મારું નામ શું છે ?
આપણી સંસ્કૃતિ મુજબ ૭૦ વર્ષ
ની વય પછી મનુષ્ય એ આત્મશોધન કરવું જોઈએ
,“ હું કોણ છું ?” તે જાણવા નો પ્રયત્ન કરવો જોઈએ .પરંતુ
સંજોગવશાત મારે ૭૬ વર્ષ ની ઊમરે મારું સાચું નામ શું છે તે જાણવા નો ભગીરથ પ્રયત્ન
કરવો પડ્યો ,નવાઈ લાગે છે ને? એક દિવસ ઓચિંતા નું જાણવા મળ્યું કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવું
જરૂરી છે. મને વિચાર આવ્યો કે પહેલાં આ કામ કરવું જોઈ એ. ઓનલાઈન બંને ને જોડવા નો પ્રયત્ન કર્યો તો” પ્રથમ ગ્રાસે મક્ષિકા” મુજબ બન્ને કાર્ડ માં મારા નામ
અલગ પડતા હોવાથી જોડાણ થઇ શક્યું નહિ. મને અત્યંત આશ્ચર્ય થયું ! એક કાર્ડ માં
મારા નામ ની પાછળ “ભાઈ” લગાડેલ અને પિતાશ્રી નું નામ જ દર્શાવેલ નહિ. મને વિચાર
આવ્યો કે “પાનકાર્ડ માં જેનો ફોટો છે તે “મૌલેશ” અને આધાર કાર્ડ માં જેનો ફોટો છે
તે “મૌલેશ” જુદી જુદી વ્યક્તિ છે?” ત્યારબાદ પ્રોફેસર ના ગુણ મુજબ સાતમા ધોરણ ની
મારી માર્કશીટ (વર્ષ ૧૯૫૩) થી શરુ કરી ને ,મારું નામ હોય તેવા પત્ર તથા ઓળખ પત્ર નો
ઊંડાણ પૂર્વક અભ્યાસ કરતાં મારાં નામ ના અસંખ્ય પ્રકાર જોવા મળ્યા નામ ની પાછળ
ભાઈ, કુમાર ,ચંદ્ર અને નામ ની આગળ શ્રી, શ્રીમાન, શ્રીયુત, ડો એવા જુદા જુદા
પ્રત્યય ,વિશેષણ કે અલંકાર થી અત્યંત વિમાસણ માં મૂકાઈ ગયો. તદુપરાંત ઘરમાં હું સૌથી નાનો
હોવાથી , મને મારા પિતાશ્રી, માતુશ્રી અને મારા વડીલ ભાઈ બહેનો વ્હાલ થી અસંખ્ય જુદાં જુદાં નામ થી બોલાવે તે ગણવા બેસું તો
પાર ન આવે.
નામ ના વિષય માં એક વધુ રસપ્રદ વાત પણ યાદ આવી
ગઈ., મને બચપણ થી જ ફર્સ્ટ નેમ, મિડલનેમ માં બહુ
ગોટાળો થતો ,ફર્સ્ટનેમ એટલે અટક અને મિડલ નેમ એટલે પોતાનું નામ એવો ખોટો ખ્યાલ
મારા મન માં ઘર કરી ગયેલ પરિણામે એક જગ્યાએ ફોર્મ ભરવામાં ફર્સ્ટનેઈમ અને મિડલનેઈમ
માં ભૂલ થવા થી મારું નામ M.P.Maru ના બદલે M.M.Prataprai થઇ ગયેલ જેને સુધારવામાં મારે ખૂબજ મહેનત કરવી પડેલ
નામની આગળ શ્રી , શ્રીમાન વગેરે શબ્દો ઉપયોગ માં લેવાની
પદ્ધતિ લગભગ દરેક દેશ માં જોવા મળે છે , સામાન્ય રીતે વ્યક્તિ ને વધુ સન્માન આપવા
માટે આવા શબ્દ નો પ્રયોગ થાય છે ,અંગ્રેજી માં આને “ HONORIFICS” કહેવામાં આવે છે
.ગુજરાતી માં તેને “સન્માન વાચક “ કે “સન્માન
સૂચક” શબ્દ કહી શકાય. પરંતુ નામ ની પાછળ કુમાર, પ્રસાદ ,ચંદ્ર વગેરે
શબ્દો ને ઉપયોગ માં લેવાની પદ્ધતિ કદાચ આપણા દેશ માં જ જોવા મળે છે. અને મારું
માનવું છે કે આનું કારણ આપણી પરસ્પર ની સન્માન ની ભાવના છે. કહેવાય છે કે આપણા ગુજરાતીઓ
માં પરસ્પર સન્માન ની ભાવના ખુબજ પ્રમાણ માં જોવા મળે છે. વ્યક્તિ ને સન્માન પૂર્વ સંબોધન કરવાથી તેનું મહત્વ પણ વધે
છે, કહેવાય છે કે , નાગર જ્ઞાતિ આ
વાત ને સરસ રીતે ઉપયોગ માં લઈ શકે છે , નાગર વાત કરે ત્યારે તેના
મુખમાંથી મધ વહેતું હોય તેમ લાગે ,બાળકો અને પત્ની ને પણ તુંકારા
થી ન બોલાવે પણ “તમે” કહીને બોલાવે જ્યોતીન્દ્ર દવેએ પણ આ સંદર્ભ માં એક જગ્યાએ
કહ્યું છે કે પત્ની ને તમે કહેવાથી જે મીઠાશ અને પ્રેમ ની અનુભૂતિ થાય છે તે
અવર્ણનીય છે, મને યાદ છે કે મારા પિતાશ્રી
પોતાને પણ બહુવચન માં બોલાવતા , જેમકે “અમે આવ્યા.” મારા એક મિત્ર ની માન્યતા મુજબ
નાગર ને જીભ નું મધુપ્રમેહ (Tongue diabetes)વારસામાં મળ્યું હોય એમ લાગે છે !
વ્યક્તિ નું નામ પણ કેવી ભ્રામક વાત
છે? માણસ જન્મે
ત્યારે તેની નામકરણ વિધિ ન થાય ત્યાં સુધી તે બાબો કે બેબી જ હોય છે ને? આમ નામ વગર જન્મેલો માણસ ,જે નામ તેને જન્મ પછી મળ્યું છે તેને જાળવવા માટે આખી જિંદગી
સંઘર્ષ કરે છે,તે હાસ્યાસ્પદ નથી લાગતું? જોકે અત્યાર ના યુગમાં નામ અને એ પણ ચોક્કસ
સ્વરૂપ માં હોવું અત્યંત આવશ્યક છે. કદાચ
આપણા પૂર્વજ ના સમય માં નામ નું બહુ મહત્વ નહીં હોય અને એટલે જ આપણા મહાન કવિ અખા
ભગતે લખ્યું હશે કે “ હાથી નામ કહેવાય
બીયે ઉંદર ના સાદે, અખા નામ ને
શું રડે ?” એ સમય માં નામ નું બહુ મહત્વ નહોતું કારણ કે
એ જમાનામાં આઈ ડી પ્રૂફ અને એડ્રેસ
પ્રૂફ નો પ્રારંભ થયો ન હતો અને આધાર
કાર્ડ તથા પાન કાર્ડ ની તો વિભાવના જ અસ્તિત્વ માં ન હતી. અત્યારે તો પાન કાર્ડ અને આધાર કાર્ડ માં નામ લીંક ન થાય તો
લગભગ રડવું આવી જાય છે. દરેક પ્રકાર ના સરકારી કામમાં પોતાને નિષ્ણાત ગણાવતા એક મિત્ર સાથે આ બાબત ની
ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો ,તેમના મત પ્રમાણે આધાર કાર્ડ અને પાન કાર્ડ માં સમાન નામ ન હોય તો કોઈ પણ એક માં સુધારો કરવો જરૂરી છે. વધુમાં તેમના
કહેવા પ્રમાણે પાસપોર્ટ માં પણ નામ અલગ ન પડવું જોઈએ . તેમની આ ગંભીર વાત
મારાથી સહન ન થતાં મેં તેઓ શ્રી ને કહ્યું
કે આ વાત આપણા તત્વજ્ઞાન થી વિરુદ્ધ છે, આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ મહાદેવ શંકર ભગવાન કે વિષ્ણુ
ભગવાન ને સહસ્ત્ર એટલે કે એક હજાર નામ છે. ભગવાન ને પણ જો આધાર કાર્ડ કઢાવવું હોય તો કયા નામે કઢાવે? અને આદ્ય કવિ
શ્રી નરસિંહ મહેતા ના કહેવા મુજબ તો “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં,અંતે તો હેમ નું હેમ હોયે “, તેઓ એકદમ
હસવા માંડ્યા અને મને કહે – “તમે પણ ખોટી દલીલ કરો છો,ભગવાન ના
અસંખ્ય નામ હોવાથી જ કદાચ પેલા ભક્ત કવિ ને વિમાસણ થઈ હશે અને લખ્યું હશે કે “ હરિ
તારાં નામ છે હજાર , કયા નામે
લખવી કંકોત્રી? “ અને નરસિંહ મહેતા ની વાત કરો છો તો આપણે
તો માણસ
ના નામ ની વાત કરીએ છીએ જ્યારે નરસિંહ મહેતા સોના ના દાગીના ની વાત કરે છે, અને તેઓ એમ
કહેવા માગે છે કે સોના ના દાગીના ખરીદતી સમયે તેના દેખાવ ને મહત્વ ન આપવું ,પરંતુ સોનું
કેટલા કેરેટ નું છે તે જોવું જોઈએ.” કવિ શ્રી
નરસિંહ મહેતા ના મહાન તત્વજ્ઞાન નું આવું ભયંકર અર્થઘટન સાંભળીને હું થોડી
વાર તો અવાચક થઈ ગયો, અને આ વ્યક્તિ સાથે જ્ઞાન ની
કોઈ પણ વાત કરવી તે ભેંસ આગળ ભાગવત વાંચવા
જેવી વાત છે તેમ વિચારી ને દુઃખી હ્રદયે તેમની
વિદાય લીધી .
જ્યારે પ્રેમ કે વહાલ ની વાત આવે ત્યારે વ્યક્તિ નું એકજ
નામ શક્ય જ નથી. પોતાના નાના બાળકને રમાડતા માતા પિતા તેને જુદા જુદા નામે જ બોલાવતાં
હોય છે ને ? બાળક બોલતાં પણ ના શીખ્યું હોય ખાલી થોડા થોડા ઇશારા કરતું હોય
તો પણ માબાપ તો પોતે બાળક હોય તેવી રીતે કાલી કાલી ભાષામાં મારો બચુડો , બાબલો , ચકૂડીઓ એવા અસંખ્ય નામો થી , રમાડતા હોય
તે સાંભળીને બીજા લોકો ને પણ લાગણી અને
પ્રેમ ઉદભવે તે આપણો સામાન્ય અનુભવ છે .એજ રીતે પ્રેમી ઓ પણ પ્રિયતમ કે પ્રિયતમા
ને અસંખ્ય નામ થી ન બોલાવે તો પ્રેમનો
આવિર્ભાવ જ થતો નથી. પ્રભુ ના
ભક્તો પણ આરાધ્ય દેવ ને અસંખ્ય નામ થી પૂજતા હોય છે , વિષ્ણુ
સહસ્ત્ર નામ કે શિવ સહસ્ત્ર નામ નો રોજ જાપ કરવામાં આવે તો મનુષ્ય સંસાર તારી જાય છે
તેવી પણ માન્યતા છે. પ્રેમ ,લાગણી અને
ભક્તિ સિવાય ઘણી વખત મશ્કરીમાં કે ગુસ્સા થી પણ વ્યક્તિ નું નામ બદલાઈ જાય છે , જેમકે
રસ્તામાં ચાલતા કોઈ વ્યક્તિ ઓચિંતા ની
અથડાઇ જાય તો ,અથડામણ ના આઘાત માં સામેની વ્યક્તિ ને ગધેડો,ડોબો,જાડીયો એવા
સંબોધન કરી ગુસ્સો વ્યક્ત કરવામાં આવે તે આપણો
રોજ નો અનુભવ છે. વિદ્યાર્થીઓ શિક્ષકો ને પણ ખાસ નામ આપતા હોય છે ને? મને યાદ છે
કે મારા અભ્યાસ કાળ દરમ્યાન એક શિક્ષક ને “નારંગી સાહેબ “ તો બીજા એક સાહેબ ને
ચકલી કહેતા એક પ્રોફેસર ને જ્હોનચાચા તો બીજા એક પ્રોફેસર ને તેમના અંગ્રેજી ઉચ્ચાર પરથી યલ યમ યન્ન (L M N ) નામ થી
ઓળખાતા જોકે શિક્ષકો કે અધ્યાપકો ના તેમની ખાસિયત પ્રમાણે નામ આપવાં એ કદાચ જેતે ઉમર ને અનુલક્ષી ને વિદ્યાર્થી ની
માનસિકતા દર્શાવે છે ,પણ એટલું તો નિશ્ચિત છે કે
પ્રાથમિક શાળા થી શરૂ કરીને કોલેજ ના અભ્યાસ દરમ્યાન ના એવા ઘણા શિક્ષક અને
પ્રાધ્યાપક છે કે જેમને યાદ કરતાં આજે પણ માનસિક વંદન થઈ જાય છે. જો માતા પિતા કે પ્રેમી ને એવો આદેશ કરવામાં આવે
કે તમારી પ્રિય વ્યક્તિ ને આધાર કાર્ડ કે પાન કાર્ડ માં દર્શાવેલ નામ થી જ બોલાવવા
નું ફરજિયાત રહેશે કે ભગવાન ભક્તો ને એવો આદેશ કરવામાં આવે કે તેમણે ભગવાન ના એક ચોક્કસ નામ થી જ પૂજા કરવાની રહેશે તો મને
લાગે છે કે મનુષ્ય ની જિંદગી માંથી પરસ્પર પ્રેમ ની ભાવના અને ઈશ્વર ની ભક્તિ ધીમે ધીમે
લુપ્ત થવા લાગે તો નવાઈ નહીં.
મનુષ્ય ને
જન્મ સમયે કયું નામ આપવામાં આવેલું છે કે શાળાના રેકોર્ડ માં તેનું શું નામ છે તેના
કરતાં લોકો તેને કયા નામે ઓળખે છે તે વધુ અગત્ય નું છે . કવિઓ કે લેખકો ના ઉપનામ
(તખલ્લુસ) આ બાબત નું સચોટ ઉદાહરણ છે કલાપી, સુંદરમ , જયભીખ્ખુ , ધૂમકેતુ , સ્નેહરશ્મિ અને આવા ઘણા લેખક કે કવિ
ના મૂળ નામ ની ઘણી વખત આપણને જાણકારી પણ હોતી નથી, એટલુંજ નહીં ઘણી વખત તો પરીક્ષામાં તેમનું સાચું નામ દર્શાવવા માટે હેતુ લક્ષી પ્રશ્ન પણ પૂછાતો હોય છે. અહીં
બીજી પણ એક વાત વિચારવા જેવી છે ,જો વ્યક્તિઓજ નહીં વસ્તુઓને પણ
નામ આપવામાં આવ્યું ન હોય તો એક્દમ ગેરવ્યવસ્થા વધી જાય , આપણે કઈ વસ્તુ ની જરૂર છે ,તે સમજાવવું બહુ અઘરું પડે.
આપણે વ્યવસ્થિત અને આનંદ પૂર્વક જીવન જીવી શકીએ છીએ તેને કારણ માં દરેક વ્યક્તિ
અને વસ્તુ ની યોગ્ય નામ થી તેની યોગ્ય ઓળખ જ શક્ય બને છે. ગીતા માં અર્જુન ના ઘણા
નામ છે અને દરેક નામ તેનો એક ગુણ દર્શાવે છે. જેમકે અર્જુન બંને હાથ થી બાણ છોડી
શકતો તે પરથી તેનું એક નામ “ સવ્યસાચી “ આપવામાં આવેલું છે. અને હવે સમજી શકાય છે
કે મહાદેવ શંકર ભગવાન કે વિષ્ણુ ભગવાન ના સહસ્ત્ર નામ તેમના ગુણ દર્શાવે છે, અને એટલેજ એનું મહત્વ છે.
નામ વિષય પર લખવા બેસીએ તો આખું
પુસ્તક રચી શકાય . આપણે તો આપણને આપવામાં આવેલ એક નામ ને સાર્થક કરીએ તેવી જિંદગી
જીવીએ તો પણ આપણું જીવન સફળ થઈ જાય તેમ કહીએ તો અતિશયોક્તિ નથી॰
---------------------- X
---------------------
Really u r good writer.Nice article on name
ReplyDelete.