Friday, 12 April 2013

તોલમાપ ની માયાજાળ : નવચેતન માર્ચ ૨૦૧૩


                                          તોલમાપ ની માયાજાળ
                                                               લેખક :-મૌલેશ મારૂ                                     મારા જન્મ પછી હું સમજણો થયો ત્યાર થી તોલ અને માપ મને હમેશા મૂંઝવતારહ્યા છે. કોઈ પણ વસ્તુ લાવવાની હોય ત્યારે બે વસ્તુ મને હમેશા ગૂંચવણ ઉભી કરે , એક તો વસ્તુ નું  માપ અને બીજી તે માપ ને અનુરૂપ દામની ચૂકવણી . અમારા જમાના માં એટલેકે આજથી લગભગ ૬૦  વર્ષ પહેલા તોલ માપ માં આજના જેવી સરળતા નહોતી , અનાજ જેવી વસ્તુ ઓ કે જે વજન માં લેવાની હોય તેને માટે વજન નું માપ અધોળ , નવટાંક , શેર , મણ વગરે હતું.તેમની વચ્ચે નો સંબંધ પણ જલદી યાદ ન રહે ૧ મણ એટલે ૪૦ શેર , નવટાંક શેર નો ચોથો ભાગ અને અધોળ નવટાંક થી અર્ધું . આ સંબધ ઓછા હોય તેમ ચલણ માં  રૂપિયા , આના , પૈસા,   ચાલે તેમની વચ્ચે નો સંબંધ પણ વિચિત્ર .૧ રૂપીઓ એટલે ૧૬ આના અને ૧આનો એટલે ૪ પૈસા . આવા વિચિત્ર સંબંધો ઓછા હોય તેમ વજન માં બંગાળી મણ અને શેરનું અસ્તિત્વ પણ ખરું કે જેનું મૂલ્ય સામાન્ય શેર અને મણ કરતા બમણું હોય .આટલું વાંચીએ ત્યાંજ ચક્કર આવવાની શરૂઆત થઇ જાય તો તેનું પાલન કરી ને રોજ બરોજ ની વસ્તુ લાવવાની હોય તો કેવી સ્થિતિ થાય ?
     વસ્તુ લાવવાની જવાબદારી ઓછી હોય તેમ નિશાળ માં ભણવામાં પણ આજ વાત આવે , અને કોઈ પણ સમય ના શિક્ષકો વિદ્યાર્થી ઓ ને ગુંચવવામાંજ આનંદ અનુભવતા હોય છે ! ( જો કે આ માન્યતા મોટા ભાગ ના વિદ્યર્થિઓ ની છે ) એટલે ગણિત ના શિક્ષક પ્રશ્ન પણ એવા પૂછે કે માનસિક સ્થિતિ બેહાલ થઇ જાય. કેટલાક સવાલો ના જવાબો યુક્તિ પૂર્વક અને તાત્કાલિક આપવાના હોય , તેને એ જમાના માં “પલાખાં” તરીકે ઓળખવામાં આવતા. પલાખાં ના જવાબ માટેની ચાવી તમને આવડે તો શિક્ષક પ્રશ્ન પૂછે તે સાથેજ તેનો ઉત્તર તમે આપી શકો . આવી એક પ્રખ્યાત ચાવી  હતી  “ જેટલા રૂપિયે મણ એટલા આના નું અઢી શેર “ મને પહેલી વખત આ ચાવી  મળી ત્યારે એકદમ રાજી થયેલો . અને ત્યાર પછી પૈસા અને વજન વચ્ચે ના જુદા જુદા સંબંધો શોધવાની મને આદત પડી ગયેલ અને મેં તેમાં સરસ પ્રગતિ પણ કરેલ .
દૂધ જેવી પ્રવાહી વસ્તુ લાવવામાં પણ અવાજ ગૂંચવાડા ઉભા થાય . મને મારા બાળપણ નો એક કિસ્સો યાદ આવેછે. ભારત ની બહાર જન્મેલા અને ઉછરેલા અમારા એક સગા અમારે ત્યાં મહેમાન તરીકે આવેલા, સવાર ના મારા માતુશ્રી એ મને દૂધ લઇ આવવાનું કહ્યું .
 મેં તેમને પૂછ્યું કે કેટલું લાવવું છે ?
મારા માતુશ્રી કહે ૪ ડબ્બા .
અમારા મહેમાન આ વાત સાંભળી  ને આશ્ચર્ય ચકિત થઇ ગયા , અને પુછવા લાગ્યાકે  આટલું  બધું દૂધ લાવી ને શું કરશો? અને એટલું દૂધ મજૂર મારફત મંગાવવું  પડશે. તેમને જયારે સમજાવ્યું કે ૧ ડબ્બો દૂધ એટલે લગભગ ૧૦૦ મિલીલીટર થાય ત્યારે તેમના મુખ પરના ભાવ મને આજ પણ યાદ છે.
 દૂધ ની વાત પરથી મને બીજી પણ એક વાત યાદ આવેછે , એક વાર હું બહાર જતો હતો ત્યારે મારી મોટી બહેન મને કહે કે ગામ મા જાય છે તો મારા માટે બે ત્રણ જુદા જુદા રંગની  બંગડી લેતો આવજે
  મેં કહ્યું લેતો આવીશ પણ મને તમારું બંગડી નું માપ તો આપો .
તો કહે સવા બે આની ગાળા ના  માપ ની લાવજે .
 બંગડી નું આ માપ મને ક્યારેય સમજાયું નથી .સવાબે આની એ બંગડી ની ત્રિજ્યા , વ્યાસ  ,પરિઘ , ક્ષેત્રફળ તેમાંથી શું છે ? એજ સમજાતું નથી . છતાં એટલું સત્ય છે કે આજે પણ બંગડી નું આ માપ અસ્તિત્વ માં છે અને બીજા કોઈ ને સમજાય કે નહિ પરંતુ વેંચનાર અને ખરીદનાર એ બન્ને ને સમજાય છે .
 આ  બધા માપ હવે તો ચલણ માં નથી ફક્ત મારા જેવા વડીલો ની યાદ માંજ છે. હાલ માં ઉપયોગી પધ્ધતિ માં  થોડીક સરળતા છે , આમ છતાં અંતર , લંબાઈ વગેરે માં બે પધ્ધતિ અસ્તિત્વમાં છે . જેમકે અંતર ને કિલોમીટર ,મીટર ,સેન્ટિમીટર વગેરે  માં માપી શકાય તેવીજ રીતે ફૂટ , ઇંચ વગેરે માં પણ માપી શકાય છે  . જયારે આ બન્ને પ્રકાર વચ્ચે સંબંધ મેળવવાનો હોય ત્યારે ગડબડ ઉભી થાયછે , તે આપણો અનુભવ છે , હાલ માં વપરાતાં ફૂટ  , ઇંચ વગેરે નો ઈતિહાસ બહુ જુનો છે .પ્રારંભ માં પુરુષ ના હાથ ના અંગુઠા ની પહોળાઈ ને ૧ ઇંચ ગણવામાં આવતું , ૧૪ મી સદીમાં ઇંગ્લેન્ડ ના રાજા એડવર્ડે તેમાં સુધારો કરી જવ ના ત્રણ દાણા ને લંબાઈ ની સાપેક્ષ માં  ક્રમ માં ગોઠવી ને મળતાં અંતર ને ઇંચ ગણવાનું ઠરાવ્યું, આજ રીતે બીજા માપ માં પણ રસદાયક ઈતિહાસ છે. વજન  કિલોગ્રામ , ગ્રામ  ,વગેરે અને પાઉન્ડ માં મપાય છે .  જોકે આમા સંબંધ  મેળવવાના પ્રસંગો કોઈક વાર જ ઉપસ્થિત થાય છે .   રૂપિયાનું પણ ચલણ બદલાયું અને નવા પૈસા અસ્તિત્વ માં આવ્યા . ૧ રૂપીઓ =૧૦૦ નવા પૈસા .જોકે આ સરળ પદ્ધતિ નો અમલ થયો ત્યારે શરૂઆત માં નવા પૈસા અને જૂના રૂપિયા, આના વચ્ચે નો સંબંધ પણ મેળવવો પડતો જેમકે જૂના ચાર આના એટલે નવા ૨૫ પૈસા અને એક આનો એટલે ૬ પૈસા , જોકે અત્યારે આ વાત હાસ્યાસ્પદ લાગે પણ ત્યારે એ ખૂબ જરૂરી લાગતું , શા માટે એ મને આજે સમજાતું નથી . કદાચ નવી વસ્તુ ને જલદી ના સ્વીકારવી એ મનુષ્ય ની માનસિકતા ને લીધેજ આવું બનતું હશે ?
અત્યારે સોનું એવી વસ્તુ છે કે જેમાં જૂનું માપ “તોલો” અને નવું માપ “ગ્રામ” બન્ને ઉપયોગ માં લેવાય છે . જોકે સોનાના બીજાં  જૂના માપ “વાલ” અને “ગદિયાણો” છે . સોના ના આ માપ મને ક્યારેય સમજ માં નથી આવ્યાં, પણ પેલી જૂની વાર્તાયાદ આવે છે  કે જેમાં હડીયાણા ના હુરબાઈ નામના બેન કે જેમને સોનાના માપ માં કશી સમજણ પડતી નહિ , પરંતુ વાતો એવી રીતે કરે કે જાણે તેમને બધીજ ખબર પડતી હોય અને દરેક ને ભ્રમ માં રાખી ને સોની પર ખુબ દબાણ કરે ,આથી ગામ ના સોની કંટાળી ને ગામ છોડી ને ચાલવા માંડ્યા. હુરબાઈ ને આ વાત ની ખબર પડી એટલે દોડતી દોડતી સોની ની પાછળ ગઈ અને કહેવા લાગી કે ભાઈ જતા જતા મને એટલું કહેતા જાવ કે “ વાલ મોટો કે ગદિયાણો ?” ત્યાર થી સમજ્યા વગર ની વાત કરતા લોકો માટે ઉક્તિ શરુ થઇ કે “હડીયાણા ની હુરબાઈ ડાહી , વાલ મોટો કે ગદિયાણો?” 
જોકે આધુનિક યુગ માં કમ્પ્યૂટર  માં ઉપયોગ માં લેવાતા બીટ , બાઈટ, કે.બી. , એમ.બી. , જી.બી. એકમો પણ ગૂંચવણ ઉભી કરે તેવા છે તેમાં ૧ બાઈટ =૮બીટ ,૧૦૨૪ એમ.બી =૧જી.બી.એવા વિચિત્ર સંબંધો હોવા છતાં  પણ સંતોષ એટલો છે કે આ ગૂંચવણ આપણ ને સીધી અસરકારક નથી , કમ્પ્યૂટર  પોતાની રીતે ગણત્રી કર્યા કરે છે . 
  તોલ અને માપ ની માયાજાળ ખૂબ વિસ્તરેલ છે . સાહિત્યકાર અને કવિઓ પણ એમાં પાછળ નથી , એક કવિ એ કહ્યું છે  કે,
                  “ ખોબો ભરીને અમે એટલું હસ્યાં ,
                     કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં “
 કવીએ હસવા માટે માપ શોધી કાઢ્યું  , તેમના કહેવા મુજબ હાસ્ય “ખોબા” થી મપાય !! આપણ ને પ્રશ્ન થાય કે એક ખોબો હાસ્ય એટલે કેટલું ? તેને સમય સાથે સાંકળી શકાય જેમકે માણસ એક મિનિટ હશે એટલે એક ખોબો હાસ્ય હસ્યો તેમ ગણવું .જોકે તેમાં પણ પ્રશ્ન થાય કે હાસ્ય માટે મુખ કેટલું ખુલ્યું તે પણ  ગણત્રી માં લેવું પડે .રોવા માટે કદાચ કૂવો ચલાવી લેવાય , અલબત્ત કૂવો ખૂબ મોટો એકમ કહેવાય. આવુંજ કંઈક બીજા  એક કવિએ સમય ની સાપેક્ષ માં કહ્યું છે.....
                              “ હોઠ હસે તો ફાગણ ગોરી , આંખ ઝરે તો સાવન.
                                મોસમ મારી તું જ ,કાળ  ની મિથ્યા આવન જાવન.”
કવિના માનવા પ્રમાણે જો” ગોરી “ હાસ્ય કરે તો ફાગણ મહિનો અને રુદન કરે તો શ્રાવણ મહિનો છે એમ તેણીના જુદા જુદા હાવ ભાવ મુજબ મોસમ બદલાય છે પેલો” સમય “ જે આવન જાવન કરે છે તે મિથ્યા છે. સમય ને પણ મિથ્યા ગણાતા આ કવિને આપણને મર્મ માં પૂછવાનું મન જરૂર થાય કે ગોરી ના હાસ્ય માં જે ફાગણ  મહિનો આવેછે તેમાં ફાગણ સુદ પૂનમ (હોળી) પણ ખરીને ?

એવી રીતે એક બેન નો સાંવરિઓ  એટલો ઉદાર કે બેન માંગે તેનાથી ઘણું વધારે આપે ;
                  સાંવરિઓ રે મારો  સાંવરિઓ ,
                  હું તો ખોબો માગું ને દઈ દે દરિયો .
સ્ત્રી માંગે અને પુરુષ તેને કેટલું આપે છે એ તેમની અંગત વાત છે . પરંતુ એક વાત તો નક્કી છે કે  વસ્તુ હોય કે હાવભાવ... કવિ ઓ ને “ખોબા માં માપવું વધારે ફાવે છે . ખોબો કદાચ ચોક્કસ માપ ના આપે તોપણ આપવાના આનંદ ની અનુભૂતિ તો ચોક્કસ આપે છે .એટલેજ આપણા પવિત્ર પ્રસંગોએ આપણે વસ્તુઓ  ખોબે ખોબે આપીએ છીએ , એનો અર્થ એમ પણ હોય કે અમે વસ્તુ આપવા માંગીએ છીએ માપ્યા વગર !!!
અને એટલેજ ઉપરના ઉદાહરણો માં જો આપણે કવિ ને પૂછીએ કે આ બધાનો અર્થ શું છે .તો કવિ    આપણ ને જરૂર જવાબ આપે કે આ સમજવા માટે વિજ્ઞાન નો અભિગમ ના  ચાલે ,. કેટલીક વસ્તુઓને સમજવા માટે વિજ્ઞાન થી પર એવી મન ની દ્રષ્ટિ ની જરૂર પડે છે .
               વસ્તુ ઘન , પ્રવાહી કે વાયુ એમ કોઈ પણ સ્વરૂપે હોય અને તેનું માપ લેવું હોય તો તેને કોઈ    પ્રમાણભૂત માપ સાથે સરખાવવું પડે છે જેમકે ૧કિલો અનાજ જોખવું  હોય તો ત્રાજવામાં એક બાજુ ૧કિલો નું વજન મુકવું  પડે અને બીજી બાજુએ અનાજ મુકવાનું ,ત્રાજવાના બન્ને પલ્લાં સમતોલન માં રહે એટલે ૧કિલો વજન તોળાઈ ગયું એમ કહેવાય . આ ઘટના પરથીજ આપણા વડીલો આપણને તોળી તોળીને બોલવાની સલાહ આપતા , આપણને જરૂર પ્રશ્ન થાય કે આમાં તોળવાનું શું ? અહી એક પલ્લા માં વિચાર અને બીજા પલ્લામાં પરિસ્થિતિ રાખીને એવી રીતે બોલવાનું કે જેથી પરિસ્થિતિ સંતુલિત રહે ટૂંક માં પરિસ્થિતિ બગડે નહિ એનું નામ જ તોળી તોળીને બોલવું .  
 વાસ્તવ માં મનુષ્ય જન્મે ત્યાર થી બે વસ્તુ તેની સાથે સંકળાયેલી હોય છે .પ્રકૃતિ અને પરમાત્મા ,આપણી સાથે સ્થૂળ રીતે પૃથ્વી અને પૃથ્વી નું વાતાવરણ ઉપરાંત સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો ઉપગ્રહો આ બધા પ્રકૃતિ ના સ્વરૂપો છે, તેને આપણે રોજબરોજ અનુભવીએ છીએ અને છતાં આપણ ને લાગે છે કે આ બધાથી કંઈક જુદું .તત્વ મારામાં છે અથવા હું છું . આ હું એટલે” આત્મા “ .
 આપણા શાસ્ત્રો કહે છે તે મુજબ આ આત્મા એ વળી  પરમાત્મા નો અંશ છે , પરમાત્મા એ આ બધાનું સર્જન કર્યું છે . આપણે રોજ બરોજ ની વસ્તુ ઓને માપીએ જોખીએ અને ત્રાજવાને સમતોલન માં રાખીએ ત્યારે એટલુજ વિચારવાનું કે મારે મારા જીવનને એવીરીતે જોખીને  તોળી ને રાખવાનું છે કે પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચે બરાબર સંતુલન જળવાઈ રહે અને મારું આત્મ સ્વરૂપ પરમાત્મા ને પામી શકે.
૧૨ , હિરણ્ય કોમ્પ્લેક્ષ
,નહેરુ પાર્ક, વસ્ત્રાપુર,
 અમદાવાદ (૩૮૦૦૧૫)                                                                                                  
                                           


6 comments:

  1. Well described a dull topic into an interesting one also leading to the highest philosophical thinking and life message.
    Happy to be into the era of Rs. Annas and then into Rs. and Naye Paise etc.
    Also covered Solid Liquid and Gases (Physics ) into the discussion before ushering the reader to even metaphysics !
    Keep it up Mauleshbhai.

    mrigendra.antani

    ReplyDelete
  2. Saras.. gujarati na 25 maana 2 geet maa tol-maap ni kavi e vaat kari che te jaani majaa aavi:-)).. ghana vakhate saras gujarati lekh vachyo... Mauleshfua..majaa padi...

    Kushal

    ReplyDelete
  3. તોલ-માપ ધારા ( Weights & Measures Act) ની કોઈ પણ ધારા/કલમ માં ના હોય એવી તોલ-માપ ની વાતો માપી માપી ને અને તોલી તોલી ને મણવી તમે તો.

    અને જયારે 'આત્મા એ વળીપરમાત્મા નો અંશ છે' એ વાંચ્યું ત્યારે થયું કે સાહેબ આત્મા એ પરમાત્મા નો કેટલામો ભાગ એવો સવાલ મુકશે કે શું?!! પણ તમે પ્રકૃતિ અને પરમાત્મા ના સંતુલન થી પરમાત્મા ને પામવા ની વાત સુધી પામર આત્મા ને લઈ ગયા.

    અતિ ઉત્તમ

    ReplyDelete
  4. સવા શેર એટલે

    ReplyDelete
  5. ખરેખર શું મોટું ... ગદિયાણો કે વાલ ? કોઈ સોની તેનો જવાબ આપતું નથી...પણ વાર્તા ની એટલી ખબર છે કે ત્યાર પછી બધાં જ સોની ના ઘર ને સોના ના નળીયા થી ગયાં હતાં.

    ReplyDelete
  6. જવાબ ની રાહ જોઈશું

    ReplyDelete