ છે .
        ડાયાબિટીસ ! ! ! ? ?  નો વિચાર કરતાં જ મને  ગાલિબ  ની પંક્તિ યાદ આવી જાય છે ,
                                 इस सादगी पे कौन न मर जाए ऐ ख़ुदा
                                लड़ते हैं और हाथ में तलवार भी नहीं |
ડાયાબિટીસ તમારી સાથે લડે પણ તેમાં કોઈ જગ્યાએ કડવાશ નહિ મીઠાશ અને ફક્ત મીઠાશ તમારા લોહી ના દરેક બુંદ માં મીઠાશ ભરી દે પણ તમને મીઠી વસ્તુ ને હાથ પણ ના અડાડવા દે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે . વારસાગત રીતે પણ ડાયાબિટીસ થઇ શકે છે મને મારા પિતૃપક્ષ તથા મોસાળ પક્ષ માંથી આવા ઘણા વારસા મળેલ છે જેવા કે  સ્થૂળતા , વાયુ , હરસ વગેરે પણ મને લાગે છે કેયાબિટીસ મને કદાચ મોસાળ પક્ષ નો વારસો પણ હોય ! મને થોડું થોડું યાદ છે ત્યાં સુધી મારા નાના બાપુ ને ડાયાબિટીસ હતો , તેમની એક વાત પરથી મને ડાયાબિટીસ નો માનસિક વારસો મળ્યો ,તેઓ એક રાજ્ય ના કારભારી હતા ( આપણો દેશ સ્વતંત્ર થયો તે પહેલાં ) , તેમના રાજા(બાપુ)નો એક રમૂજી પ્રસંગ તેઓ અવારનવાર વર્ણવતા , બાપુને  ને ડાયાબિટીસ થયો ,એ જમાના માં ડાયાબિટીસ ને  આયુર્વેદ મુજબ મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવતો  અને લોકભોગ્ય ભાષામાં મીઠીપેશાબ તરીકે ઓળખાતો . રાજાજી ને  ખાવા માં શું આપવું તેની યાદી વૈદ્યે મારા નાનાજી ને આપી અને તેમણે  સીધી રસોયા ને આપી દીધી . ડાયાબિટીસ ને લગતું ભોજન થાળી માં આવ્યું કે તરતજ બાપુ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો ,બૂમાબૂમ કરવા લાગ્યા. તેમને શાંત પાડી ને મારા નાના બાપુ એ તેમને  સમજાવ્યું કે વૈદરાજ કહે છે કે ,આપને  મીઠીપેશાબ નો રોગ છે એટલે આવું જ ભોજન લઇ શકાય .બાપુ કહે એટલે મને શું થયું છે ? નાના બાપુ કહે વૈદ ના કહેવા મુજબ  આપના પેશાબ માંથી ખાંડ  બહાર નીકળે છે . રાજાજી કહે એ વૈદ ને કેવી રીતે ખબર પડી? એણે  ચાખ્યો છે?   રાજા ,વાજાં ને વાંદરા ને કોણ સમજાવી શકે? પણ આ વાત થી ડાયાબિટીસ નામના રોગ ના નામ નો વારસો મને મારી બાલ્યાવસ્થા  દરમ્યાન મળ્યો .
            મારા આશ્ચર્ય વચ્ચે મને જાણવા મળ્યું કે મને ડાયાબિટીસ છે ત્યારે સામાન્ય રીતે મનુષ્ય સહજ સ્વભાવ મુજબ હું પણ મને ડાયાબિટીસ હોય તેમ માનવા ને તૈયાર નહોતો, અને  આજ પણ હું માંનું કે ,મને ડાયાબિટીસ હોય જ નહીં , લેબોરેટરી ના સાધન માં જ  ખામી છે. મારા ડાયાબિટીસ ની વાત જાણતા જ મારાં શ્રીમતી નું ફોન નું નેટવર્ક ચાલુ થઇ ગયું , તેની બહેનપણી ઓ સાથે ની ફોન ની વાતચીત થી મને સમજાયું નહીં કે ,મને ડાયાબિટીસ નીકળ્યું તેનું તેને દુઃખ છે કે પછી ગર્વ છે , તમે જરૂર પૂછશો કે કે મેં એવું કેમ વિચાર્યું ? એની એક મિત્ર સાથે એ વાત કરતી હતી કે , તું કહેતી હતી ને કે અમારા ઘર નો ફૂડ એકદમ રીચ છે , તે વાત સાચી હો , મારા મિસ્ટર ને ડાયાબિટીસ નીકળ્યું ,મને લાગે છે કે અમારા રીચ ખોરાક ની જ  અસર ! ! મને તો બળ્યું ,ઓછા તેલ માં દાળ – શાક કરવા નું ફાવતું જ નથી , લાગે છે કે ઓલી ચંપાડી પાસે શીખવા જવું પડશે ! એમ કહીને બન્ને મિત્રો ખૂબ  જોરથી વ્યંગ ભર્યું હસવા લાગ્યાં ! પછી ફરીથી વાતચીત શરુ , હેં – તારી વાત સાચી ,હવે ઘરમાં મિષ્ટાન્ન  બનાવવામાં થોડી તકલીફ જરૂર થઇ જવાની ,પરંતુ તેમનાથી ગળ્યું ન ખવાય એટલે મારે થોડું ,ખાવાનું બંધ કરી દેવાય ,અને આ જમાના માં હવે કોઈ ગાંધારી બનીને આંખે પાટાઓ ન બાંધી રાખે અને પછી હસતા હસતાં  મશ્કરી ના ટોન માં કહે ,હા એટલું ચોક્કસ કરી શકાય કે , મિષ્ટાન્ન  બનાવ્યું હોય ત્યારે તેઓની આંખે પાટા બાંધી દેવાના ,એટલે દેખવુંય નહીં અને દાઝવુંય નહીં એમ કહીને વળી પાછું જોરદાર હાસ્ય. શ્રીમતી જી ની ફોન પરની વાતચીત થી મને એક વાત યાદ આવી ગઈ , હું નાનો હતો ત્યારે  ગરીબ માણસો ના સંદર્ભ માં પેટે પાટા બાંધવાની વાત પહેલી વખત સંભાળી ત્યારે બાળક સહજ દુઃખ થયેલું પરંતુ હળવે  હળવે ઉમર થતાં એ વાત થી હું ટેવાઈ ગયો અને ઘણીવાર મશ્કરી માં કહેતો પણ ખરો કે, તહેવાર માં ગળ્યું ખાવા ના મળે ત્યારે પેટ પર રંગીન પાટા  બાંધવા જોઈએ . ડાયાબિટીસ થી મારે પેટ પર તો નહિ પણ આંખે પાટા બાંધવા નો વિચાર તો જરૂર કરવો પડ્યો !
             વાસ્તવિક રીતે ડાયાબિટીસ ને લીધે જ્યારે મારે ખાવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો ત્યારે ખરેખર ઘણી વખત મને  નાના  છોકરાં ની જેમ રડવા નું મન થઇ જાય છે .વાસ્તવ માં સવાર થી મારી દિનચર્યા શરુ થાય તે સાથે જ મારાં કુટુંબીજનો , આપ્તજન અને હિતશત્રુ ઓ મારા પર જાસૂસી શરુ કરીદે છે . હું છાના માના, ખાનગી માં કંઈ ખાઈ લેતો નથીને તેનો બધા ખ્યાલ રાખે છે. મારા માટે જ નહીં પરંતુ ડાયાબિટીસ ની ઝપટ માં આવી ગયેલ દરેક વ્યક્તિ ની મુશ્કેલી સવાર થી ચાલુ થઇ જાય છે , સવાર ની ચા મોળી અથવા સ્યુગરફ્રી વાળી , સવારે નાસ્તા માં પણ ખાવા જેવી કે ભાવતી કોઈ વસ્તુ નહીં લેવાની ,બન્ને વખત ભોજન માં પણ ઘાસ પાન જ લેવાનાં . મિષ્ટાન્ન  , ફરસાણ ,બટેટા , ભાત વગેરે ની તો સામે પણ નહિ જોવાનું ,અરે મીઠાશ ની બંધી તો એટલી કડક કે , મેં મારા શ્રીમતી ને પણ  સૂચના આપી દીધી છે કે  તમારે મારી સામે મીઠાશ થી જોવું પણ નહીં , કારણ તમારી દ્રષ્ટિ ની મીઠાશ કદાચ મારા સ્યુગર લેવલ માં વધારો કરીદે !! ઘણી વખત મને વિચાર આવે છે કે  ઘણા બાળકો જન્મે ત્યારે તેમને પૂર્વજન્મ ની વાતો યાદ હોય છે , મને પણ  મારા નવા જન્મ માં આ જન્મ ની યાદ રહેલી હશે તો? તો એવું પણ  બને કે મારા માટે   ગળસોદી”(નવજાત શિશુ ને અપાતું ગોળ અને મધ નું પાણી) ,તૈયાર થતી જોઇને મને ગળ્યું પીવા મળશે તે જાણી ને ,હું હર્ષ માં આવીને રડી પડીશ ,ત્યારે મને રડતો જોઇને મારા નવા જન્મ ના વડીલો મને ગળ્યું ખાવાની જન્મથી જ ઍલર્જી છે તેમ માની ને ,બીજું કોઈ પીણું આપશે તો?
             ડાયાબિટીસ સામાન્ય રીતે આળસુ , નવરા , ધનવાન , વિદ્વાન  માં વધારે જોવા મળે છે એવું મારૂ માનવું છે  . અને આમાં ના મોટાભાગના ના છટકબારી ગોતવામાં પણ ઉસ્તાદ હોય છે . મોટી કંપની માં ચીફ મેનેજર રહીચૂકેલા મારા એક સંબંધી માને છે કે  ખાંડખાવાની ડોક્ટર ના પાડે છે , એટલે ગોળખાવા માં વાંધો નહીં . એવી જ રીતે મારા ઘણા વિદ્વાન મિત્રો માને છે કે ડાયાબિટીસ માટે ગ્લુકોઝજવાબદાર છે , અને મોટા ભાગ ના ફળો માં  ફ્રૂક્ટોઝ નું પ્રમાણ વધારે હોય છે ,એટલે કોઈ પણ ફળ ગમે તે પ્રમાણ માં ખાવા માં  વાંધો નહિ. આવા પ્રકાર ની અસંખ્ય છટકબારી અસ્તિત્વ માં છે , જોકે મેડિકલ સાયંસ આ બધા સાથે સંમત નથી તે એક અલગ વાત છે . અને બીજી અગત્ય ની વાત  ડાયાબિટીસ ના દર્દી ના સગાંસંબંધી અને આસપાસ ના લોકો પણ એટલાજ બુદ્ધિશાળી હોય છે ,એટલે આવી મનમાની કરવા ન દે તે પણ સત્ય હકીકત છે , મારી વાત કરું તો મારા શ્રીમતી , બાળકો અને મારી સાથે સંકળાયેલા અન્ય લોકો મારા ખાવા માં એટલું બધું બંધન રાખે છે કે ઘણી વખત તો હું તેમને કહું છું કે ,આવો ખોટો જમવા નો ડોળ  કરવા કરતાં , સવાર ના પહોર માં મને ગાય અને ભેંસ ના ધણ ની સાથે ચરવા મોકલીદ્યો  ,એટલે કોઈ ચિંતા જ નહીં , મારા પત્ની આ બાબત સાથે અસહમત છે ,તેઓ કહે છે કે ગાય અને ભેંસ ની સાથે તમે ચરવા જાવ ત્યાં કોઈ પ્રકાર નું ગળ્યું ઘાસ નહિ ગોતી લ્યો તેની શી ખાતરી ?
          ડાયાબિટીસ ની એક મજા ની વાત એ છે કે ,મોટા ભાગ ના લોકો ની માન્યતા છે કે એલોપેથીમાં ડાયાબિટીસ માપવા માટે યોગ્ય સાધન છે ,પરંતુ તેને જડ મૂળ થી મટાડવા ની યોગ્ય દવા તેની પાસે નથી ,એલોપેથીક દવાથી ડાયાબિટીસ ને ખાલી કાબુમાં રાખી શકાય છે , તેને સંપૂર્ણપણે મટાડવા માટે આયુર્વેદ અથવા હોમિયોપથી પાસે ચોક્કસ દવા છે , આ વિવાદ અંત વિહીન છે એટલે તેના પર આપણે ચર્ચા નહીં કરીએ. પરંતુ મારો એક અનુભવ જરૂર કહીશ કે મારી આસપાસ ના ઘણા લોકો પાસે ડાયાબિટીસ ની આયુર્વેદિક  દવા છે . મને ઘણા મિત્રોએ જુદી જુદી દવા બતાવી છે . જેમાં મેથી , મામેજવો ,જાંબુના ઠળિયા,  વગેરે અસંખ્ય વસ્તુ આવી જાય છે ,મારા એક મિત્ર તો આવી ૧૧ જડીબુટ્ટી નું મિશ્રણ કરીને ,નરણે કોઠે (સવાર ના ઊઠીને તરતજ) તેનું સેવન કરે છે . એક મિત્ર એ એક નવો નુસખો બતાવ્યો , તેમણે  કહ્યું કે ચોક્કસ પ્રકાર ના નળિયા મળે છે ,તે લઇ ને રોજ નળિયાને પગ ના તળિયામાં રોજ ઘસવાનું રાખો, એ પ્રયોગ મને વ્યાજબી ન લાગ્યો કારણ દરેક સ્થળે નળિયું સાથે રાખવા થી ઘણી ગેરસમજૂતી થવાનો સંભવ રહે છે . પણ બીજા આ પ્રકારના પ્રયોગ ચોક્કસ કરેલ છે , પરંતુ પરિણામ શૂન્ય . આયુર્વેદ દવા નો પ્રયોગ મેં પૂરો કર્યો ત્યાં એક મિત્ર મળ્યા ,મારી કથની સાંભળી ,એકદમ ગંભીર મુખમુદ્રા કરી અને મને કહે તમે દવા પડતી મૂકો અને “યોગા “ કરો . મને તેઓ યોગા ના વર્ગ માં લઇ ગયા ,ડાયાબિટીસ ના દર્દ કરતા પણ સવારે વહેલા ઊઠી અર્ધી ઊંઘ માં યોગા એ મને ઘણી માનસિક તકલીફ આપી . મને પહેલી વખત સમજાયું કે યોગા ના પણ બે પ્રકાર છે એક તો શરીર ના અંગો ને ન સમજી શકાય એવી મુદ્રા માં આડી અવળી રીતે ગોઠવવા જેને યોગાસન કહેવાય , અમુક પ્રકાર ના આસન મા મને મારી મૂળ સ્થિતિ માં પાછું આવી  શકાશે કે નહિ તેની ચિંતા રહેતી . આસનો પૂરાં થાય ત્યાં જુદી જુદી રીતે શ્વાસ લેવા મૂકવા ની પ્રક્રિયા શરુ થાય ,જેને પ્રાણાયામ કહેવાય ,અને બહુ સહેલા દેખાતા પ્રાણાયામ થી પણ  હું મારા ગુરુ ને ક્યારેય સંતોષ ન આપી શક્યો. દિવસો સુધી કપાલભાટી પ્રાણાયામ કર્યો પણ ડાયાબિટીસ કાબુ માં ન આવ્યું ગુરુ ને આનું  કારણ પૂછ્યું તો તેમણે  કહ્યું કે તમે પ્રાણાયામ યોગ્ય રીતે કરતા નથી ,પછી કેવી રીતે મટે?!!!! ગુરુજીના આ અભિપ્રાય થી મને અત્યંત દુઃખ થયું ,કારણ કે હું સવાર ના ચાલવા જાઉં ત્યારે બગીચામાં કેટલાય લોકો નાક પકડીને કે પેટ અંદર બહાર કરીને પ્રાણાયામ(!!) કરતા હોય છે એટલે મને તો એમ જ હતું કે પ્રાણાયામ બહુ સરળ છે ,પરંતુ તેનો અનુભવ કાર્ય પછી મને લાગ્યું કે મારી શારીરિક કે માનસિક સ્થિતિ યોગા ને અનુકૂળ નથી . થોડા દિવસ પહેલાં બગીચામાં નવી ઓળખાણ થયેલ તેવા એક મિત્ર કહે કે તમે બીજું કશું ન કરો ફક્ત નિયમિત ચાલવાનું રાખો તો પણ ફાયદો થશે .મેં તેમને પૂછ્યું કે તમારો જન્મ કઈ સાલમાં થયો ? તેઓ કહે ૧૯૬૦માં , મેં તેમને કહ્યું ,કે તમારા જન્મ પહેલાં એટલે કે ૧૯૫૮ થી હું નિયમિત ચાલવા નીકળું છું ! બોલો હવે તમારી શું સલાહ છે ? તેઓ એ જવાબ ન આપતાકેટલાક યુવાન અને આધેડ ભાઈ બહેનો ની  માન્યતા – બાળક કે વૃદ્ધ વ્યક્તિ ને સલાહ આપવાના તેમના અધિકાર પર મેં હુમલો કર્યો હોય ,તેવી મુખમુદ્રા કરીને ચાલવા માંડ્યા .
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે તે મુજબ ,
                                      कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
                                     मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥४७॥

આપણે કાર્ય કરવાનું – ફળ ની આશા વગર અને કાર્ય છોડવું  પણ નહિ . કોઈક વાર મને લાગે છે કે ફળ ની આશા વગર કાર્ય ચાલુ જ રાખવું તે કદાચ ડાયાબિટીસ ના સંદર્ભમાં તો નહીં કહ્યું હોય ને ?

 જોકે આ લેખ લખવા નું કર્મ મેં ,હાસ્ય લેખક ની યાદી માં નામ જોડવા માટેની આચારસંહિતા ના ભાગ સ્વરૂપે લખેલ છે તેથી મનવાંછિત ફળ જરૂર મળશે તેવી શ્રદ્ધા છે અને હું પણ ગર્વ પૂર્વક જરૂર કહી શકીશ કે , હવે - - - હું પણ હાસ્ય લેખક !!

                 ------------------------------ X ------------------------------