Saturday 8 June 2013

ચાલો ભ્રષ્ટાચાર ભગાડીએ

                                                                    ચાલો ભ્રષ્ટાચાર ભગાડીએ
                                                                                                              લેખક :- ડો.મૌલેશ મારૂ
                                                                                                                                                     
થોડા દિવસ પહેલાં એક મિત્ર આવ્યા , તેમના મુખ પર ના ઉશ્કેરાટના ભાવ  જોઈ ને , મને થયું કે ચોક્કસ કોઈ ગંભીર બાબત છે , મેં તેમને કહ્યું આવો ,શાંતિ થી બેસો પછી ચા પાણી પીને નિરાંતે વાત કરીએ .
તેઓ કહે  હવે ચા પાણી ભૂલી જાવ અને ખાલી પાણી નો આગ્રહ કરવાનું રાખો , અને  એ પણ જ્યાં સુધી સરકાર પીવા દે ત્યાં સુધી .
 મેં કહ્યું કેમ એટલી બધી શું આપત્તિ આવી ગઈ કે ચા પાણી ને બદલે ખાલી પાણી !
પોતાના હાથ માં રહેલું છાપું ટેબલ પર પછાડી ને કહે  આ વાંચો , હવે વર્ષ માં ગેસ ના છ બાટલા ઓછા ભાવ ના મળશે અને પછી બજાર ભાવે એટલે કે ૪૦૦ રૂપિયા ના બાટલાના ૮૦૦ રૂપિયા દેવા પડશે.
મેં તેમને પૂછ્યું કે પહેલા છ બાટલા  ૪૦૦ રૂપિયામાં અને પછીના બજાર ભાવે એવું શા માટે ?
જવાબ માં મારા અજ્ઞાન પર મોઢું બગાડીને કહેવા લાગ્યા , કેમ તમને ખબર નથી કે સરકાર ગેસ ના બાટલા પર સબસીડી આપેછે એટલે આપણે બાંધેલો ભાવ જ આપવાનો , બાકી નાવધારાના  પૈસા સરકાર ચૂકવે છે. હવે બધા બાટલા ને બદલે વર્ષ માં ફક્ત છજ બાટલા સબસીડી થી મળશે બાકીના બજાર ભાવે મળશે. અને પછી એકદમ દુઃખ સાથે કહે કે આમાં સરકાર નો  કંઈક સ્વાર્થ હશે ,અંદરખાને ખુબ મોટો ભ્રષ્ટાચાર હશે!
 મેં કહ્યું ભ્રષ્ટાચાર ની વાત છોડો પહેલા મને એ વાત સમજાવો કે ગેસ નો બાટલો તમે તમારા ઉપયોગ માં લ્યો છો તો પછી તેની પુરેપુરી કિમત તમારેજ ચૂકવવી જોઈએ તેમાં નો અમુક હિસ્સો સરકાર શુ કામ ચૂકવે.? ખરેખર તો પ્રથમ છ બાટલા માં પણ સરકાર સબસીડી આપે તેને હું તો શિષ્ટાચાર ગણું ભ્રષ્ટાચાર નહિ .
 તેઓ એકદમ ગુસ્સે થઇ ગયા મને કહે તમે ક્યારેય તમારી ફિલોસોફી માંથી બહાર નહિ આવો ,તમારી સાથે ચર્ચા નો કોઈ અર્થજ નથી . એમ  બોલતા બોલતા ગુસ્સામાં ચાલ્યા ગયા .પહેલા પેટ્રોલ અને ડીઝલ  માં સબસીડી મળતી, તેમાંથી પેટ્રોલ  ને મુક્ત કરી બજાર ભાવે  મુકવામાં આવ્યું ત્યારે પણ ખુબ વિરોધ થયેલો . હું માનું છું કે ગરીબી રેખા થી નીચે ના લોકો માટે રેશન માં મળતી વસ્તુ ઓ માં સરકાર સબસીડીઆપે તે સમજી શકાય છે પરંતુ પેટ્રોલ કે ગેસ જેવી વસ્તુ માં સબસીડી શા માટે આપવી જોઈ એ તે મને સમજાતું નથી , આ વસ્તુ માંથી સબસીડી આપવાનું બંધ થાય તો એ પણ ભ્રષ્ટાચાર નો કોઈક પ્રકાર જ છે એવું માનનારો પણ એક વર્ગ છે .
હકીકત માં આપણા  રોજ બરોજ ના જીવન માં સવાર ના દૈનિકપત્ર થી માંડી ને રાત્રી ના ટીવી સમાચાર કે આપણી એક બીજા સાથે ની ચર્ચા નો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર નો હોય છે.આપણા માટે નિર્ણય લેતી દરેક સરકારી કે બિનસરકારી સંસ્થા અને તેની સાથે સંકળાયેલા દરેક અધિકારી , નેતા વગેરે ભ્રષ્ટાચાર કરે છે , લાંચ લે છે તે આપણા મન માં દ્રઢ થઇ ગયેલ માન્યતા છે . આવા  ભ્રષ્ટાચાર માટે ઉગ્ર અંદોલન ના માર્ગે લોકો ને દોરી જવા કોઈ નેતા તૈયાર થાય તો તે રાતોરાત લોકપ્રિય થઈજાય છે.
બચપણ માં જયારે બહુ સમજ ના પડતી તે વખતે મને લાગતું કે અન્યાય , ભ્રષ્ટાચાર ,આતંક વગેરે મનુષ્યજ ફેલાવે છે એવું નથી પ્રાણી ઓ  પણ આતંકવાદી હોઈ શકે છે .તે વખતે અમે એક ગામડા માં રહેતા ત્યાર નો એક કિસ્સો યાદ આવે છે . અમારા એ ગામઠી ઘરમાં ઉંદર નો બહુ ત્રાસ હતો .તેનાથી કંટાળી અને આ આતંકવાદી ઉંદરો સાથે લડી લેવું એજ યોગ્ય માર્ગ છે તેમ મેં અને મારા મોટા બેને નક્કી કર્યું . અને પછી  પાર્થ ને કહો ચઢાવે  બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણએમ વિચારી અમે યુદ્ધ જાહેર કર્યું.જે ઓરડા માં ઉંદરો હતા તેનું બારણું અંદરથી બંધ કરી , હાથ માં લાકડી લઇ અને જમીન પર ઠપકારી ઉંદરો ને અહવાહન આપવા લાગ્યા. એ ઉંદરડા નાની સાઈઝ ની ઉંદરડી નહોતી પરંતુ મોટા ઘૂસ પ્રકારના ઉંદરડા હતા ,થોડા વર્ષો પહેલાં આવા  ઉંદરડા કાલુપુર સ્ટેશન ના પાટા ઉપર જોવા મળતા એવું મને થોડું થોડું યાદ છે. મૂળ વાત પર આવું તો થોડીવાર પછી અમારા આહ્વાહન થી ઉંદરો રઘવાયા થયા અને ગમેતેમ ફરવા લાગ્યા એક ઉંદર તો મારા પગ સાથે ભટકાઈ અને મને અંગુઠા માં બચકું ભર્યું હોય તેવું લાગ્યું , અમારી બધી હિંમત ખલાસ થઇ ગઈ ,ગભરાઈને અમે ખાટલા ઉપર ચડી ગયા ,બુમાબુમ કરવા લાગ્યા ,અને જેમ તેમ છટકી ને બચી ગયા.ત્યારે મારા પિતાજી એ મને સમજાવેલું કે કોઈ પણ લડાઈ તૈયારી વગર ના કરાય સામે પક્ષે  પણ સાધનો હોય અને કદાચ વધુ તૈયારી હોય તો આપણે સાચા હોઈએ તો પણ યુદ્ધ ના મેદાન માંથી ભાગવું પડે.પિતાશ્રી ની આ  વાત મને આજે સમજાય છે અને એ પણ સમજાય છે કે  જેવીરીતે મને મારા બહેન નો ટેકો મળ્યો, તે દર્શાવે છે કે, અન્યાય સામે લડવાનું શરુ કરોતો તમને ટેકો પણ મળી રહેછે .
 ઉપર ની વાત મને સચોટ રીતે બાબા રામદેવજી ના કાળા નાણા માટેના જંગ થી સમજ  માં આવી હકીકત માં પરદેશ ની બેંક માં જો આપણા દેશ નું કાળું નાણું હોય તો તેને આપણા દેશ માં લાવવું જોઈએ એ વાત પ્રથમ નજરે સાચી લાગે છે અને એટલેજ બાબા રામદેવજી ને લોકો નો ખુબ મોટો ટેકો મળ્યો તેમણે પણ યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ  આપણે જાણીએ છીએ તે મુજબ તેમને સરિયામ નિષ્ફળતા મળી અને તેમને જે રીતે મંચ છોડવો પડ્યો તે દુઃખદાયક છે અને વિચારવા યોગ્ય પણ છે કે આવું કેમ બન્યું? આ વાત નો વિચાર કરીએ તે પહેલા મારો એક બીજો અનુભવ પણ કહેવાનું મન થાય છે ,
  હું પ્રથમ કોલેજ ની નોકરીમાં જોડાયો , ત્યારે કોલેજ સંચાલકો નું એકચક્રી  શાસન હતું તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કોલેજ માં વર્ષ ના પ્રારંભ માં અધ્યાપકો ની મીટીંગ થાય અને તેમાં કોલેજ ના આચાર્ય ભાષણ આપે અને કેટલીક જાહેરાત કરે ,પ્રાધ્યાપકો એ આ બધું સાંભળી ને તેનો અમલ કરવાનો કોઈ પણ પ્રકારની દલીલબાજી ના ચાલે  . આવી એક મીટીંગ માં આચાર્યશ્રી એ અમુક અધ્યાપકો ને એડવાન્સ ઇન્ક્રીમેન્ટ આપવાની જાહેરાત કરી . આ વાત મને અને કેટલાક અન્ય અધ્યાપકો ને રૂચી નહિ , ૧૮૫૭ ના બળવાની જેમ અમે ખાનગી માં સંદેશા  ની આપલે કરી સાંજે મળવાનું નક્કી કર્યું . અમારી એ મીટીંગ માં અમારી ધારણા કરતાં પણ વધુ અધ્યાપકો આવ્યા , અમે ખુબ ઉગ્ર ચર્ચા ને અંતે પ્રમુખશ્રી ને મળીને રજૂઆત કરવાનું નક્કી કર્યું અને જરૂર પડે સમિતિ ના એક અનુભવી સભ્ય ને આ બાબત ની તપાસ સોંપવી ,આધુનિક  પરિભાષામાં કહું તો એક લોકાયુક્ત ની નિમણુક કરવી તેમ સુચન કરવાનું નક્કી કર્યું .અમારી મીટીંગ પૂરી થયા પછી અમે ખુબ આનંદ માં આવી ગયા અને ખાતરી થઇ ગઈ કે હવે કોલેજ માં એક ને ગોળ અને એક ને ખોળ એ નીતિ ગઈ સમજો. એ આનંદ માં બીજા દિવસે અમે જયારે કોલેજે પહોંચ્યા ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે અમારી ખાનગી વાત અમારા પહેલાં આચાર્યશ્રી પાસે પહોંચી ગયેલી અને મીટીંગ માં હાજર દરેક અધ્યાપક ને એક પછીએક બોલાવી ને સખત ઠપકો મળેલ .
 ઉપરના અનુભવ જેવીજ કંઈક વાત થોડા સમય પહેલાં અન્નાહાઝારે ના અંદોલન માં જોવા મળી , જબરદસ્ત અંદોલન ની આવી ઝલક સ્વતંત્રતા બાદ જન્મેલા ભારત ના નાગરિકો એ  કદાચ પહેલી વખત જોઈ  હશે તેમ પણ કહી શકાય. સંસદ પર પણ નિર્ણય લેવો પડે તેવું દબાણ આવી ગયું અને એક ઐતિહાસિક અનુભવ માંથી સમગ્ર ભારત દેશ પસાર થયો . થયું કે હવે ભ્રષ્ટાચાર ગયો સમજો , રામરાજ્ય આવશે અને લીલા લહેર! , પેલા કવિ ની પંક્તિઓ પણ યાદ આવી ગઈ  રસ્તે જતાં કોઈ ના પકડે બકરી નો કાન , હરખ હવે તું હિન્દુસ્તાન પણ આપણે જાણીએ છીએ કે આપણો આ આનંદ ક્ષણિક હતો અને અંદોલન નો પ્રારંભ જેવો હતો તે લાંબો સમય ટકી શક્યો નહિ . અને આવડું  મોટું આંદોલન પણ સફળ થઇ શક્યું નહિ . દેશ ના લોકો નો આટલો જબ્બર પ્રતિસાદ મળ્યો હોવા છત્તા આંદોલન સફળ ના થાય તો તે વિચારવા લાયકાજ નહિ પરંતુ ઊંડા ચિંતન કરવા યોગ્ય બાબત છે તેમાં કોઈ શંકા નથી .
આપણો દેશ આધ્યાત્મિક વિચારસરણી ધરાવતો દેશ છે અને એટલેજ બાળક સમજણું થાય ત્યાંજ તેને રામાયણ ,મહાભારત વગેરે ધાર્મિક અને ભગવદ્ગીતા જેવા અધ્યાત્મિક ગ્રંથો થી પરિચિત કરવામાં આવેછે.મને પણ આ સંસ્કાર બાળપણ થી મળેલા છે . હું નાનો હતો ત્યારે મારા મનમાં એક વાત દ્રઢ થઇ ગયેલ કે આપણા કોઈ પણ પ્રશ્ન નો ઉત્તર ગીતા માંથી અચૂક મળે છે. મને યાદ છે કે એક વાર મને ગણિત માં એક દાખલો ખૂબ પ્રયત્ન કરવા છતાં મળતો નહોતો ત્યારે મેં મારા પિતાશ્રી પાસે ગીતા માગેલી , પિતાશ્રી એ પૂછ્યું કે ગીતા ની શું જરૂર છે , ત્યારે મેં કહ્યું કે મને એક દાખલો નથી આવડતો તેનો ઉકેલ ગીતા માંથી શોધવો છે . મારા પિતાશ્રીએ ત્યારે હસી ને મને સમજાવેલ કે ગીતા એ ભણવાના પ્રશ્ન ના ઉકેલ માટેની ગાઈડ નથી ,પરંતુ તમે જો ગીતાનો સમજણ પૂર્વક અભ્યાસ કરો તો તમને તમારા પ્રશ્નો કેવીરીતે ઉકેલવા તે માટે નું યોગ્ય માર્ગદર્શન જરૂર મળી રહે છે .
આપણો દેશ આઝાદ થયો તે પહેલાં જન્મેલા લોકો ને ગીતામાંથી  ઉકેલ મેળવીને લડવામાં આવેલ આઝાદી ના જંગ નો બરાબર અનુભવ છે . અંગ્રેજો સામે ની લડત માં ગાંધીજી એ સત્ય અને અહિંસા ના શસ્ત્ર નો ઉપયોગ કરેલો , આઝાદી ની આ લડત એક અદભુત ઐતિહાસિક ઘટના છે ., પરંતુ એ પણ ન ભૂલવું  જોઈએ કે આ જંગ વર્ષો સુધી ચાલેલો જેના પ્રારંભિક તબ્બક્કો  ૧૮૫૭ નો બળવો કહી શકાય, આઝાદી તો આપણને ૧૯૪૭ માં મળી. આ ઉદાહરણ આપવાનું કારણ એ છે કે અત્યાર નો આપણો પ્રાણ પ્રશ્ન દેશ માંથી ભ્રષ્ટાચાર દૂર  કરવાનો છે અને આ પ્રશ્ન પણ ભારતમાંથી અંગ્રેજો ને કાઢવા જેટલોજ અઘરો છે .અને એટલે અખા દેશે સાથે મળી અને વર્ષો સુધી થાક્યા વગર લડવા નું છે. આ લડાઈ માં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે મહાત્મા ગાંધીજી એ સત્યાગ્રહ ની લડત આપી ત્યારે જવાહરલાલ નહેરુ , સરદાર વલ્લભભાઈ  પટેલ , વગેરે જેવા ખુબ મોટા  નેતા ઓ હતા પણ તેમાંથી કોઈ એ પણ મહાત્મા ગાંધી થવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો , બધાજ નેતાઓ બહાદુર સિપાઈ ની જેમ શિસ્ત પૂર્વક ગાંધીજી ના આદેશ અને આદર્શ ને અનુસર્યા છે  . આ વાત ધ્યાન માં લઇ ને જો  પોતાનો અહંકાર અને પ્રસિદ્ધિ ને એક બાજુ એ મુકી દેશ માટે લડવાની , શહીદ થવાની, ભાવના કેળવવામાં આવે તો સફળતા આપણા હાથમાંજ છે .
               .--------------------------------------------- X -----------------------------------------




                                                   

Thursday 6 June 2013

કૃષ્ણાર્પણ (લઘુકથા)

                   
                
                                          કૃષ્ણાર્પણ  (લઘુકથા) 
                                                        લેખક :- ડૉ .મૌલેશ મારૂ
પૂર્વાશ્રમ માં  પ્રધાન પદ ભોગવી ચૂકેલ એવા એ સન્યાસી ના આશ્રમ માં ઘણા બધા ભક્તો –રસતરબોળ થઇ તેમની વાણી સંભાળી રહ્યા હતા . રસ ના એ ઘૂંટ માં તરબોળ થયેલ ભક્તો જયારે રસ સમાધિ માંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે સાબરમતી નદી ગાંડીતૂર બની રહી છે ,સામે પાર જવાનો એક પણ માર્ગ રહ્યો નથી ,હવે શું કરવું ? ભક્તો સન્યાસી પાસે પહોંચ્યા અને મદદ માટે પ્રાર્થના કરી સન્યાસીજી મલકાઈ ને કહે તેમાં ગભરાવાની જરાપણ જરૂર નથી , જાવ સાબરમતી ની પાસે અને જઈ ને કહો કે “ હે સાબરમતી માતા ! સન્યાસીજી જો આ જન્મ “સદાચારી” રહ્યા હોય તો, અમને જવાનો માર્ગ આપો. ભક્તો એકબીજા સામે જોઈ રહ્યા , ભ્રષ્ટાચાર થી ભરપૂર એવા તેમના ભવ્ય ભૂતકાળ નેજાણતા હોવાથી તેઓ થોડા શંકાશી
લ બન્યા ,પરંતુ ગુરુ તરફ ની શ્રદ્ધા અને ઘેર પહોંચવાની ઉતાવળ હોવાથી ,વિચાર્યું  કે પ્રયોગ તો કરી જોઈએ ,જઈને નેતાજી એ કહેલા શબ્દો સાબરમતી ને કહ્યા ત્યાંતો બધાના આશ્ચર્ય વચ્ચે ,સાબરમતી ના નીર ના બે ભાગ પડી ગયા અને વચ્ચે ચાલી શકાય તેટલી જગ્યા થઇ ગઈ – લોકો તો સન્યાસીજી ની જય બોલાવતા ચાલવા માંડ્યા .
આ બનાવ અંતરિક્ષ માંથી નિહાળી રહેલ “નારદજી” થી આ વાત સહન ન થઇ ,એટલે દોડતા દોડતા પહોંચ્યા બ્રહ્માજી પાસે,કહે –પ્રભુ! ગજબ થઇ ગયો , હળાહળ  કળિયુગ !! બ્રહ્માજી મલકાતા મલકાતા કહે – “અરે નારદજી જરા સ્વસ્થ થાઓ ,અને પછી શું બન્યું તે કહો .નારદજી એ સંપૂર્ણ બનાવ નું વર્ણન કરી કહ્યું – પ્રભુ! આમાં હવે પૃથ્વી લાંબુ કેવીરીતે જીવશે ? પવિત્ર નદી ના નીર પણ આટલું જૂઠાણું ચલાવે?
બ્રહ્માજી કહે મુનિરાજ શાંત થાઓ ,હું તમને દુર્વાસા ઋષિ ની એક વાત કહું તે સાંભળો . યમુના નદી ના કિનારે ,કોઈ એક ગામ પાસે દુર્વાસા ઋષિ ચોમાસું ગાળવા માટે રહ્યા હતા .ઘણા નર નારી ઓ તેમના દર્શને આવે અને તેમના માટે ખૂબ સારો સારો પ્રસાદ પણ લાવે ,દુર્વાસા તો બધોજ પ્રસાદ પ્રેમપૂર્વક આરોગી જાય,તેમાં એકદિવસ તેમનો સત્સંગ પૂરો થયો અને ભક્તો એ જોયું તો યમુના નદી માં ઘોડાપૂર આવેલું ,યમુના તો ગાંડીતૂર બની હોય તેવું લાગે .આ જોઈ ને ભક્તો મુંઝાયા અને મદદ માટે દુર્વાસમુની ને પ્રાર્થના કરી જવાબ માં ,દુર્વાસા ઋષિ એ કહ્યું કે યમુના પાસે જઈ  તેમને કહો કે –યમુનામૈયા ,જો દુર્વાસા સદા ઉપવાસી હોય તો ,માતાજી અમને જવાનો માર્ગ આપો – ત્યારે પણ ભક્તો એ શંકાશીલ હૃદયે  યમુનાજી ને દુર્વાસા મુનિ નો સંદેશો કહ્યો અને ભક્તો ના આશ્ચર્ય વચ્ચે યમુનાના નીર ના બે ભાગ પડી ગયા અને ચાલવાનો રસ્તો થઇ ગયો .યમુનાજી એ શા માટે માર્ગ આપ્યો તે જાણો  છો?
નારદજી કહે –હા પ્રભુ , એમાં નવું શું છે ,બધુજ ખાતા હોવા છતાં તેઓ સદા ઉપવાસીજ હતા કારણ ,તેઓ દરક વસ્તુ પહેલા પોતાના ભગવાન શ્રીકૃષ્ણ ને અર્પણ કરતા એટલે તેમના મુખ માં ગયેલ અનાજ નું દરેક કણ ખરેખર તેમને કૃષ્ણાર્પણ જ કર્યું હશે ,તેમનો તો દરેક શ્વાસ પણ શ્રીકૃષ્ણ માટેજ ચાલતો ,અને એટલેજ તેઓ ઉપવાસી હતા .
મલકાઈ ને ભગવાને કહ્યું  –ત્યારે અહીં પણ એમજ છે , સમજ્યાને? નેતાજી પણ બધું પોતાના કૃષ્ણ ને અર્પણ કરતા ,સ્વયં પોતે તો પ્રભુનો પ્રસાદ જ ગ્રહણ કરતા ,એટલે હમેશ માટે સદાચારી !!
ખુશખુશાલ થઈને નારદજી પાછા પૃથ્વી  પર આવવા પગલાં ભરવા માંડ્યા .
          ----------------------------------------  X -------------------------------------------