Sunday, 7 September 2014

અવેતન નાટકો ( જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ )

                      અવેતન નાટકો
  (જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ) 
                                                             
           આજે રીમોટ ના ઈશારે , આપણી ઈચ્છા પ્રમાણે આપણે ટીવી પર મનોરંજન કાર્યક્રમો નીહાળી શકીએ છીએ, તે ઉપરાંત સિનેમાગૃહ માં મનપસંદ ફિલ્મ કે નાટ્યગૃહ માં મનપસંદ નાટક માણી  શકીએ છીએ .મનોરંજન નો ખજાનો જાણે કે  આપણા હાથ માં આવી ગયો છે ,પરંતુ વર્ષો પહેલાં જ્યારે મનોરંજન ના સાધન તરીકે ફક્ત રેડીઓ (અને એમાં પણ એફ. એમ  નહિ) જ  અસ્તિત્વ માં હતો  અને એ પણ શ્રીમંત માણસો જ વસાવી  શકતા. ત્યારે મનોરંજન માટે જુદા જ પ્રકાર ના સાધનો અને વ્યવસ્થા નો ઇતિહાસ પણ મનને આનંદ આપે એવો છે .
       અત્યાર ના વડીલો કે જેમનું બાળપણ નાના ગામડામાં વીત્યું છે તેમને બરાબર યાદ હશે કે એ જમાનામાં,મનોરંજન એટલે ભવાઈસવારના ગાડાં માં, ઘોડાઓ પર બેસીને  તથા પગે  ચાલીને ગામ માં ભવાયા નો પ્રવેશ થાય એટલે નાનાં મોટાં દરેક જણ આનંદ માં આવી જાય , અને સાંજ પડે ત્યાં વાળુ (dinner) પતાવી ને ભવાયા ના ખેલ જોવા આવી જાય. અને ભવાઈ કરવા માટે  ગામના ચોરા  ની સામે ની ખુલ્લી જગ્યા , આધુનિક ભાષા માં કહીએ તો ઓપન એર થીએટર , કાયમ માટે નિશ્ચિત જ હોય. આ માટે બેસવા ના સાધન , ખાટલી ,ગોદડા વગેરે પણ સાથે લાવવા ના. લગભગ આખી રાત જુદા જુદા ખેલ ભજવાય પરંતુ આ જોવા માટે કોઈ પણ પ્રકાર ની ટીકીટ, પાસ કે આમંત્રણ કશા ની જરૂર નહિ, રામ વિવાહ જેવા પ્રસંગ માં તો ગામ ના લોકો પણ જાનૈયા ની જેમ વર્તે અને દ્રશ્ય ને વાસ્તવિક બનાવી દે . ભવાયા  ના વેશ જોઈ ને  લોકો પોતાની રીતે પૈસા , વસ્તુ , અનાજ વગેરે આપે .અને ભવાયા પણ પોતાનું જીવન આનંદ પૂર્વક તથા સન્માન પૂર્વક જીવી શકતા કોઈપણ પ્રકાર ના કાયદા વગર સમાજે જવાબદારી ઉઠાવી હોય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે .
     ભવાયા ના વેશ ની જેમ નાટક પણ મનોરંજન નું ખૂબજ પ્રચલિત અંગ છે ,અત્યારે સ્ટેજ પર ભજવાતાં નાટક આધુનિક ટેકનોલોજી ને લીધે એકદમ ઉત્કૃષ્ટ પ્રકારના હોય છે ,અને નાટકના કલાકાર પણ ફિલ્મ ના અભિનેતા ની જેમ સારી કમાણી કરતા હોય છે .નાટક ની ખરી મજા “અવેતન નાટક” પૂરી પાડે છે. અવેતન નાટક એટલે જેમાં કલાકાર ને કશું જ વેતન ના મળે , અને નાટક જોવા માટે પ્રેક્ષકો એ  પણ પૈસા ન આપવા પડે ,હા – કદાચ પાસ લેવા ની મહેનત કરવી પડે . આ પ્રકારના નાટક સામાન્ય રીતે જ્ઞાતિ ના મેળાવડા માં , શાળા-કોલેજ ના વાર્ષિકોત્સવ માં વગેરે માં ભજવાતાં હોય છે .અવેતન નાટક આપણા દરેક ના જીવન નું એક અવિસ્મરણીય પાસું છે .અભિનય ની વાત આવે એટલે કોઈપણ ઉંમરે મનના એકાદ ખૂણામાં સ્પંદન જરૂર ઊભા થાય  આપણને  બાળપણ માં લઇ જાય . બચપણ માં નાટક ન કર્યાં હોય તેવા બહુ થોડા લોકો હોય છે .અને આ નાટક એટલે અવેતન નાટક. મારા બચપણ ના એ દિવસો મને યાદ આવે છે કે જ્યારે ટેલીવિઝન તો શું રેડીઓ પણ અસ્તિત્વ માં નહોતો ,એ વખતે અમારા ગામમાં અમારી જ્ઞાતિ (નાગર) ના યુવક ને મનોરંજન કાર્યક્રમ કરવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો પહેલી મુશ્કેલી જ્ઞાતિ ના વડીલો ની મંજૂરી ,બીજી મુશ્કેલી કાર્યક્રમ માટેની જગ્યા માટે નાગર બૉર્ડિંગ ના રૅક્ટર ની મંજૂરી  મેળવવાની , આ બંને મંજૂરી માટે ઘણી બધી શરત નું પાલન કરવું પડે ,જેમાં પુરુષ અને સ્ત્રી કલાકાર સાથે હોય તેવો કોઈપણ કાર્યક્રમ રાખવો નહિ , તથા કાર્યક્રમ સૂર્યાસ્ત પહેલા પૂરો થઇ જવો જોઈએ ,તે મુખ્ય શરત રહેતી .આ પ્રકાર ની શરત સાથે પણ કાર્યક્રમ યોજવામાં આવતા , આવા કાર્યક્રમ ભર બપોરે સૂર્ય ના તડકામાં ખુલ્લી જગ્યામાં બેસીને  પણ  અમે ખુબજ ઉત્સાહ થી માણ્યા છે, ત્યારે એસી તો અસ્તિત્વ માં જ નહોતું પણ પંખાની વ્યવસ્થા પણ નહોતી. સ્ટેજ પર પણ કુદરતી પ્રકાશ જ મળતો લાઈટ અને સાઉન્ડ ની આધુનિક વ્યવસ્થા ની તો કલ્પના પણ નહોતી આમ છતાં  આજે પણ તે દિવસો ને અને તે કાર્યક્રમ ને યાદ કરીને હું રોમાંચ અનુભવું છું.
         અવેતન નાટક ના કલાકાર નો મિજાજ પણ જુદા પ્રકારનો હોય છે અને તેમાં પણ નાટક ના મહા મૂલ્યવાન સ્ત્રી કલાકાર નો મિજાજ તો ઓર જ હોય છે .કેટલી વિનવણી પછી કોઈ બહેન પાત્ર ભજવવા તૈયાર થયાં  હોય ,તેની કોઈ નબળાઈ જોવાની ન હોય , ભલે ને પછી એ કોઈ મૃત માનવી પાસે બેસીને, લલકારવા માંડે કે “શબ કો શન્મતી દે  ભગવાન--------- “ ,તો પણ ડિરેક્ટર થી કોઈ સુધારો સૂચવી ના શકાય .અને આવા  અશુદ્ધ ઉચ્ચાર છતાં તેનો જુસ્સો ,ગૌરવ એવા પ્રકારનું હોય કે , ભલભલા પુરુષ કલાકાર ને પણ વિચાર આવે કે – કાશી એ કરવત મૂકાવી ને –ભગવાન પાસે આવતા જન્મ માં એક રૂપકડો સ્ત્રી દેહ જ માગી લેવો જોઈએ ,પછી કોઈ પણ ક્ષેત્ર માં આગળ આવવા માટે આટલી બધી મહેનત તો ના કરવી પડે !!
         એકાદ અવેતન નાટકમાં બે કે ત્રણ મિનિટ નો નાનો રોલ ભજવ્યો હોય તેવી વ્યક્તિ ને વર્ષો પછી તે નાટક ની વાત કરતાં સાંભળવાની તક તમને ક્યારેય મળી છે ? ખરેખર આ એક માણવા જેવો લહાવો છે ,મને આવી તક એક વાર મળી છે , એકવાર ટ્રેન માં મુસાફરી દરમ્યાન આવા એક કલાકાર મારા  સહયાત્રી હતા , મારાથી ભૂલમાં નાટકની વાત નીકળી ગઈ ,પછી તો પૂછવું જ  શું? કલાકાર શરુ થઇ ગયા ,મને કહે ,ભાઈશાબ  ,શું વાત કહું ? આજે પણ એ પ્રસંગ યાદ આવે છે ,ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઇ જાય છે .વાત એમ હતી કે ,અમારી જ્ઞાતિ ના એક મેળાવડા  માં મેં કામ કરેલું, મારું પાત્ર એક રાજા ના ખાસ ડોક્ટર તરીકે નું હતું . નાટક સમયે હું સ્ટેજ પર ગયો, મહારાજા ના હાથ ની નાડ પકડી ને ,ઘડિયાળ જોવા માટે કોટ ની બાંય ઊંચી કરી તો ઘડિયાળ પહેરવાનું ભૂલાઈ ગયેલું ,મને તો પરસેવો થઇ ગયો ,અને ઉતાવળ માં  મેં  હેટ માથા  પરથી ઉતારી ને નીચે મૂકી ,અને એ ગંભીર દ્રશ્ય માં પણ ઓડીયન્સ માં હાસ્ય ફેલાઈ ગયું ,પહેલાં તો મને સમજાયું નહિ ,પણ તુરત યાદ આવ્યું કે ,હેટ  ઉતારીને મેં ગંભીર ભૂલ કરી છે ,કારણ તે અરસામાં જ મારા દાદા નું અવસાન થયેલ , તેથી રિવાજ મુજબ મારે માથાના વાળ ઉતરાવી ને ટકલુ કરાવવું પડેલ , આટલી વાત કરીને તે મહાશય પોતે હસવા લાગ્યા અને પછી ,પાછા ગંભીર થઇ ને કહેવા લાગ્યા ,એમ ના માનશો કે અમારું નાટક સાવ ફારસ થઇ ગયું , મેં તરતજ વાત વળી લીધી , અને કહ્યું – જુઓ મહારાજા ,આવા  ગરમી ના દિવસોમાં રોગને આમંત્રણ આપવાના બદલે ,જરાપણ શરમાયા વગર ,મારી જેમ વાળ ઉતારવી નાખો !! અને તમે માનશો ? મારા એ હાજર જવાબ થી ભલભલા કલાકાર મંત્રમુગ્ધ થઇ ગયેલ .આજે પણ નાટક ની વાત નીકળે ત્યારે અમારી જ્ઞાતિ ના લોકો મને યાદ કરે છે . તેમની વાત પૂરી થાય ,તે પહેલાં જ તેમની બાજુમાં બેઠેલ બીજા એક આવાજ કલાકાર શરુ થઈ ગયા , પેલા ભાઈને કહે કે ,  તમે તો ખાલી નાના  એવા રોલ માં થોડી બુદ્ધિ  દોડાવી, પણ હવે મારી વાત સાંભળો ,મેં તો ઘણા નાટક માં દિગ્દર્શન કર્યું છે ( અવેતન નાટક ની પરિભાષામાં એક થી શરુ કરીને કોઈપણ સંખ્યા ને માટે “ઘણા” શબ્દ નો ઉપયોગ કરી શકાય .) મને યાદ છે કે મારા એક નાટક (એક નું એક નાટક પણ હોઈ શકે!)માં તો કેટલાક લોકો માત્ર તોફાન કરવા આવેલા .નાટક એવું હિટ ગયું કે તોફાન કરવાનો મોકો ન મળ્યો ,પરંતુ એક કલાઇમેક્ષ દ્રશ્ય માં અભિનેત્રી એ ચીસ પાડવાની હતી , બરાબર એજ વખતે કોઈ તોફાની એ  સ્ટેજ પાસે ફટાકડો ફોડ્યો ! ત્યારે અભિનેત્રી સાથે કેટલાક પ્રેક્ષકો ની  પણ ચીસ નીકળી ગઈ ,થોડી વાર તો હું પણ હતપ્રભ થઇ ગયો ,પરંતુ તરતજ મેં મારી બુદ્ધિ દોડાવી અને થોડી વાર લાઈટ બંધ કરી અને સ્ટેજ પરથી એનાઉન્સ કરાવ્યુકે આ ફટાકડો દ્રશ્ય માં વાસ્તવિક્તા લાવવા માટે ફોડવામાં આવેલો , એ ફટાકડા ની અસર માટે છાપાં માં પણ વખાણ કરવા પડેલ .આ વાત સંભાળી ને અન્ય શ્રોતા  તો ઠીક પણ પેલા પ્રથમ  વાળા કલાકાર મિત્ર ગદગદ થઇ ગયા અને ખૂબ અહોભાવ થી વાત કરવા માંડ્યા .અને ત્યાર બાદ તે બન્ને વચ્ચે ની વિદ્વતા પૂર્ણ વાત સહન નહિ થવા થી બાકી ના સહયાત્રી ઊંઘવા માંડ્યા.
      અવેતન નાટ્ય કલાકાર ને માનસિક સંતોષ અને ગર્વ મળે તેવી પરિસ્થિતિ “આકાશવાણી” થી અસ્તિત્વ માં આવી તેમ કહી શકાય , સારો અને સ્પષ્ટ અવાજ ધરાવતા કલાકાર ને આકાશવાણી માં વેતન સાથે અભિનય કરવાની તક મળી ,જોકે અભિનય શબ્દ અહીં યોગ્ય નથી કારણ આકાશવાણી ના નાટક માં ફક્ત ધ્વનિ ના આંદોલન અગત્ય ના છે , કારણ રેડીઓ નાટક ફક્ત શ્રાવ્ય છે .અહીં મારો એક અનુભવ કહેવાનું મન થાય છે , આકાશવાણી  પર મેં પણ રેડીઓ નાટક માં પ્રવેશ કરવા માટે ઓડીસન આપેલ ,તેમાં જુદા જુદા પ્રકાર ની કસોટી ઉપરાંત નાટક નો સંવાદ બોલવા નો અને  સ્પષ્ટ ઉચ્ચારણ માટે  હળ્યાં મળ્યાં , બળબળતા બપોરે જેવા શબ્દો બોલવાના  અને જો “ “ળ” નો ઉચ્ચાર “ર” કે “ડ” કર્યો તો તમે નાપાસ ,ઈશ્વર કૃપા થી હું ઓડીસન માં સફળ થયો અને એક નાટક માં મને આમંત્રણ પણ મળ્યું , નાટકનું  રાષ્ટ્રીય કક્ષા એ પ્રસારણ થવાનું હતું. હું રેડીઓ સ્ટેશન પહોંચી ગયો , નાટ્ય વિભાગ નું સંચાલન કરતા દિગ્દર્શક શ્રી ,મને કહે ભાઈ મૌલેશ તમારો અવાજ મને ગમ્યો છે એટલે તમને એક અગત્ય નું પાત્ર આપવાનું વિચાર્યું છે ,હું એકદમ ખુશ થયો. થોડા સમય બાદ રિહર્સલ શરુ થઇ, મેં મારા પાત્ર નો વાર્તાલાપ વાંચ્યો ,પણ શબ્દો ના ઉચ્ચારણ માં જરૂરી ભાવ કે કંપન આવ્યાં નહીં , ઘણીવાર પુનરાવર્તન કર્યા પછી પણ હું મારા અવાજ માં જરૂરી કંપન લાવી શક્યો નહિ આથી અમારા દિગ્દર્શક નારાજ થઇ ગયા, અગત્ય નું પાત્ર બદલાવીને મને થોડું નાનું પાત્ર આપવાનું વિચાર્યું ,પરંતુ કોઈ પણ પાત્ર ને અનુરૂપ હું અવાજ માં સ્પંદન લાવી શક્યો નહિ , એટલે છેવટે એકાદ દ્રશ્ય માં નેપથ્ય માં બે ચાર વ્યક્તિ વાત કરતી હોય તેવા પાત્ર માં મારે ભાગે – અહોહો ભારે કરી!! એવા કંઇક  શબ્દ બોલવા નું આવ્યું – અને જ્યારે નાટક નું પ્રસારણ થયું ત્યારે પાત્ર ના પરિચય માં મારે માટે કહેવામાં આવ્યું કે  --- એક અવાજ – મૌલેશ મારૂ. અગત્ય ના પાત્ર માંથી એક અવાજ સુધી નીચે પડવા થી  મને મનના ઊંડા ખૂણામાં થોડું દુઃખ જરૂર થયેલ, પરંતુ નાટક માં ભાગ લેવા માટે આકાશવાણી તરફ થી પુરસ્કાર  મળ્યો ત્યારે મને અત્યંત આનંદ થયેલ – એ અનુભવ પછી મેં આકાશવાણી જ નહીં પરંતુ કોઈ પણ પ્રકાર ના નાટક માં ભાગ લેવાની હિંમત કરી નથી .
        આવા પ્રસંગો જે તે સમયે તો મન ને આહલાદક અનુભવ આપીને સ્ફૂર્તિ માં  લાવી દે છે ,ઉપરાંત જીવન ને પણ આનંદમય બનાવી દે છે  એ આપણા સહુ નો અનુભવ છે , પરંતુ વૃદ્ધાવસ્થા માં આવા પ્રસંગો ને વાગોળી ને મન એટલો આનંદ અનુભવે છે કે જીવન સંધ્યા પણ ખીલી ઊઠે છે ,અને આવા સમયે આપણને ખ્યાલ આવે છે કે સ્ટેજ  પર કરેલ નાટકો તો ગૌણ છે ,હકીકત માં આપણે જન્મ્યાં ત્યારથી આપણી આસપાસ ના લોકો સાથે આપણે તેમની સાથે ના સંબંધ મુજબ નાટક ના પાત્ર ની જેમ અભિનય જ  કર્યો છે ને? અને ત્યારે જ આપણને પણ સેક્સ્પીયર  ના  “ AS YOU LIKE IT” માં   કહેલ શબ્દો યાદ આવી જાય છે કે “આ દુનિયા એક રંગ મંચ છે ,અને સ્ત્રી તથા પુરુષ તેના પર અભિનય કરતાં પાત્ર છે “ આપણા જીવનભર નું કાર્ય દુનીઆના રંગમંચ પર ના આપણા અભિનય થી વિશેષ કંઇ જ  નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે અભિનય થી વિશેષ કંઇ જ નથી એવી અનુભૂતિ જો એકવાર થઇ જાય તો જીવન માં સુખદુઃખ ની લાગણી ગૌણ થઇ જાય.ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં અધ્યાય ૨ માં, સ્થિર બુદ્ધિ એટલે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ના લક્ષણ નું વર્ણન કર્યું છે , જેમાં એક શ્લોક  માં જણાવ્યા મુજબ ,
      दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः
     वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते- ५६

ઉપરોક્ત ગીતા ઉપદેશ ના સંદર્ભ માં જ્યારે કોઈપણ વ્યક્તિ નો સામનો કરવામાં આવે ત્યારે રંગમંચ ના સંદર્ભ માં વ્યક્તિ નું વર્તન તેને સોંપવામાં આવેલ પાત્ર મુજબ નું છે અને તમારી પ્રતિક્રિયા તમારા પાત્ર મુજબ ની છે , વ્યક્તિ નું વર્તન એ અભિનય અને વાર્તાલાપ કોઈક ની લખેલી સ્ક્રીપ્ટ છે એ અનુભૂતિ જો થાય તો મને લાગે છે કે સુખ - દુઃખ , જય- પરાજય, લાભ – ગેરલાભ વગેરે દ્વંદ્વ થી પર થઇ ને, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ દર્શાવેલ “ સ્થિતપ્રજ્ઞ” ની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.
     ------------------------- X ------------------------