Thursday, 24 February 2022

મારું નામ શું છે ?

                                                        મારું નામ શું છે ?

                              

                   આપણી સંસ્કૃતિ મુજબ ૭૦ વર્ષ ની વય પછી મનુષ્ય એ આત્મશોધન કરવું   જોઈએ ,“ હું કોણ છું ?” તે જાણવા નો પ્રયત્ન કરવો જોઈએ .પરંતુ સંજોગવશાત મારે ૭૬ વર્ષ ની ઊમરે મારું સાચું નામ શું છે તે જાણવા નો ભગીરથ પ્રયત્ન કરવો પડ્યો ,નવાઈ લાગે છે ને? એક દિવસ ઓચિંતા નું જાણવા મળ્યું કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવું જરૂરી છે. મને વિચાર આવ્યો કે પહેલાં આ કામ કરવું જોઈ એ. ઓનલાઈન બંને ને જોડવા નો પ્રયત્ન કર્યો તો” પ્રથમ ગ્રાસે મક્ષિકા” મુજબ બન્ને કાર્ડ માં મારા નામ અલગ પડતા હોવાથી જોડાણ થઇ શક્યું નહિ. મને અત્યંત આશ્ચર્ય થયું ! એક કાર્ડ માં મારા નામ ની પાછળ “ભાઈ” લગાડેલ અને પિતાશ્રી નું નામ જ દર્શાવેલ નહિ. મને વિચાર આવ્યો કે “પાનકાર્ડ માં જેનો ફોટો છે તે “મૌલેશ” અને આધાર કાર્ડ માં જેનો ફોટો છે તે “મૌલેશ” જુદી જુદી વ્યક્તિ છે?” ત્યારબાદ પ્રોફેસર ના ગુણ મુજબ સાતમા ધોરણ ની મારી માર્કશીટ (વર્ષ ૧૯૫૩) થી શરુ કરી ને ,મારું નામ હોય તેવા પત્ર તથા ઓળખ પત્ર નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરતાં મારાં નામ ના અસંખ્ય પ્રકાર જોવા મળ્યા નામ ની પાછળ ભાઈ, કુમાર ,ચંદ્ર અને નામ ની આગળ શ્રી, શ્રીમાન, શ્રીયુત, ડો એવા જુદા જુદા પ્રત્યય ,વિશેષણ કે અલંકાર થી અત્યંત વિમાસણ માં મૂકાઈ ગયો. તદુપરાંત ઘરમાં હું સૌથી નાનો હોવાથી , મને મારા પિતાશ્રી, માતુશ્રી અને મારા વડીલ ભાઈ બહેનો વ્હાલ થી અસંખ્ય  જુદાં જુદાં નામ થી બોલાવે તે ગણવા બેસું તો પાર ન આવે.

 નામ ના વિષય માં એક વધુ રસપ્રદ વાત પણ યાદ આવી ગઈ., મને બચપણ થી જ ફર્સ્ટ નેમ,  મિડલનેમ  માં  બહુ ગોટાળો થતો ,ફર્સ્ટનેમ એટલે અટક અને મિડલ નેમ એટલે પોતાનું નામ એવો ખોટો ખ્યાલ મારા મન માં ઘર કરી ગયેલ પરિણામે એક જગ્યાએ ફોર્મ ભરવામાં ફર્સ્ટનેઈમ અને મિડલનેઈમ માં ભૂલ થવા થી મારું નામ  M.P.Maru  ના બદલે   M.M.Prataprai  થઇ  ગયેલ જેને સુધારવામાં મારે ખૂબજ મહેનત કરવી પડેલ નામની આગળ        શ્રી , શ્રીમાન વગેરે શબ્દો ઉપયોગ માં લેવાની પદ્ધતિ લગભગ દરેક દેશ માં જોવા મળે છે , સામાન્ય રીતે વ્યક્તિ ને વધુ સન્માન આપવા માટે આવા શબ્દ નો પ્રયોગ થાય છે ,અંગ્રેજી માં આને “ HONORIFICS” કહેવામાં આવે છે .ગુજરાતી માં તેને “સન્માન વાચક “ કે  “સન્માન સૂચક” શબ્દ કહી શકાય. પરંતુ નામ ની પાછળ કુમાર, પ્રસાદ ,ચંદ્ર વગેરે શબ્દો ને ઉપયોગ માં લેવાની પદ્ધતિ કદાચ આપણા દેશ માં જ જોવા મળે છે. અને મારું માનવું છે કે આનું કારણ આપણી પરસ્પર ની સન્માન ની ભાવના છે. કહેવાય છે કે આપણા ગુજરાતીઓ માં પરસ્પર સન્માન ની ભાવના ખુબજ પ્રમાણ માં જોવા મળે છે. વ્યક્તિ ને સન્માન પૂર્વ સંબોધન કરવાથી તેનું મહત્વ પણ વધે છે, કહેવાય છે કે , નાગર જ્ઞાતિ આ વાત ને સરસ રીતે ઉપયોગ માં લઈ શકે છે , નાગર વાત કરે ત્યારે તેના મુખમાંથી મધ વહેતું હોય તેમ લાગે ,બાળકો અને પત્ની ને પણ તુંકારા થી ન બોલાવે પણ તમેકહીને બોલાવે જ્યોતીન્દ્ર દવેએ પણ આ સંદર્ભ માં એક જગ્યાએ કહ્યું છે કે પત્ની ને તમે કહેવાથી જે મીઠાશ અને પ્રેમ ની અનુભૂતિ થાય છે તે અવર્ણનીય છે, મને યાદ છે કે મારા પિતાશ્રી પોતાને પણ બહુવચન માં બોલાવતા , જેમકે અમે આવ્યા.” મારા એક મિત્ર ની માન્યતા મુજબ નાગર ને જીભ નું મધુપ્રમેહ (Tongue diabetes)વારસામાં મળ્યું હોય એમ લાગે છે !

 વ્યક્તિ નું નામ પણ કેવી ભ્રામક વાત છે? માણસ જન્મે ત્યારે તેની નામકરણ વિધિ ન થાય ત્યાં સુધી તે બાબો કે બેબી જ હોય છે ને? આમ નામ વગર જન્મેલો માણસ ,જે નામ તેને  જન્મ પછી મળ્યું છે તેને જાળવવા માટે આખી જિંદગી સંઘર્ષ કરે છે,તે હાસ્યાસ્પદ નથી લાગતું?  જોકે અત્યાર ના યુગમાં નામ અને એ પણ ચોક્કસ સ્વરૂપ માં હોવું અત્યંત આવશ્યક છે.  કદાચ આપણા પૂર્વજ ના સમય માં નામ નું બહુ મહત્વ નહીં હોય અને એટલે જ આપણા મહાન કવિ અખા ભગતે લખ્યું હશે કે  “ હાથી નામ કહેવાય બીયે  ઉંદર ના સાદે, અખા નામ ને શું રડે ?”  એ સમય માં નામ નું બહુ મહત્વ નહોતું  કારણ કે  એ જમાનામાં આઈ ડી પ્રૂફ અને  એડ્રેસ પ્રૂફ  નો પ્રારંભ થયો ન હતો અને આધાર કાર્ડ તથા પાન કાર્ડ ની તો વિભાવના જ અસ્તિત્વ માં ન હતી. અત્યારે તો પાન  કાર્ડ અને આધાર કાર્ડ માં નામ લીંક ન થાય તો લગભગ રડવું આવી જાય છે. દરેક પ્રકાર ના સરકારી કામમાં પોતાને નિષ્ણાત ગણાવતા એક મિત્ર સાથે આ બાબત ની ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો ,તેમના મત પ્રમાણે આધાર કાર્ડ અને પાન કાર્ડ માં સમાન નામ ન હોય તો કોઈ પણ  એક માં સુધારો કરવો જરૂરી છે. વધુમાં તેમના કહેવા પ્રમાણે પાસપોર્ટ માં પણ નામ અલગ ન પડવું જોઈએ . તેમની આ ગંભીર વાત મારાથી  સહન ન થતાં મેં તેઓ શ્રી ને કહ્યું કે આ વાત આપણા તત્વજ્ઞાન  થી વિરુદ્ધ છે, આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ મહાદેવ શંકર ભગવાન કે વિષ્ણુ ભગવાન ને સહસ્ત્ર એટલે કે એક હજાર નામ છે. ભગવાન ને પણ  જો આધાર કાર્ડ કઢાવવું હોય તો કયા નામે કઢાવે? અને  આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા ના કહેવા મુજબ તો  ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં,અંતે તો હેમ નું હેમ હોયે , તેઓ એકદમ હસવા માંડ્યા અને મને કહે – “તમે પણ ખોટી દલીલ કરો છો,ભગવાન ના અસંખ્ય નામ હોવાથી જ કદાચ પેલા ભક્ત કવિ ને વિમાસણ થઈ હશે અને લખ્યું હશે કે “ હરિ તારાં  નામ છે હજાર , કયા નામે લખવી કંકોત્રી? “ અને નરસિંહ મહેતા ની વાત કરો છો તો   આપણે તો  માણસ  ના નામ ની વાત કરીએ છીએ જ્યારે નરસિંહ મહેતા સોના ના દાગીના  ની વાત કરે છે, અને તેઓ એમ કહેવા માગે છે કે સોના ના દાગીના ખરીદતી સમયે તેના  દેખાવ ને મહત્વ ન આપવું ,પરંતુ સોનું કેટલા કેરેટ નું છે તે જોવું જોઈએ.” કવિ શ્રી  નરસિંહ મહેતા ના મહાન તત્વજ્ઞાન નું આવું ભયંકર અર્થઘટન સાંભળીને હું થોડી વાર તો અવાચક થઈ ગયો, અને આ વ્યક્તિ સાથે જ્ઞાન ની કોઈ પણ વાત કરવી તે ભેંસ  આગળ ભાગવત વાંચવા જેવી વાત છે તેમ વિચારી ને દુઃખી હ્રદયે  તેમની વિદાય લીધી .

જ્યારે પ્રેમ કે વહાલ ની વાત આવે ત્યારે વ્યક્તિ નું એકજ નામ શક્ય જ નથી. પોતાના નાના બાળકને રમાડતા માતા પિતા તેને જુદા જુદા નામે જ બોલાવતાં હોય છે ને ? બાળક બોલતાં પણ  ના શીખ્યું હોય ખાલી થોડા થોડા ઇશારા કરતું હોય તો પણ માબાપ તો પોતે બાળક હોય તેવી રીતે કાલી કાલી ભાષામાં મારો બચુડો , બાબલો , ચકૂડીઓ  એવા અસંખ્ય નામો થી , રમાડતા હોય તે સાંભળીને બીજા લોકો ને પણ  લાગણી અને પ્રેમ ઉદભવે તે આપણો સામાન્ય અનુભવ છે .એજ રીતે પ્રેમી ઓ પણ પ્રિયતમ કે પ્રિયતમા ને અસંખ્ય નામ થી ન બોલાવે તો પ્રેમનો  આવિર્ભાવ જ થતો નથી.  પ્રભુ ના ભક્તો પણ આરાધ્ય દેવ ને અસંખ્ય નામ થી પૂજતા હોય છે , વિષ્ણુ સહસ્ત્ર નામ કે શિવ સહસ્ત્ર નામ નો રોજ જાપ કરવામાં આવે તો મનુષ્ય સંસાર તારી જાય છે તેવી પણ માન્યતા છે. પ્રેમ ,લાગણી અને ભક્તિ સિવાય ઘણી વખત મશ્કરીમાં કે ગુસ્સા થી  પણ વ્યક્તિ નું નામ બદલાઈ જાય છે , જેમકે રસ્તામાં ચાલતા કોઈ વ્યક્તિ  ઓચિંતા ની અથડાઇ જાય તો ,અથડામણ ના આઘાત માં સામેની  વ્યક્તિ ને ગધેડો,ડોબો,જાડીયો એવા સંબોધન કરી ગુસ્સો વ્યક્ત કરવામાં આવે તે આપણો  રોજ નો અનુભવ છે. વિદ્યાર્થીઓ શિક્ષકો ને પણ ખાસ નામ આપતા હોય છે ને? મને યાદ છે કે મારા અભ્યાસ કાળ દરમ્યાન એક શિક્ષક ને “નારંગી સાહેબ “ તો બીજા એક સાહેબ ને ચકલી કહેતા એક પ્રોફેસર ને જ્હોનચાચા તો બીજા એક પ્રોફેસર ને તેમના અંગ્રેજી  ઉચ્ચાર પરથી યલ યમ યન્ન (L M N ) નામ થી ઓળખાતા જોકે શિક્ષકો કે અધ્યાપકો ના તેમની ખાસિયત પ્રમાણે નામ આપવાં  એ કદાચ જેતે ઉમર ને અનુલક્ષી ને વિદ્યાર્થી ની માનસિકતા દર્શાવે છે ,પણ એટલું તો નિશ્ચિત છે કે પ્રાથમિક શાળા થી શરૂ કરીને કોલેજ ના અભ્યાસ દરમ્યાન ના એવા ઘણા શિક્ષક અને પ્રાધ્યાપક છે કે જેમને યાદ કરતાં આજે પણ માનસિક વંદન થઈ જાય છે.    જો માતા પિતા કે પ્રેમી ને એવો આદેશ કરવામાં આવે કે તમારી પ્રિય વ્યક્તિ ને આધાર કાર્ડ કે પાન કાર્ડ માં દર્શાવેલ નામ થી જ બોલાવવા નું ફરજિયાત રહેશે કે ભગવાન ભક્તો ને એવો આદેશ કરવામાં આવે કે તેમણે ભગવાન ના  એક ચોક્કસ નામ થી જ પૂજા કરવાની રહેશે તો મને લાગે છે કે મનુષ્ય ની જિંદગી માંથી પરસ્પર પ્રેમ ની ભાવના અને ઈશ્વર ની ભક્તિ  ધીમે ધીમે  લુપ્ત થવા લાગે તો નવાઈ નહીં.

  મનુષ્ય ને જન્મ સમયે કયું નામ આપવામાં આવેલું છે કે શાળાના રેકોર્ડ માં તેનું શું નામ છે તેના કરતાં લોકો તેને કયા નામે ઓળખે છે તે વધુ અગત્ય નું છે . કવિઓ કે લેખકો ના ઉપનામ (તખલ્લુસ) આ બાબત નું સચોટ ઉદાહરણ છે કલાપી, સુંદરમ , જયભીખ્ખુ , ધૂમકેતુ , સ્નેહરશ્મિ  અને આવા ઘણા લેખક કે કવિ ના મૂળ નામ ની ઘણી વખત આપણને જાણકારી પણ હોતી નથી, એટલુંજ નહીં ઘણી વખત તો પરીક્ષામાં તેમનું સાચું નામ દર્શાવવા  માટે હેતુ લક્ષી પ્રશ્ન પણ પૂછાતો હોય છે. અહીં બીજી પણ એક વાત વિચારવા જેવી છે ,જો વ્યક્તિઓજ નહીં વસ્તુઓને પણ નામ આપવામાં આવ્યું ન હોય તો એક્દમ ગેરવ્યવસ્થા વધી જાય , આપણે કઈ વસ્તુ ની જરૂર છે ,તે સમજાવવું બહુ અઘરું પડે. આપણે વ્યવસ્થિત અને આનંદ પૂર્વક જીવન જીવી શકીએ છીએ તેને કારણ માં દરેક વ્યક્તિ અને વસ્તુ ની યોગ્ય નામ થી તેની યોગ્ય ઓળખ જ શક્ય બને છે. ગીતા માં અર્જુન ના ઘણા નામ છે અને દરેક નામ તેનો એક ગુણ દર્શાવે છે. જેમકે અર્જુન બંને હાથ થી બાણ છોડી શકતો તે પરથી તેનું એક નામ “ સવ્યસાચી “ આપવામાં આવેલું છે. અને હવે સમજી શકાય છે કે મહાદેવ શંકર ભગવાન કે વિષ્ણુ ભગવાન ના સહસ્ત્ર નામ તેમના ગુણ દર્શાવે છે, અને એટલેજ એનું મહત્વ છે.

    નામ વિષય પર લખવા બેસીએ તો આખું પુસ્તક રચી શકાય . આપણે તો આપણને આપવામાં આવેલ એક નામ ને સાર્થક કરીએ તેવી જિંદગી જીવીએ તો પણ આપણું જીવન સફળ થઈ જાય તેમ કહીએ તો અતિશયોક્તિ નથી

            ---------------------- X ---------------------

 

    

 

                                                

   


Saturday, 25 October 2014

આગાહી કરવી એય છે એક લહાણું ! [ પ્રતિલિપિ મે -2016]


                              આગાહી કરવી એય છે એક લહાણું !
                                                            લેખક :- ડૉ મૌલેશ મારૂ
          ભવિષ્ય જાણવાની ઈંતેજારી ફક્ત  હિંદુ ઓ માં જ છે એવું નથી દરેકે દરેક મનુષ્ય ની એ નબળાઈ છે અને એટલે જ દુનિયાના લગભગ દરેક દેશ માં ભવિષ્યવેત્તા ઓ ની કીમત હમેશ રહે  છે જ . આપણા  દેશ માં કદાચ આનું પ્રમાણ વધારે હશે! ભવિષ્ય જાણવા ના ઘણા બધા પ્રકાર છે તેમાં   જ્યોતિષ શાસ્ત્ર વધુ લોકપ્રિય છે. તે ઉપરાંત સંજોગો પર થી પણ ઘણા અનુમાન થઇ શકે છે, આપણા જીવન ના દરેક પાસાં પરથી પણ આપણા  ભવિષ્ય વિષે જાણકારી મળી શકે છે. મારા એક મિત્ર એવો દાવો કરે છે કે  કોઈ પણ વ્યક્તિ ના બાહ્ય દેખાવ પર થી વ્યક્તિ ના સ્વભાવ વિષે તેઓ સચોટ આગાહી કરી શકે છે, અલબત્ત તેમનો આ દાવો લગભગ પોકળ પુરવાર થાય છે કારણ તેઓ ની વ્યક્તિ ના સ્વભાવ વિષે ની આગાહી સંપૂર્ણ અસત્ય હોય છે. જોકે તેઓ નું માનવું છે કે આગાહી કરવી એજ અગત્ય ની વાત છે ,આગાહી સાચી પડે કે ખોટી તે ગૌણ વાત છે આગાહી કરવા માટે ના મુખ્ય પ્રકાર માં વ્યક્તિ નો પડછાયો (છાયા જ્યોતિષ ) , હસ્તરેખા ,જન્મ ના ગ્રહ , અંક જ્યોતિષ , પ્લાંચેટીંગ , અને સહુ થી અગત્ય નો પ્રકાર હૈયાસૂઝ છે.
          થોડા દિવસ પહેલા અમારા મિત્રમંડળ ની ચર્ચા માં મેં એક વિધાન કર્યું કે મનુષ્ય નું ભવિષ્ય તેના વજન પર આધારિત છે. મારી કોઈ પણ વાત પર હસવું જ જોઈ એ એવી વૃત્તિ અને લાગણી ધરાવતા મિત્રો પહેલાં તો ખડખડાટ હસવા માંડ્યા , પછી ગંભીર થઇ ને કહે – “ આ   મશ્કરી નો વિષય નથી “
  મેં કહ્યું – “ આ  મશ્કરી નથી હકીકત છે , તમારા વર્તમાન ના વજન પર થી તમારા વિષે આગાહી થઇ શકે “
  એક મિત્ર કહે એમ!! તો મારું વજન ૫૪  કિલોગ્રામ છે , મારું ભવિષ્ય કહો જોઈએ ?
  મેં તુરત જ કહ્યું – “ પ્રણય બાબત માં સફળતા મળે તેવા સંજોગો છે , હાલ માં તમારા જીવન માં પ્રગતિ થઇ રહી છે “ તેઓ એકદમ ગંભીરતા પૂર્વક કહે “ દરેક વિષય ને જો તમે આમ મશ્કરી માં ઉડાડશો તો વહેલી તકે આપણી મિત્રતા નો અંત આવી જશે .મને થયું કે હવે તેઓને વધારે સતાવવા યોગ્ય નથી તેથી મારા ખિસ્સાં માંથી એક ટિકિટ કાઢી ને તેઓ ને આપી અને કહ્યું – વાંચો ! રેલવે સ્ટેશન ના સ્વયં સંચાલિત વજન કાંટા ની એ ટિકિટ હતી, જેમાં એક બાજુએ વજન અને તેની પાછળ ની બાજુએ ભવિષ્ય લખેલ હતું .
  આપણા  જીવન માં ઘણી જગ્યાએ સાવચેતી ની સૂચના પ્રારંભ થી જ આપવામાં  આવેલી છે, મુખ્યત્વે મુસાફરી માં ઘણા પ્રકાર ની તકેદારી જ્યોતિષ શાસ્ત્ર માં  દર્શાવેલ છે, ઉદાહરણ સ્વરૂપે, હમણાં એક દિવસ હું રાજકોટ થી જામનગર જવા નીકળ્યો ત્યારે મને રોકી ને મારા પત્ની મને કહે જામનગર કઈ દિશામાં આવ્યું ? મેં કહ્યું –“પશ્ચિમ દિશામાં “ તો એકદમ ખુશ થઇ ને કહે તો એ દિશામાં કોઈ  હરકત નથી . મેં કહ્યું – કેમ? જવાબ માં કહે એ દિશામાં “દિશાશૂલ”  નથી એટલે વાંધો નહિ. મેં કહ્યું આમ પણ કોઈ  દિશામાં શૂળ છે નહિ અને દિશા રૂપી શૂલ લાગવાનો સંબંધ કદાચ દિશા ઓ રૂપી વસ્ત્ર પહેરનાર ને હશે આપણને નહિ . એકદમ ગંભીર થઇ ને શ્રીમતી કહે –“જુઓ ધર્મ ની દરેક બાબત ની તમે મશ્કરી કરો છો તે બરાબર નથી “ જવાબ માં મેં કહ્યું હું કદાચ મશ્કરી કરતો હોઈશ તો પણ આપણા જડ  થઇ ગયેલા વિચારો ની , આપણા  શાસ્ત્રો ની મશ્કરી તો મનમાં પણ હું કરતો નથી . મારાં  નાની અને મારાં  માતુશ્રી એકદમ સનાતન ધર્મ નું પાલન ચુસ્ત રીતે કરતા અને અમારી પાસે પણ કરાવતાં , તેઓ સમક્ષ હું ઘણી વખત શાસ્ત્રો પર મારી આગવી રીતે ચર્ચા કરતો અને જો તેમની પાસે મારી દલીલ નો જવાબ ન હોય તો તેઓ એકદમ વિચિત્ર મુખ મુદ્રા કરી અને મૌન ધારણ કરી અને મારી પાસે ધાર્યું કરાવતાં , લગભગ તેવા જ પ્રકાર ની મુખમુદ્રા કરી અને શ્રીમતી એ મૌન ધારણ કરી લીધું , તેમના મૌન વ્રતે મને વિચારતો કરી મૂક્યો . શાસ્ત્રો ની વાત એક બાજુએ રાખીએ તો પણ એક વાત તો નક્કી છે કે ભવિષ્ય જાણવા માટે લગભગ દરેક વ્યક્તિ આતુર હોય છે . ઘણા લોકો (હું પણ ) જાહેર માં જ્યોતિષ શાસ્ત્ર ની મશ્કરી કરતા હોય છે – પરંતુ મન થી તેમાં શ્રદ્ધા ધરાવતા હોય છે . મારા એક મિત્ર તો દૈનિક પત્ર માં આવતાં રોજ ના રાશી ભવિષ્ય મુજબ પોતાના કાર્યક્રમો ની ગોઠવણી કરે છે.
   કોઈ પણ બનાવ અંગે ની આપણને એટલે કે હિંદુ ઓ ને અગાઉ થઇ જાય છે તે જગજાહેર વાત છે. આપણા ઘણા વડવા ઓ ને પોતાના મૃત્યુ ની આગાહી અગાઉ થી થઇ જતી ને ? થોડા દિવસ પહેલાં અમારા એક સંબંધી ના મૃત્યુ ની પ્રાર્થના સભામાં જવાનું થયું ,ત્યારે મારા જાણવા માં આવ્યું કે , તેમના મૃત્યુ ના દિવસે કંઇક  અમંગળ બનવાની આગાહી તેમના ઘણા સ્વજન ને થયેલ , કોઈક ને મનમાં વગર કારણ ની અશુભ લાગણી ઓ ઉત્પન્ન થતી હતી , એક બહેન ને દૂધ ઊભરાઈ ગયેલું , કોઈને બિલ્લી આડી ઉતરી હતી , કોઈ ને વહેલી સવારના અશુભ સ્વપ્ન આવેલ એક બહેન વળી એવું માનતા હતા કે બે વર્ષ પહેલા આ ઘરમાં રહેવા આવ્યા ત્યારે ગૃહ શાંતિ કરેલ  નહિ તેનું જ આ પરિણામ છે . અશુભ પ્રસંગ ની જેમ શુભ પ્રસંગ ની માહિતી પણ ઘણા લોકો ને અગાઉ થી જ્ઞાત થઇ જતી હોય છે . હકીકત માં કોઈ એક પ્રસંગ નું બનવું અને તે બન્યા પહેલા તેના વિષે અમુક ઘટના (કાલ્પનિક ?) પર થી તેની માહિતી પ્રાપ્ત થાય એ બંને ઘટના નું સંકલન એનું નામ જ , ભવિષ્ય અંગે ની આગાહી .અને જ્યારે આગાહી સાચી પડે ત્યારે આગાહી કરનાર વ્યક્તિ તરફ તેના પ્રશંસક જે અહોભાવ થી જોઈ રહે તે પણ એક અદભુત દૃશ્ય છે.
     આગાહી કરવાની આવડત અમુક પ્રસંગે ખુબજ ઉપયોગી થઇ પડે છે , ખાસ કરીને રેલગાડી ની મુસાફરીમાં જ્યારે ખુબજ ભીડ હોય ત્યારે હસ્તરેખા નું થોડું જ્ઞાન પણ કેટલું ઉપયોગી થાય છે તે આપણને જ્ઞાત છે . યુવાવસ્થા માં તો હસ્તરેખા નું જ્ઞાન બ્રહ્માસ્ત્ર નું કામ કરે છે. મને યાદ છે કે હું જ્યારે B.Sc. માં ભણતો ,એટલે કે આજથી લગભગ ૫૦-૫૫ વર્ષ પહેલાં , અમારા વર્ગ માં અમે પાંચ – છ વિદ્યાર્થીઓ હતા , જેમાં એક વિદ્યાર્થિની પણ શામેલ હતી. એકવાર વર્ગ માં અમારા માંથી તેની બાજુની પાટલી  પર બેઠેલ વિદ્યાર્થી એ દૂર થી તેની હથેળી ખુલ્લી જોઈ અને કહે અરે મિસ તમારી બુદ્ધિ ની રેખા ખુબજ પાવર ફૂલ છે , તે વિદ્યાર્થિની તેની સામે જોઈ ને થોડું મીઠું સ્મિત આપીને કહે –“અરે તમને હાથ પરથી ભવિષ્ય જોતાં આવડે છે? તો રિસેસ માં મને જોઈ આપશો? આ જોઈ ને અમે બધા અવાચક થઇ ગયા ,મનમાં ને મનમાં તે વિદ્યાર્થી ની ઇર્ષ્યા પણ કરવા લાગ્યા, સામાન્ય વિદ્યાર્થી માંથી અમારી નજર માં તે વી .આઈ. પી થઇ ગયો . મને યાદ છે કે બીજા દિવસે વર્ગ ના બધાજ વિદ્યાર્થી પાસે હસ્તરેખા શાસ્ત્ર નું એક પુસ્તક હાજર હતું ,અને ત્યાર પછી ના ઘણા દિવસો સુધી અમે બધા હાથ ની હથેળી નો આકાર , તેમાં રહેલા પર્વતો ,મેદાન અને જુદી જુદી રેખા વિષે સતત ચર્ચા કરતા રહેતા ,અને તે ચર્ચા ની અસર વિદ્યાર્થિની પર શું થાય છે તે જાણવા ને આતુર રહેતા. જોકે આજ ના યુવાનો ને આ વાત કદાચ અતિશયોક્તિ ભરેલી લાગશે, કારણ આજે યુવાનો પાસે સંપર્ક વધારવા માટે મોબાઇલ અને તેની એપ્લીકેશન્સ  અસ્તિત્વ માં છે , અને સાધનો કરતા પણ વિશેષ યુવક અને યુવતી ને મળવાની જે  સામાજિક સ્વતંત્રતા અત્યારે છે,   તે અમારા સમય માં નહોતી. અમે તો એ યુગ માં ભણતા કે જ્યારે વિજાતીય વ્યક્તિ સાથે ,વાતચીત કે મિત્રતા સામાજિક ગુનો ગણવામાં આવતો. અને સંપર્ક માટે મોબાઇલ તો દૂર ની વાત થઇ પણ લેન્ડલાઇન પણ ,પણ પૈસાદાર જ વસાવી શકતા, પી. સી. , લેપ ટોપ , ટેબ્લેટ વગેરે તો કલ્પના માં પણ નહોતાં, એટલે સંપર્ક કરવા માટે પુસ્તક કે નોટબુક ની આપલે , વાકચાતુર્ય, સંગીત કે રમતગમત માં નિપુણતા અગત્ય ના સાધનો ગણાતા. તેમાં પણ વાકચાતુર્ય અને હસ્ત રેખા શાસ્ત્ર નું થોડું પણ જ્ઞાન એકદમ હાથવગાં શાસ્ત્રો ગણવામાં આવતાં . જોકે મારો અનુભવ છે કે આજના વખત માં પણ હસ્ત રેખા શાસ્ત્ર અડગ અને અજેય છે, આજ પણ સંદેશ ની આપલે પછી મૃદુતા થી હસ્ત સ્પર્શ માટે હસ્ત રેખા શાસ્ત્ર જ ઉપયોગ માં લેવું એજ નિર્દોષતા પૂર્વક પ્રેમ ના પ્રારંભ નું પ્રથમ સોપાન છે ને ? અને જ્યારે પ્રથમ સોપાન પૂર્ણ થયા પછી પરસ્પર પ્રેમ નો એકરાર થાય ત્યારે વ્યક્તિ માં કવિ આત્મા પ્રવેશે અને મનમાં થાય કે આગાહી કરાવી એય છે એક લહાણું.
 જ્યોતિષ શાસ્ત્ર નો ઉપરોક્ત ચર્ચા મુજબ  ઉપયોગ કરવો એક વસ્તુ છે ,અને તેમાં અંધશ્રદ્ધા રાખવી એ બીજી બાબત છે. ટેકનોલોજી ના આ યુગ માં પણ આ શાસ્ત્ર માં અતૂટ શ્રદ્ધા ધરાવતો એક મોટો સમૂહ અસ્તિત્વ માં છે, અને મારાં વર્ષો ના અવલોકન પરથી મને લાગે છે કે  આ સંખ્યા માં વધારો થતો જાય છે !  ટેકનોલોજી ના અત્યંત આધુનિક યુગ માં આપણી આકાંક્ષા અને અપેક્ષા ખૂબ વધી ગઈ છે અને તેની પ્રાપ્તિ નહિ થવા થી  આપણી માનસિક અશાંતિ અને અસંતોષ  પણ એટલાં જ વધી ગયેલ છે , જે કદાચ આપણી  જ્યોતિષ શાસ્ત્ર માં શ્રદ્ધા માટે નું કારણ છે ! અને  એજ કારણ થી કદાચ આશ્રમો અને ગુરુ ઓ ની સંખ્યામાં પણ દિવસે દિવસે  વધારો થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા એક મિત્ર મળ્યા, સામાન્ય રીતે ખુશમિજાજ માં રહેતા મિત્ર ના ચહેરા પર થોડી ઉદાસી જોઈ ને મેં પૂછ્યું – “ કેમ ઉદાસ દેખાવ છો ? “ જવાબ માં તેઓ કહે – “ખાસ તો કંઇ નથી પણ , મારી પુત્રી ના વિવાહ ની ચિંતા છે” મેં કહ્યું – “કેમ ? તમારી પુત્રી તો  દેખાવ માં સુંદર છે, અને એન્જીનીઅર થયેલ છે, તેના વિવાહ ની વળી શું ચિંતા ?” તેઓ કહે એ બધું સાચું પણ તેની કુંડળી માં “મંગળ” છે તેથી તેને યોગ્ય મંગળ વાળો મુરતીઓ મળતો નથી, હું આશ્ચર્ય પૂર્વક તેમને જોઈ રહ્યો અને એકદમ આશ્ચર્યચકિત  અવાજ થી પૂછ્યું “ તમે આવા બધા વહેમ માં માનો છો ?” તેઓ કહે વહેમ શેનો ? આતો શાસ્ત્રોક્ત વાત છે, પછી ન માનવા નો સવાલ જ ક્યાં છે ? મેં કહ્યું , અચ્છા તો મારી એક વાત નો જવાબ આપો , તમે રામાયણ વિષે તો સાંભળ્યું છે ને? તો કહે-“તેમાં પૂછવાનું હોય , મને તો ઘણી ચોપાઈ પણ કંઠસ્થ છે.” મેં કહ્યું તો પછી મને એ સમજાવો કે ભગવાન રામ ને રાજગાદી એ બેસવાનું મૂહુર્ત તો વશિષ્ઠ મુનિ એ જ કાઢ્યું હશે ને? તેમ છતાં તે મૂહુર્ત માં ગાદીએ બેસવા ને બદલે તેમને વનવાસ ભોગવવા શા માટે જવું પડ્યું ?” મને કહે એવા
ખોટા વિચાર કરવા બંધ કરો , એ તો ભગવાન ની લીલા હશે , આપણને તેમાં સમજણ ના પડે .” તેમના આ જવાબ પછી તેમની સાથે ચર્ચા કરવી અશક્ય હતી તેથી હું શાંત થઇ ગયો. લગ્ન જીવન માં  મંગળ  ની જેમ શનિ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે તેવી પણ એક માન્યતા છે. આજ રીતે જન્મકુંડલી માં કાલસર્પ યોગ અમંગળ ગણાય છે ,ગ્રહ પણ ઉચ્ચ કે નીચ હોઈ શકે છે. એકવાર એક જ્યોતિષી ને મેં કહેતા સાંભળ્યા કે “તમારો ગુરુ(ગ્રહ) નીચ નો છે ત્યારે મને અત્યંત આશ્ચર્ય થયેલ. એક વસ્તુ તો ચોક્કસ છે કે વર્ષો થી આપણા  મન માં ઘર કરી ગયેલી કેટલીક માન્યતાઓ ને દૂર કરવી ઘણી કઠીન બાબત છે, કોઈ પણ શાસ્ત્ર ને માનવું તે બાબત નો વિરોધ ન હોઈ શકે પણ, સમજણ  વગર તેને વળગી રહેવું તે પણ યોગ્ય નથી. મારી માન્યતા મુજબ જ્યોતિષ શાસ્ત્ર  સંભાવના પર આધારિત છે ઉપરાંત તેના ઘણા ગ્રંથો ના વાંચન પછી મને લાગે છે કે તેમાં અગત્ય ની જરૂરત છે  ગણિત નું ઊંડાણ પૂર્વક નું જ્ઞાન , ગ્રહ ની ગતિ નો સૂક્ષ્મ અભ્યાસ , અને ફળ કથન માટે ખુબજ શુદ્ધ મન અને ઈશ્વર કૃપા.
 હકીકત માં આપણા મન ના ઊંડાણ માં આપણને  ભવિષ્ય વિષે ચિંતા રહેલી હોય છે ,અને જેમ જેમ આપણી ઉમર વધતી જાય તેમ તેમ આપણે મન થી નબળા પડતા જઈએ છીએ ,અને ભવિષ્ય માં શું બનવા નું છે તે જાણવા ની તીવ્ર ઈચ્છા આપણને જુદા જુદા પ્રયોગ તરફ ખેંચી જાય છે . વાસ્તવ માં આવી માનસિક નબળાઈ થી દૂર રહી ને , મન ને મજબૂત બનાવી આપણી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક સ્થિતિ એકદમ મજબુત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ , આપણી જાત ને એટલી મજબૂત બનાવવી જોઈએ કે આપણી ઈચ્છા મુજબ, આપણા ભવિષ્ય નું સર્જન થાય અને ભગવાન ને પણ આપણી ઈચ્છા પૂર્ણ કરવાનું મન થાય ,પેલા ઉર્દૂ કવિ એ કહ્યું છે તે મુજબ
        खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले , खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है
 આપણા જીવન વિષે બીજી કોઈ વ્યક્તિ સાચી ખોટી આગાહી કરે, આપણને માનસિક અસ્થિર બનાવે અને પોતે મહત્વ મેળવે તેના કરતાં આપણે બુદ્ધિપૂર્વક આપણી જાત માં સંપૂર્ણ વિશ્વાસ રાખી યોગ્ય પુરુષાર્થ કરીને સ્વયં આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એ વધુ સારો માર્ગ નથી?
                 ---------------------------- X ------------------------




         

Sunday, 7 September 2014

અવેતન નાટકો ( જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ )

                      અવેતન નાટકો
  (જીવન રંગમંચ ની એક અવિસ્મરણીય સ્મૃતિ) 
                                                             
           આજે રીમોટ ના ઈશારે , આપણી ઈચ્છા પ્રમાણે આપણે ટીવી પર મનોરંજન કાર્યક્રમો નીહાળી શકીએ છીએ, તે ઉપરાંત સિનેમાગૃહ માં મનપસંદ ફિલ્મ કે નાટ્યગૃહ માં મનપસંદ નાટક માણી  શકીએ છીએ .મનોરંજન નો ખજાનો જાણે કે  આપણા હાથ માં આવી ગયો છે ,પરંતુ વર્ષો પહેલાં જ્યારે મનોરંજન ના સાધન તરીકે ફક્ત રેડીઓ (અને એમાં પણ એફ. એમ  નહિ) જ  અસ્તિત્વ માં હતો  અને એ પણ શ્રીમંત માણસો જ વસાવી  શકતા. ત્યારે મનોરંજન માટે જુદા જ પ્રકાર ના સાધનો અને વ્યવસ્થા નો ઇતિહાસ પણ મનને આનંદ આપે એવો છે .
       અત્યાર ના વડીલો કે જેમનું બાળપણ નાના ગામડામાં વીત્યું છે તેમને બરાબર યાદ હશે કે એ જમાનામાં,મનોરંજન એટલે ભવાઈસવારના ગાડાં માં, ઘોડાઓ પર બેસીને  તથા પગે  ચાલીને ગામ માં ભવાયા નો પ્રવેશ થાય એટલે નાનાં મોટાં દરેક જણ આનંદ માં આવી જાય , અને સાંજ પડે ત્યાં વાળુ (dinner) પતાવી ને ભવાયા ના ખેલ જોવા આવી જાય. અને ભવાઈ કરવા માટે  ગામના ચોરા  ની સામે ની ખુલ્લી જગ્યા , આધુનિક ભાષા માં કહીએ તો ઓપન એર થીએટર , કાયમ માટે નિશ્ચિત જ હોય. આ માટે બેસવા ના સાધન , ખાટલી ,ગોદડા વગેરે પણ સાથે લાવવા ના. લગભગ આખી રાત જુદા જુદા ખેલ ભજવાય પરંતુ આ જોવા માટે કોઈ પણ પ્રકાર ની ટીકીટ, પાસ કે આમંત્રણ કશા ની જરૂર નહિ, રામ વિવાહ જેવા પ્રસંગ માં તો ગામ ના લોકો પણ જાનૈયા ની જેમ વર્તે અને દ્રશ્ય ને વાસ્તવિક બનાવી દે . ભવાયા  ના વેશ જોઈ ને  લોકો પોતાની રીતે પૈસા , વસ્તુ , અનાજ વગેરે આપે .અને ભવાયા પણ પોતાનું જીવન આનંદ પૂર્વક તથા સન્માન પૂર્વક જીવી શકતા કોઈપણ પ્રકાર ના કાયદા વગર સમાજે જવાબદારી ઉઠાવી હોય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે .
     ભવાયા ના વેશ ની જેમ નાટક પણ મનોરંજન નું ખૂબજ પ્રચલિત અંગ છે ,અત્યારે સ્ટેજ પર ભજવાતાં નાટક આધુનિક ટેકનોલોજી ને લીધે એકદમ ઉત્કૃષ્ટ પ્રકારના હોય છે ,અને નાટકના કલાકાર પણ ફિલ્મ ના અભિનેતા ની જેમ સારી કમાણી કરતા હોય છે .નાટક ની ખરી મજા “અવેતન નાટક” પૂરી પાડે છે. અવેતન નાટક એટલે જેમાં કલાકાર ને કશું જ વેતન ના મળે , અને નાટક જોવા માટે પ્રેક્ષકો એ  પણ પૈસા ન આપવા પડે ,હા – કદાચ પાસ લેવા ની મહેનત કરવી પડે . આ પ્રકારના નાટક સામાન્ય રીતે જ્ઞાતિ ના મેળાવડા માં , શાળા-કોલેજ ના વાર્ષિકોત્સવ માં વગેરે માં ભજવાતાં હોય છે .અવેતન નાટક આપણા દરેક ના જીવન નું એક અવિસ્મરણીય પાસું છે .અભિનય ની વાત આવે એટલે કોઈપણ ઉંમરે મનના એકાદ ખૂણામાં સ્પંદન જરૂર ઊભા થાય  આપણને  બાળપણ માં લઇ જાય . બચપણ માં નાટક ન કર્યાં હોય તેવા બહુ થોડા લોકો હોય છે .અને આ નાટક એટલે અવેતન નાટક. મારા બચપણ ના એ દિવસો મને યાદ આવે છે કે જ્યારે ટેલીવિઝન તો શું રેડીઓ પણ અસ્તિત્વ માં નહોતો ,એ વખતે અમારા ગામમાં અમારી જ્ઞાતિ (નાગર) ના યુવક ને મનોરંજન કાર્યક્રમ કરવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો પહેલી મુશ્કેલી જ્ઞાતિ ના વડીલો ની મંજૂરી ,બીજી મુશ્કેલી કાર્યક્રમ માટેની જગ્યા માટે નાગર બૉર્ડિંગ ના રૅક્ટર ની મંજૂરી  મેળવવાની , આ બંને મંજૂરી માટે ઘણી બધી શરત નું પાલન કરવું પડે ,જેમાં પુરુષ અને સ્ત્રી કલાકાર સાથે હોય તેવો કોઈપણ કાર્યક્રમ રાખવો નહિ , તથા કાર્યક્રમ સૂર્યાસ્ત પહેલા પૂરો થઇ જવો જોઈએ ,તે મુખ્ય શરત રહેતી .આ પ્રકાર ની શરત સાથે પણ કાર્યક્રમ યોજવામાં આવતા , આવા કાર્યક્રમ ભર બપોરે સૂર્ય ના તડકામાં ખુલ્લી જગ્યામાં બેસીને  પણ  અમે ખુબજ ઉત્સાહ થી માણ્યા છે, ત્યારે એસી તો અસ્તિત્વ માં જ નહોતું પણ પંખાની વ્યવસ્થા પણ નહોતી. સ્ટેજ પર પણ કુદરતી પ્રકાશ જ મળતો લાઈટ અને સાઉન્ડ ની આધુનિક વ્યવસ્થા ની તો કલ્પના પણ નહોતી આમ છતાં  આજે પણ તે દિવસો ને અને તે કાર્યક્રમ ને યાદ કરીને હું રોમાંચ અનુભવું છું.
         અવેતન નાટક ના કલાકાર નો મિજાજ પણ જુદા પ્રકારનો હોય છે અને તેમાં પણ નાટક ના મહા મૂલ્યવાન સ્ત્રી કલાકાર નો મિજાજ તો ઓર જ હોય છે .કેટલી વિનવણી પછી કોઈ બહેન પાત્ર ભજવવા તૈયાર થયાં  હોય ,તેની કોઈ નબળાઈ જોવાની ન હોય , ભલે ને પછી એ કોઈ મૃત માનવી પાસે બેસીને, લલકારવા માંડે કે “શબ કો શન્મતી દે  ભગવાન--------- “ ,તો પણ ડિરેક્ટર થી કોઈ સુધારો સૂચવી ના શકાય .અને આવા  અશુદ્ધ ઉચ્ચાર છતાં તેનો જુસ્સો ,ગૌરવ એવા પ્રકારનું હોય કે , ભલભલા પુરુષ કલાકાર ને પણ વિચાર આવે કે – કાશી એ કરવત મૂકાવી ને –ભગવાન પાસે આવતા જન્મ માં એક રૂપકડો સ્ત્રી દેહ જ માગી લેવો જોઈએ ,પછી કોઈ પણ ક્ષેત્ર માં આગળ આવવા માટે આટલી બધી મહેનત તો ના કરવી પડે !!
         એકાદ અવેતન નાટકમાં બે કે ત્રણ મિનિટ નો નાનો રોલ ભજવ્યો હોય તેવી વ્યક્તિ ને વર્ષો પછી તે નાટક ની વાત કરતાં સાંભળવાની તક તમને ક્યારેય મળી છે ? ખરેખર આ એક માણવા જેવો લહાવો છે ,મને આવી તક એક વાર મળી છે , એકવાર ટ્રેન માં મુસાફરી દરમ્યાન આવા એક કલાકાર મારા  સહયાત્રી હતા , મારાથી ભૂલમાં નાટકની વાત નીકળી ગઈ ,પછી તો પૂછવું જ  શું? કલાકાર શરુ થઇ ગયા ,મને કહે ,ભાઈશાબ  ,શું વાત કહું ? આજે પણ એ પ્રસંગ યાદ આવે છે ,ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઇ જાય છે .વાત એમ હતી કે ,અમારી જ્ઞાતિ ના એક મેળાવડા  માં મેં કામ કરેલું, મારું પાત્ર એક રાજા ના ખાસ ડોક્ટર તરીકે નું હતું . નાટક સમયે હું સ્ટેજ પર ગયો, મહારાજા ના હાથ ની નાડ પકડી ને ,ઘડિયાળ જોવા માટે કોટ ની બાંય ઊંચી કરી તો ઘડિયાળ પહેરવાનું ભૂલાઈ ગયેલું ,મને તો પરસેવો થઇ ગયો ,અને ઉતાવળ માં  મેં  હેટ માથા  પરથી ઉતારી ને નીચે મૂકી ,અને એ ગંભીર દ્રશ્ય માં પણ ઓડીયન્સ માં હાસ્ય ફેલાઈ ગયું ,પહેલાં તો મને સમજાયું નહિ ,પણ તુરત યાદ આવ્યું કે ,હેટ  ઉતારીને મેં ગંભીર ભૂલ કરી છે ,કારણ તે અરસામાં જ મારા દાદા નું અવસાન થયેલ , તેથી રિવાજ મુજબ મારે માથાના વાળ ઉતરાવી ને ટકલુ કરાવવું પડેલ , આટલી વાત કરીને તે મહાશય પોતે હસવા લાગ્યા અને પછી ,પાછા ગંભીર થઇ ને કહેવા લાગ્યા ,એમ ના માનશો કે અમારું નાટક સાવ ફારસ થઇ ગયું , મેં તરતજ વાત વળી લીધી , અને કહ્યું – જુઓ મહારાજા ,આવા  ગરમી ના દિવસોમાં રોગને આમંત્રણ આપવાના બદલે ,જરાપણ શરમાયા વગર ,મારી જેમ વાળ ઉતારવી નાખો !! અને તમે માનશો ? મારા એ હાજર જવાબ થી ભલભલા કલાકાર મંત્રમુગ્ધ થઇ ગયેલ .આજે પણ નાટક ની વાત નીકળે ત્યારે અમારી જ્ઞાતિ ના લોકો મને યાદ કરે છે . તેમની વાત પૂરી થાય ,તે પહેલાં જ તેમની બાજુમાં બેઠેલ બીજા એક આવાજ કલાકાર શરુ થઈ ગયા , પેલા ભાઈને કહે કે ,  તમે તો ખાલી નાના  એવા રોલ માં થોડી બુદ્ધિ  દોડાવી, પણ હવે મારી વાત સાંભળો ,મેં તો ઘણા નાટક માં દિગ્દર્શન કર્યું છે ( અવેતન નાટક ની પરિભાષામાં એક થી શરુ કરીને કોઈપણ સંખ્યા ને માટે “ઘણા” શબ્દ નો ઉપયોગ કરી શકાય .) મને યાદ છે કે મારા એક નાટક (એક નું એક નાટક પણ હોઈ શકે!)માં તો કેટલાક લોકો માત્ર તોફાન કરવા આવેલા .નાટક એવું હિટ ગયું કે તોફાન કરવાનો મોકો ન મળ્યો ,પરંતુ એક કલાઇમેક્ષ દ્રશ્ય માં અભિનેત્રી એ ચીસ પાડવાની હતી , બરાબર એજ વખતે કોઈ તોફાની એ  સ્ટેજ પાસે ફટાકડો ફોડ્યો ! ત્યારે અભિનેત્રી સાથે કેટલાક પ્રેક્ષકો ની  પણ ચીસ નીકળી ગઈ ,થોડી વાર તો હું પણ હતપ્રભ થઇ ગયો ,પરંતુ તરતજ મેં મારી બુદ્ધિ દોડાવી અને થોડી વાર લાઈટ બંધ કરી અને સ્ટેજ પરથી એનાઉન્સ કરાવ્યુકે આ ફટાકડો દ્રશ્ય માં વાસ્તવિક્તા લાવવા માટે ફોડવામાં આવેલો , એ ફટાકડા ની અસર માટે છાપાં માં પણ વખાણ કરવા પડેલ .આ વાત સંભાળી ને અન્ય શ્રોતા  તો ઠીક પણ પેલા પ્રથમ  વાળા કલાકાર મિત્ર ગદગદ થઇ ગયા અને ખૂબ અહોભાવ થી વાત કરવા માંડ્યા .અને ત્યાર બાદ તે બન્ને વચ્ચે ની વિદ્વતા પૂર્ણ વાત સહન નહિ થવા થી બાકી ના સહયાત્રી ઊંઘવા માંડ્યા.
      અવેતન નાટ્ય કલાકાર ને માનસિક સંતોષ અને ગર્વ મળે તેવી પરિસ્થિતિ “આકાશવાણી” થી અસ્તિત્વ માં આવી તેમ કહી શકાય , સારો અને સ્પષ્ટ અવાજ ધરાવતા કલાકાર ને આકાશવાણી માં વેતન સાથે અભિનય કરવાની તક મળી ,જોકે અભિનય શબ્દ અહીં યોગ્ય નથી કારણ આકાશવાણી ના નાટક માં ફક્ત ધ્વનિ ના આંદોલન અગત્ય ના છે , કારણ રેડીઓ નાટક ફક્ત શ્રાવ્ય છે .અહીં મારો એક અનુભવ કહેવાનું મન થાય છે , આકાશવાણી  પર મેં પણ રેડીઓ નાટક માં પ્રવેશ કરવા માટે ઓડીસન આપેલ ,તેમાં જુદા જુદા પ્રકાર ની કસોટી ઉપરાંત નાટક નો સંવાદ બોલવા નો અને  સ્પષ્ટ ઉચ્ચારણ માટે  હળ્યાં મળ્યાં , બળબળતા બપોરે જેવા શબ્દો બોલવાના  અને જો “ “ળ” નો ઉચ્ચાર “ર” કે “ડ” કર્યો તો તમે નાપાસ ,ઈશ્વર કૃપા થી હું ઓડીસન માં સફળ થયો અને એક નાટક માં મને આમંત્રણ પણ મળ્યું , નાટકનું  રાષ્ટ્રીય કક્ષા એ પ્રસારણ થવાનું હતું. હું રેડીઓ સ્ટેશન પહોંચી ગયો , નાટ્ય વિભાગ નું સંચાલન કરતા દિગ્દર્શક શ્રી ,મને કહે ભાઈ મૌલેશ તમારો અવાજ મને ગમ્યો છે એટલે તમને એક અગત્ય નું પાત્ર આપવાનું વિચાર્યું છે ,હું એકદમ ખુશ થયો. થોડા સમય બાદ રિહર્સલ શરુ થઇ, મેં મારા પાત્ર નો વાર્તાલાપ વાંચ્યો ,પણ શબ્દો ના ઉચ્ચારણ માં જરૂરી ભાવ કે કંપન આવ્યાં નહીં , ઘણીવાર પુનરાવર્તન કર્યા પછી પણ હું મારા અવાજ માં જરૂરી કંપન લાવી શક્યો નહિ આથી અમારા દિગ્દર્શક નારાજ થઇ ગયા, અગત્ય નું પાત્ર બદલાવીને મને થોડું નાનું પાત્ર આપવાનું વિચાર્યું ,પરંતુ કોઈ પણ પાત્ર ને અનુરૂપ હું અવાજ માં સ્પંદન લાવી શક્યો નહિ , એટલે છેવટે એકાદ દ્રશ્ય માં નેપથ્ય માં બે ચાર વ્યક્તિ વાત કરતી હોય તેવા પાત્ર માં મારે ભાગે – અહોહો ભારે કરી!! એવા કંઇક  શબ્દ બોલવા નું આવ્યું – અને જ્યારે નાટક નું પ્રસારણ થયું ત્યારે પાત્ર ના પરિચય માં મારે માટે કહેવામાં આવ્યું કે  --- એક અવાજ – મૌલેશ મારૂ. અગત્ય ના પાત્ર માંથી એક અવાજ સુધી નીચે પડવા થી  મને મનના ઊંડા ખૂણામાં થોડું દુઃખ જરૂર થયેલ, પરંતુ નાટક માં ભાગ લેવા માટે આકાશવાણી તરફ થી પુરસ્કાર  મળ્યો ત્યારે મને અત્યંત આનંદ થયેલ – એ અનુભવ પછી મેં આકાશવાણી જ નહીં પરંતુ કોઈ પણ પ્રકાર ના નાટક માં ભાગ લેવાની હિંમત કરી નથી .
        આવા પ્રસંગો જે તે સમયે તો મન ને આહલાદક અનુભવ આપીને સ્ફૂર્તિ માં  લાવી દે છે ,ઉપરાંત જીવન ને પણ આનંદમય બનાવી દે છે  એ આપણા સહુ નો અનુભવ છે , પરંતુ વૃદ્ધાવસ્થા માં આવા પ્રસંગો ને વાગોળી ને મન એટલો આનંદ અનુભવે છે કે જીવન સંધ્યા પણ ખીલી ઊઠે છે ,અને આવા સમયે આપણને ખ્યાલ આવે છે કે સ્ટેજ  પર કરેલ નાટકો તો ગૌણ છે ,હકીકત માં આપણે જન્મ્યાં ત્યારથી આપણી આસપાસ ના લોકો સાથે આપણે તેમની સાથે ના સંબંધ મુજબ નાટક ના પાત્ર ની જેમ અભિનય જ  કર્યો છે ને? અને ત્યારે જ આપણને પણ સેક્સ્પીયર  ના  “ AS YOU LIKE IT” માં   કહેલ શબ્દો યાદ આવી જાય છે કે “આ દુનિયા એક રંગ મંચ છે ,અને સ્ત્રી તથા પુરુષ તેના પર અભિનય કરતાં પાત્ર છે “ આપણા જીવનભર નું કાર્ય દુનીઆના રંગમંચ પર ના આપણા અભિનય થી વિશેષ કંઇ જ  નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે અભિનય થી વિશેષ કંઇ જ નથી એવી અનુભૂતિ જો એકવાર થઇ જાય તો જીવન માં સુખદુઃખ ની લાગણી ગૌણ થઇ જાય.ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં અધ્યાય ૨ માં, સ્થિર બુદ્ધિ એટલે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ના લક્ષણ નું વર્ણન કર્યું છે , જેમાં એક શ્લોક  માં જણાવ્યા મુજબ ,
      दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः
     वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते- ५६

ઉપરોક્ત ગીતા ઉપદેશ ના સંદર્ભ માં જ્યારે કોઈપણ વ્યક્તિ નો સામનો કરવામાં આવે ત્યારે રંગમંચ ના સંદર્ભ માં વ્યક્તિ નું વર્તન તેને સોંપવામાં આવેલ પાત્ર મુજબ નું છે અને તમારી પ્રતિક્રિયા તમારા પાત્ર મુજબ ની છે , વ્યક્તિ નું વર્તન એ અભિનય અને વાર્તાલાપ કોઈક ની લખેલી સ્ક્રીપ્ટ છે એ અનુભૂતિ જો થાય તો મને લાગે છે કે સુખ - દુઃખ , જય- પરાજય, લાભ – ગેરલાભ વગેરે દ્વંદ્વ થી પર થઇ ને, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ દર્શાવેલ “ સ્થિતપ્રજ્ઞ” ની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.
     ------------------------- X ------------------------