આગાહી કરવી એય
છે એક લહાણું !
લેખક :- ડૉ મૌલેશ મારૂ
ભવિષ્ય જાણવાની ઈંતેજારી ફક્ત હિંદુ ઓ માં જ છે એવું નથી દરેકે દરેક મનુષ્ય ની
એ નબળાઈ છે અને એટલે જ દુનિયાના લગભગ દરેક દેશ માં ભવિષ્યવેત્તા ઓ ની કીમત હમેશ
રહે છે જ . આપણા દેશ માં કદાચ આનું પ્રમાણ વધારે હશે! ભવિષ્ય જાણવા
ના ઘણા બધા પ્રકાર છે તેમાં જ્યોતિષ શાસ્ત્ર વધુ લોકપ્રિય છે. તે ઉપરાંત
સંજોગો પર થી પણ ઘણા અનુમાન થઇ શકે છે, આપણા જીવન ના દરેક પાસાં પરથી પણ આપણા ભવિષ્ય વિષે જાણકારી મળી શકે છે. મારા એક મિત્ર
એવો દાવો કરે છે કે કોઈ પણ વ્યક્તિ ના
બાહ્ય દેખાવ પર થી વ્યક્તિ ના સ્વભાવ વિષે તેઓ સચોટ આગાહી કરી શકે છે, અલબત્ત
તેમનો આ દાવો લગભગ પોકળ પુરવાર થાય છે કારણ તેઓ ની વ્યક્તિ ના સ્વભાવ વિષે ની
આગાહી સંપૂર્ણ અસત્ય હોય છે. જોકે તેઓ નું માનવું છે કે આગાહી કરવી એજ અગત્ય ની
વાત છે ,આગાહી સાચી પડે કે ખોટી તે ગૌણ વાત છે આગાહી કરવા માટે ના મુખ્ય પ્રકાર માં
વ્યક્તિ નો પડછાયો (છાયા જ્યોતિષ ) , હસ્તરેખા ,જન્મ ના ગ્રહ , અંક જ્યોતિષ ,
પ્લાંચેટીંગ , અને સહુ થી અગત્ય નો પ્રકાર હૈયાસૂઝ છે.
થોડા દિવસ પહેલા અમારા મિત્રમંડળ ની
ચર્ચા માં મેં એક વિધાન કર્યું કે મનુષ્ય નું ભવિષ્ય તેના વજન પર આધારિત છે. મારી
કોઈ પણ વાત પર હસવું જ જોઈ એ એવી વૃત્તિ અને લાગણી ધરાવતા મિત્રો પહેલાં તો ખડખડાટ
હસવા માંડ્યા , પછી ગંભીર થઇ ને કહે – “ આ મશ્કરી
નો વિષય નથી “
મેં કહ્યું – “ આ મશ્કરી નથી હકીકત છે , તમારા વર્તમાન ના વજન પર
થી તમારા વિષે આગાહી થઇ શકે “
એક મિત્ર કહે એમ!! તો મારું વજન ૫૪ કિલોગ્રામ છે , મારું ભવિષ્ય કહો જોઈએ ?
મેં તુરત જ કહ્યું – “ પ્રણય બાબત માં સફળતા
મળે તેવા સંજોગો છે , હાલ માં તમારા જીવન માં પ્રગતિ થઇ રહી છે “ તેઓ એકદમ ગંભીરતા
પૂર્વક કહે “ દરેક વિષય ને જો તમે આમ મશ્કરી માં ઉડાડશો તો વહેલી તકે આપણી મિત્રતા
નો અંત આવી જશે .મને થયું કે હવે તેઓને વધારે સતાવવા યોગ્ય નથી તેથી મારા ખિસ્સાં માંથી
એક ટિકિટ કાઢી ને તેઓ ને આપી અને કહ્યું – વાંચો ! રેલવે સ્ટેશન ના સ્વયં સંચાલિત
વજન કાંટા ની એ ટિકિટ હતી, જેમાં એક બાજુએ વજન અને તેની પાછળ ની બાજુએ ભવિષ્ય લખેલ
હતું .
આપણા જીવન માં ઘણી જગ્યાએ સાવચેતી ની સૂચના પ્રારંભ
થી જ આપવામાં આવેલી છે, મુખ્યત્વે મુસાફરી
માં ઘણા પ્રકાર ની તકેદારી જ્યોતિષ શાસ્ત્ર માં દર્શાવેલ છે, ઉદાહરણ સ્વરૂપે, હમણાં એક દિવસ હું
રાજકોટ થી જામનગર જવા નીકળ્યો ત્યારે મને રોકી ને મારા પત્ની મને કહે જામનગર કઈ
દિશામાં આવ્યું ? મેં કહ્યું –“પશ્ચિમ દિશામાં “ તો એકદમ ખુશ થઇ ને કહે તો એ
દિશામાં કોઈ હરકત નથી . મેં કહ્યું – કેમ?
જવાબ માં કહે એ દિશામાં “દિશાશૂલ” નથી
એટલે વાંધો નહિ. મેં કહ્યું આમ પણ કોઈ દિશામાં શૂળ છે નહિ અને દિશા રૂપી શૂલ લાગવાનો
સંબંધ કદાચ દિશા ઓ રૂપી વસ્ત્ર પહેરનાર ને હશે આપણને નહિ . એકદમ ગંભીર થઇ ને શ્રીમતી
કહે –“જુઓ ધર્મ ની દરેક બાબત ની તમે મશ્કરી કરો છો તે બરાબર નથી “ જવાબ માં મેં
કહ્યું હું કદાચ મશ્કરી કરતો હોઈશ તો પણ આપણા જડ થઇ ગયેલા વિચારો ની , આપણા શાસ્ત્રો ની મશ્કરી તો મનમાં પણ હું કરતો નથી . મારાં નાની અને મારાં માતુશ્રી એકદમ સનાતન ધર્મ નું પાલન ચુસ્ત રીતે
કરતા અને અમારી પાસે પણ કરાવતાં , તેઓ સમક્ષ હું ઘણી વખત શાસ્ત્રો પર મારી આગવી
રીતે ચર્ચા કરતો અને જો તેમની પાસે મારી દલીલ નો જવાબ ન હોય તો તેઓ એકદમ વિચિત્ર
મુખ મુદ્રા કરી અને મૌન ધારણ કરી અને મારી પાસે ધાર્યું કરાવતાં , લગભગ તેવા જ
પ્રકાર ની મુખમુદ્રા કરી અને શ્રીમતી એ મૌન ધારણ કરી લીધું , તેમના મૌન વ્રતે મને
વિચારતો કરી મૂક્યો . શાસ્ત્રો ની વાત એક બાજુએ રાખીએ તો પણ એક વાત તો નક્કી છે કે
ભવિષ્ય જાણવા માટે લગભગ દરેક વ્યક્તિ આતુર હોય છે . ઘણા લોકો (હું પણ ) જાહેર માં
જ્યોતિષ શાસ્ત્ર ની મશ્કરી કરતા હોય છે – પરંતુ મન થી તેમાં શ્રદ્ધા ધરાવતા હોય છે
. મારા એક મિત્ર તો દૈનિક પત્ર માં આવતાં રોજ ના રાશી ભવિષ્ય મુજબ પોતાના
કાર્યક્રમો ની ગોઠવણી કરે છે.
કોઈ પણ બનાવ અંગે ની આપણને એટલે કે હિંદુ ઓ ને
અગાઉ થઇ જાય છે તે જગજાહેર વાત છે. આપણા ઘણા વડવા ઓ ને પોતાના મૃત્યુ ની આગાહી
અગાઉ થી થઇ જતી ને ? થોડા દિવસ પહેલાં અમારા એક સંબંધી ના મૃત્યુ ની પ્રાર્થના
સભામાં જવાનું થયું ,ત્યારે મારા જાણવા માં આવ્યું કે , તેમના મૃત્યુ ના દિવસે કંઇક અમંગળ બનવાની આગાહી તેમના ઘણા સ્વજન ને થયેલ ,
કોઈક ને મનમાં વગર કારણ ની અશુભ લાગણી ઓ ઉત્પન્ન થતી હતી , એક બહેન ને દૂધ ઊભરાઈ
ગયેલું , કોઈને બિલ્લી આડી ઉતરી હતી , કોઈ ને વહેલી સવારના અશુભ સ્વપ્ન આવેલ એક
બહેન વળી એવું માનતા હતા કે બે વર્ષ પહેલા આ ઘરમાં રહેવા આવ્યા ત્યારે ગૃહ શાંતિ
કરેલ નહિ તેનું જ આ પરિણામ છે . અશુભ પ્રસંગ
ની જેમ શુભ પ્રસંગ ની માહિતી પણ ઘણા લોકો ને અગાઉ થી જ્ઞાત થઇ જતી હોય છે . હકીકત
માં કોઈ એક પ્રસંગ નું બનવું અને તે બન્યા પહેલા તેના વિષે અમુક ઘટના (કાલ્પનિક ?)
પર થી તેની માહિતી પ્રાપ્ત થાય એ બંને ઘટના નું સંકલન એનું નામ જ , ભવિષ્ય અંગે ની
આગાહી .અને જ્યારે આગાહી સાચી પડે ત્યારે આગાહી કરનાર વ્યક્તિ તરફ તેના પ્રશંસક જે
અહોભાવ થી જોઈ રહે તે પણ એક અદભુત દૃશ્ય છે.
આગાહી કરવાની આવડત અમુક પ્રસંગે ખુબજ ઉપયોગી થઇ પડે છે , ખાસ કરીને
રેલગાડી ની મુસાફરીમાં જ્યારે ખુબજ ભીડ હોય ત્યારે હસ્તરેખા નું થોડું જ્ઞાન પણ
કેટલું ઉપયોગી થાય છે તે આપણને જ્ઞાત છે . યુવાવસ્થા માં તો હસ્તરેખા નું જ્ઞાન બ્રહ્માસ્ત્ર
નું કામ કરે છે.
મને યાદ છે કે હું જ્યારે B.Sc. માં ભણતો ,એટલે કે આજથી લગભગ ૫૦-૫૫ વર્ષ પહેલાં ,
અમારા વર્ગ માં અમે પાંચ – છ વિદ્યાર્થીઓ હતા , જેમાં એક વિદ્યાર્થિની પણ શામેલ હતી.
એકવાર વર્ગ માં અમારા માંથી તેની બાજુની પાટલી પર બેઠેલ વિદ્યાર્થી એ દૂર થી તેની હથેળી ખુલ્લી
જોઈ અને કહે અરે મિસ તમારી બુદ્ધિ ની રેખા ખુબજ પાવર ફૂલ છે , તે વિદ્યાર્થિની
તેની સામે જોઈ ને થોડું મીઠું સ્મિત આપીને કહે –“અરે તમને હાથ પરથી ભવિષ્ય જોતાં આવડે
છે? તો રિસેસ માં મને જોઈ આપશો? આ જોઈ ને અમે બધા
અવાચક થઇ ગયા ,મનમાં ને મનમાં તે વિદ્યાર્થી ની ઇર્ષ્યા પણ કરવા લાગ્યા, સામાન્ય
વિદ્યાર્થી માંથી અમારી નજર માં તે વી .આઈ. પી થઇ ગયો . મને યાદ છે કે બીજા દિવસે
વર્ગ ના બધાજ વિદ્યાર્થી પાસે હસ્તરેખા શાસ્ત્ર નું એક પુસ્તક હાજર હતું ,અને
ત્યાર પછી ના ઘણા દિવસો સુધી અમે બધા હાથ ની હથેળી નો આકાર , તેમાં રહેલા પર્વતો ,મેદાન
અને જુદી જુદી રેખા વિષે સતત ચર્ચા કરતા રહેતા ,અને તે ચર્ચા ની અસર વિદ્યાર્થિની
પર શું થાય છે તે જાણવા ને આતુર રહેતા. જોકે આજ ના યુવાનો ને આ વાત કદાચ
અતિશયોક્તિ ભરેલી લાગશે, કારણ આજે યુવાનો પાસે સંપર્ક વધારવા માટે મોબાઇલ અને તેની
એપ્લીકેશન્સ અસ્તિત્વ માં છે , અને સાધનો
કરતા પણ વિશેષ યુવક અને યુવતી ને મળવાની જે
સામાજિક સ્વતંત્રતા અત્યારે છે, તે અમારા સમય માં નહોતી. અમે તો એ યુગ માં ભણતા
કે જ્યારે વિજાતીય વ્યક્તિ સાથે ,વાતચીત કે મિત્રતા સામાજિક ગુનો ગણવામાં આવતો. અને સંપર્ક માટે મોબાઇલ તો દૂર ની વાત થઇ પણ
લેન્ડલાઇન પણ ,પણ પૈસાદાર જ વસાવી શકતા, પી. સી. , લેપ ટોપ , ટેબ્લેટ વગેરે તો
કલ્પના માં પણ નહોતાં, એટલે સંપર્ક કરવા માટે પુસ્તક કે નોટબુક ની આપલે , વાકચાતુર્ય,
સંગીત કે રમતગમત માં નિપુણતા અગત્ય ના સાધનો ગણાતા. તેમાં પણ વાકચાતુર્ય અને હસ્ત
રેખા શાસ્ત્ર નું થોડું પણ જ્ઞાન એકદમ હાથવગાં શાસ્ત્રો ગણવામાં આવતાં . જોકે મારો
અનુભવ છે કે આજના વખત માં પણ હસ્ત રેખા શાસ્ત્ર અડગ અને અજેય છે, આજ પણ સંદેશ ની
આપલે પછી મૃદુતા થી હસ્ત સ્પર્શ માટે હસ્ત રેખા શાસ્ત્ર જ ઉપયોગ માં લેવું એજ નિર્દોષતા
પૂર્વક પ્રેમ ના પ્રારંભ નું પ્રથમ સોપાન છે ને ? અને જ્યારે પ્રથમ સોપાન પૂર્ણ
થયા પછી પરસ્પર પ્રેમ નો એકરાર થાય ત્યારે વ્યક્તિ માં કવિ આત્મા પ્રવેશે અને
મનમાં થાય કે આગાહી કરાવી એય છે એક લહાણું.
જ્યોતિષ શાસ્ત્ર નો ઉપરોક્ત ચર્ચા મુજબ ઉપયોગ કરવો એક વસ્તુ છે ,અને તેમાં અંધશ્રદ્ધા રાખવી
એ બીજી બાબત છે. ટેકનોલોજી ના આ યુગ માં પણ આ શાસ્ત્ર માં અતૂટ શ્રદ્ધા ધરાવતો એક
મોટો સમૂહ અસ્તિત્વ માં છે, અને મારાં વર્ષો ના અવલોકન પરથી મને લાગે છે કે આ સંખ્યા માં વધારો થતો જાય છે ! ટેકનોલોજી ના અત્યંત આધુનિક યુગ માં આપણી આકાંક્ષા
અને અપેક્ષા ખૂબ વધી ગઈ છે અને તેની પ્રાપ્તિ નહિ થવા થી આપણી માનસિક અશાંતિ અને અસંતોષ પણ એટલાં જ વધી ગયેલ છે , જે કદાચ આપણી જ્યોતિષ શાસ્ત્ર માં શ્રદ્ધા માટે નું કારણ છે !
અને એજ કારણ થી કદાચ આશ્રમો અને ગુરુ ઓ ની
સંખ્યામાં પણ દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.
થોડા દિવસ પહેલા એક મિત્ર મળ્યા, સામાન્ય રીતે ખુશમિજાજ માં રહેતા મિત્ર ના ચહેરા
પર થોડી ઉદાસી જોઈ ને મેં પૂછ્યું – “ કેમ ઉદાસ દેખાવ છો ? “ જવાબ માં તેઓ કહે –
“ખાસ તો કંઇ નથી પણ , મારી પુત્રી ના વિવાહ ની ચિંતા છે” મેં કહ્યું – “કેમ ?
તમારી પુત્રી તો દેખાવ માં સુંદર છે, અને એન્જીનીઅર થયેલ છે, તેના વિવાહ ની વળી શું
ચિંતા ?” તેઓ કહે એ બધું સાચું પણ તેની કુંડળી માં “મંગળ” છે તેથી તેને યોગ્ય મંગળ
વાળો મુરતીઓ મળતો નથી, હું આશ્ચર્ય પૂર્વક
તેમને જોઈ રહ્યો અને એકદમ આશ્ચર્યચકિત અવાજ થી પૂછ્યું “ તમે આવા બધા વહેમ માં માનો છો
?” તેઓ કહે વહેમ શેનો ? આતો શાસ્ત્રોક્ત વાત છે, પછી ન માનવા નો સવાલ જ ક્યાં છે ?
મેં કહ્યું , અચ્છા તો મારી એક વાત નો જવાબ આપો , તમે રામાયણ વિષે તો સાંભળ્યું છે
ને? તો કહે-“તેમાં પૂછવાનું હોય , મને તો ઘણી ચોપાઈ પણ કંઠસ્થ છે.” મેં કહ્યું તો
પછી મને એ સમજાવો કે ભગવાન રામ ને રાજગાદી એ બેસવાનું મૂહુર્ત તો વશિષ્ઠ મુનિ એ જ
કાઢ્યું હશે ને? તેમ છતાં તે મૂહુર્ત માં ગાદીએ બેસવા ને બદલે તેમને વનવાસ ભોગવવા
શા માટે જવું પડ્યું ?” મને કહે એવા
ખોટા વિચાર કરવા બંધ
કરો , એ તો ભગવાન ની લીલા હશે , આપણને તેમાં સમજણ ના પડે .” તેમના આ જવાબ પછી
તેમની સાથે ચર્ચા કરવી અશક્ય હતી તેથી હું શાંત થઇ ગયો. લગ્ન જીવન માં મંગળ ની જેમ શનિ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે તેવી પણ
એક માન્યતા છે. આજ રીતે જન્મકુંડલી માં કાલસર્પ યોગ અમંગળ ગણાય છે ,ગ્રહ પણ ઉચ્ચ
કે નીચ હોઈ શકે છે. એકવાર એક જ્યોતિષી ને મેં કહેતા સાંભળ્યા કે “તમારો ગુરુ(ગ્રહ)
નીચ નો છે ત્યારે મને અત્યંત આશ્ચર્ય થયેલ. એક વસ્તુ તો ચોક્કસ છે કે વર્ષો થી આપણા
મન માં ઘર કરી ગયેલી કેટલીક માન્યતાઓ ને
દૂર કરવી ઘણી કઠીન બાબત છે, કોઈ પણ શાસ્ત્ર ને માનવું તે બાબત નો વિરોધ ન હોઈ શકે
પણ, સમજણ વગર તેને વળગી રહેવું તે પણ યોગ્ય
નથી. મારી માન્યતા મુજબ જ્યોતિષ શાસ્ત્ર સંભાવના પર આધારિત છે ઉપરાંત તેના ઘણા ગ્રંથો ના
વાંચન પછી મને લાગે છે કે તેમાં અગત્ય ની જરૂરત છે ગણિત નું ઊંડાણ પૂર્વક નું જ્ઞાન , ગ્રહ ની ગતિ
નો સૂક્ષ્મ અભ્યાસ , અને ફળ કથન માટે ખુબજ શુદ્ધ મન અને ઈશ્વર કૃપા.
હકીકત માં આપણા મન ના ઊંડાણ માં આપણને ભવિષ્ય વિષે ચિંતા રહેલી હોય છે ,અને જેમ જેમ
આપણી ઉમર વધતી જાય તેમ તેમ આપણે મન થી નબળા પડતા જઈએ છીએ ,અને ભવિષ્ય માં શું બનવા
નું છે તે જાણવા ની તીવ્ર ઈચ્છા આપણને જુદા જુદા પ્રયોગ તરફ ખેંચી જાય છે . વાસ્તવ
માં આવી માનસિક નબળાઈ થી દૂર રહી ને , મન ને મજબૂત બનાવી આપણી શારીરિક, માનસિક, આર્થિક
અને સામાજિક સ્થિતિ એકદમ મજબુત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ , આપણી જાત ને એટલી
મજબૂત બનાવવી જોઈએ કે આપણી ઈચ્છા મુજબ, આપણા ભવિષ્ય નું સર્જન થાય અને ભગવાન ને પણ
આપણી ઈચ્છા પૂર્ણ કરવાનું મન થાય ,પેલા ઉર્દૂ કવિ એ કહ્યું છે તે મુજબ
खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले ,
खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है।
આપણા જીવન વિષે બીજી કોઈ વ્યક્તિ સાચી ખોટી આગાહી કરે, આપણને માનસિક
અસ્થિર બનાવે અને પોતે મહત્વ મેળવે તેના કરતાં આપણે બુદ્ધિપૂર્વક આપણી જાત માં
સંપૂર્ણ વિશ્વાસ રાખી યોગ્ય પુરુષાર્થ કરીને સ્વયં આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એ
વધુ સારો માર્ગ નથી?
---------------------------- X ------------------------
No comments:
Post a Comment